SURAT

વરાછાના જૈમીનને ડ્રગ્સ લેબોરેટરી બનાવવામાં મદદ કરનાર આ શખ્સ પકડાયો

સુરત: (Surat) સરથાણામાંથી પકડાયેલી ડ્રગ્સ (Drugs) બનાવવાની લેબોરેટરીમાં (Laboratory) જૈમીનના પાર્ટનર ફૈઝલની ધરપકડ કરી લેવામાં આવી છે. આ તપાસમાં પોલીસને (Police) ત્રીજુ નામ પણ મળ્યું છે. જૈમીન, ફૈઝલ અને ઇમરાન નામના યુવકે સાથે મળીને લેબોરેટરી બનાવવાનો પ્લાન બનાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ અઠવાડિયા અગાઉ પોલીસે પુણાના નિયોલ ચેક પોસ્ટ પાસેથી એક આરોપીને 58 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. આ એમડી ડ્રગ્સ આરોપી મોટા વરાછામાં રહેતા જૈમિનને આપવાનો હતો. પોલીસે આ જૈમીનની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. એસઓજીની ટીમે જૈમીનને ભાવનગરના ઉમરાળા તાલુકાથી પકડી પાડીને સુરતમાં આવેલી તેની ઓફિસે તપાસ કરી હતી. પોલીસની તપાસમાં જૈમીનની ઓફિસમાંથી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી જ પકડી પાડી હતી. આ સાથે જ જૈમીનની પૂછપરછમાં તેને મદદ કરનાર કોસાડ આવાસના ફૈઝલનું નામ બહાર આવ્યું હતું. 58 ગ્રામ ડ્રગ્સમાંથી 50 ગ્રામ ડ્રગ્સ તો માત્ર ફૈઝલને જ આપવાનું હતું. આ ઉપરાંત ફૈઝલ અને જૈમીને સાથે મળીને ડ્રગ્સ બનાવવાનું નક્કી કરીને જૈમીનનો ઓફિસમાં લેબોરેટરી ઉભી કરવાનનો પ્લાન બનાવ્યો હતો. લેબોરેટરી માટે અડધો સામાન ફૈઝલે મંગાવી આપ્યો હતો. જૈમીનને મદદ કરનારા ફૈઝલને અમરોલી પોલીસે પકડી પાડ્યો હતો, અને પુણા પોલીસને સોંપી દીધો હતો. પુણા પોલીસે ફૈઝલની પણ પૂછપરછ કરી હતી. ફૈઝલની પૂછપરછમાં હવે ત્રીજુ નામ ઇમરાનનું આવ્યું હતું. ઇમરાન પણ કોસાડ આવાસમાં જ રહે છે, અને આ ત્રિપુટીએ જ લેબોરેટરીનો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.

ફૈઝલ, ઇમરાન અને જૈમીન સાથે ડ્રગ્સનું સેવન કરતા મિત્રો બન્યા હતા
પોલીસના જણાવ્યા પ્રમાણે ફૈઝલ, ઇમરાન અને જૈમીન સાથે જ ડ્રગ્સનું સેવન કરતા હતાં અને તેઓ મિત્રો બન્યા હતા. જૈમીનને જ્યારે જરૂર પડે ત્યારે ઇમરાન અને ફૈઝલ મદદ કરતા હતા. આ ઉપરાંત ફૈઝલને જ્યારે મદદની જરૂર હોય ત્યારે જૈમીનન મદદ કરતો હતો. પરંતુ બાદમાં ત્રણેયએ વધુ રૂપિયા કમાવવા માટે જાતે જ ડ્રગ્સ બનાવવાનું નક્કી કર્યું હતું. આ માટે જૈમીને પોતાની ઓફિસ આપવાની વાત કરી હતી, જ્યારે ફૈઝલે સાધન-સામગ્રી અને ઇમરાને ડ્રગ્સ લાવી આપવાનું કહ્યું હતું. સમયાંતરે ઇમરાન રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવી આપતો હતો અને ત્રણેય સાથે જ ડ્રગ્સ લેતા હતાં.

Most Popular

To Top