SURAT

રસ્તો પહોળો કરવા સુરતના વરાછાના આ વિસ્તારોમાં લાઈનદોરી મુકાશે

સુરત: (Surat) વરાછા ઝોનમાં સુરત-બારડોલી રોડને કનેક્ટેડ રોડ હોવાથી ભવિષ્યમાં ટ્રાફિકનું (Traffic) ભારણ વધી શકે છે. ટ્રાફિકનું ભારણ ઘટાડવા ટી.પી. સ્કીમ નં.8 (ઉમરવાડા)માં ફાઇનલ પ્લોટ નં.43થી 48 અને 49થી 58 વચ્ચેથી સુરત-કડોદરા રોડ અને બોમ્બે માર્કેટથી અર્ચના સ્કૂલ તરફના રોડને જોડતો સુરત મહાનગર પાલિકાના વર્કશોપની પૂર્વ તરફે આવેલા 12.19 મીટરના હયાત ટી.પી. રસ્તાને 18 મીટર પહોળો કરવા લાઇનદોરી (Alignment) મૂકવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે. સહરા દરવાજા રેલવે ગરનાળા ઉપર રેલવે ઓવરબ્રિજ સાથે ફ્લાય ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. નેશનલ હાઇવેથી વરાછા વિસ્તાર થઇ સુરત શહેરમાં આવતાં-જતાં વાહનો આ બ્રિજનો મહત્તમ ઉપયોગ કરશે. અને અહીં ટ્રાફિકની સમસ્યા પણ વધવાની શક્યતા છે. જેથી મનપા દ્વારા અત્યારથી જ આ રોડને (Road) પહોળો કરવા તૈયારી કરી છે.

ઉધના-મગદલ્લા સર્વિસ રોડ પર નડતરરૂપ પોલીસ ચોકી ખસેડવામાં આવશે
સુરત: સુરત મનપાના અઠવા ઝોનમાં ટી. પી સ્કીમ નંબર 6 (મજુરા-ખટોદરા) વિસ્તારમાં ઉધના મગદલ્લા સર્વિસ રોડ પર નડતરરૂપ પોલીસ ચોકી હટાવવા માટે કવાયત શરૂ કરી છે. જે માટે સ્થાયી સમક્ષ દરખાસ્ત પણ મુકવામાં આવી છે. ઉધના મગદલ્લાના કે.એન.પાર્ક સોસાયટી પાસેના સર્વિસ રોડ પર એક પોલીસ ચોકી છે. ચોકીને કારણે વાહન ચાલકોને અનેક મુશ્કેલી પડતી હોવાની વ્યાપક ફરિયાદ હતી. જે અંગે મનપા દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનને પત્ર મોકલવામાં આવ્યા હતાં. પોલીસ વિભાગ દ્વારા ચોકી માટે મનપા દ્વારા જગ્યાની ફાળવણી કરવામાં આવે તેમ જણાવ્યું હતું. હવે ઉધના મગદલ્લા રોડને પહોળો કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે જેથી પોલીસ ચોકીને નજીકની જગ્યામાં ખસેડવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે.

ગાર્ડન પીપીપી ધોરણે અપાતાં ઈજારદારોએ શરતોનો ભંગ કરી પાર્કિંગનાં ઉઘરાણાં ચાલુ કર્યા હોવાની રાવ
સુરત: મનપાનું આર્થિક ભારણ ઓછું થાય એ માટે મનપાએ મોટા ગાર્ડનો પીપીપી ધોરણે આપવાનું નક્કી કર્યુ છે. પરંતુ પીપીપી ધોરણે આપવામાં આવેલા ગાર્ડનોમાં ઈજારદારો ટેન્ડરની શરતો વિરુદ્ધ કામ કરતા હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા દ્વારા કરવામાં આવ્યા છે. અને મનપા કમિશનરને લેખિતમાં કરવામાં આવેલી રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે, ઈજારદારો દ્વારા ટેન્ડરની શરતોનો ભંગ કરી ગાર્ડનની વધારાની જગ્યામાં કબજો કરી તેમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ચલાવી મનપાને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ઇજારદારો દ્વારા મુલાકાતીઓ પાસે પાર્કિંગનાં નાણાંની ઉઘરાણી ચાલુ કરવામાં આવી છે. કતારગામ ગજેરા સર્કલ પાસે આવેલ શ્યામાપ્રસાદ મુખરજી લેક ગાર્ડન, નાના વરાછામાં આવેલા મહારાણા પ્રતાપ ઉદ્યાન, અમરોલી ઉત્રાણમાં આવેલા મૂન ગાર્ડન અને ડિંડોલી લેક ગાર્ડન ખાતે હાલમાં પાર્કિંગ પેટે નાણાંની વસૂલાત થઈ રહી છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top