વલસાડ: (Valsad) સુરત વરાછાના (Surat Varachha) રહીશ કાર લઇને સેલવાસ પ્રવાસે (Travel) આવ્યા હતા. ત્યાંથી પરત ફરતા તેમની કાર (Car) ગુંદલાવ નજીક હાઇવે (Highway) પર પલટી મારી ગઇ હતી. જેમાં કારમાં સવાર એકનું ગંભીર ઇજા ના કારણે મોત નિપજ્યું હતુ.
- સુરત વરાછા વિસ્તારના રહીશ મિત્રો સાથે સેલવાસ ફરવા ગયા હતાં, પાછા ફરતી વખતે નડ્યો અકસ્માત
- વલસાડ હાઈવે પર કાર પલટી જતાં સુરતના વરાછામાં રહેતા વ્યક્તિનું મોત
- વરાછા રામજી મંદિર સામે રહેતા કિરણ ભીખુ રાવલ તેમના મિત્રો સાથે સ્વીફ્ટ કારમાં સવાર થઇ સેલવાસ ગયા હતા
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સુરતમાં નાના વરાછા રામજી મંદિર સામે રહેતા કિરણ ભીખુ રાવલ તેમના મિત્રો સાથે સ્વીફ્ટ કારમાં સવાર થઇ સેલવાસ ગયા હતા. તેઓ સેલવાસથી પરત આવી રહ્યા હતા એ સમયે તેમણે પુરપાટ ઝડપે કાર હંકારતા ગુંદલાવ પાસે તેમની કાર રોડની બાજુમાં આવેલી ગટરમાં પડીને પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મેલા ભયલા વસાવા (ઉ.વ.23 રહે. નાના વરાછા રામજી મંદિર પાસે)ને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમને અને અન્ય સાથીઓને સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં ડોક્ટરે મેલાભાઇને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ સંદર્ભે મેલાભાઇના ભાઇ રાજુભાઇ ભયલાલ વસાવાએ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જીતાલીની સિલ્વર સિટી નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઇકચાલકનું મોત
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિલ્વર સિટી નજીક અજાણ્યા વાહનચાલકે મોટરસાઇકલને અડફેટે લેતાં 32 વર્ષીય બાઇકચાલકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલી ગોપીનાથ-2 સોસાયટીમાં રહેતા અને મૂળ બિહારના 32 વર્ષીય પવનદેવ બ્રીજકિશોર સીંગ પોતાની મોટરસાઇકલ લઇ જીતાલી ગામ પાસેની સિલ્વર સિટી સોસાયટી પાસેથી પસાર થઇ રહ્યા હતા. દરમ્યાન પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે તેની મોટરસાઇકલને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પવનદેવ બ્રીજકિશોર સીંગને ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અજાણ્યા વાહનનો ચાલક અકસ્માત સર્જી વાહન લઇ ફરાર થઇ ગયો હતો. આ બનાવની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.