સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા વરાછા ઝોન (Varacha Zone) વિસ્તારમાં હેડ વોટર વર્કસ (વરાછા)થી કરંજ સુધી 813 મી.મી. વ્યાસની એમ.એસ. ટ્રાન્સમિશન લાઈન નાંખવાનું કામ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે કાપોદ્રા વિસ્તારમાં રચના સર્કલથી મનપા કોમ્યુનીટી હોલ મરઘા કેન્દ્ર જંક્શન સુધીના મુખ્ય રસ્તા ઉપર તા. 19/10/2021 થી તા. 25/11/2021 દરમ્યાન પાણીની લાઈન નાંખવાનું અગત્યનું કામ તબક્કાવાર હાથ ધરવામાં આવશે. જેથી રચના સર્કલથી મનપા કોમ્યુનીટી હોલ મરઘા કેન્દ્ર સુધીના મુખ્ય રસ્તાની (Roads) એકતરફ (સીંગલ લેન) 7 દિવસ માટે રાહદારીઓ તેમજ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ મુકવામાં આવશે.
આ કામગીરી દરમિયાન રચના સર્કલથી મનપા કોમ્યુનીટી હોલ મરઘા કેન્દ્ર સુધીના મુખ્ય રસ્તાની સીંગલ લેન બંધ હોય, વાહનો માટે વિકલ્પરૂપે રસ્તાની બીજી લેન વાહન વ્યવહાર માટે ખુલ્લી રહેશે. જેનો ઉપયોગ કરી રચના સર્કલથી મરઘા કેન્દ્ર તરફ જઈ શકાશે. આ કામગીરી પૂર્ણ થયેથી પ્રતિબંધિત માર્ગ રાહદારીઓ તેમજ વાહન વ્યવહાર માટે ફરીથી ખુલ્લો કરવામાં આવશે તેમ જણાવાયું છે.
સરથાણાથી લઈ ડ્રીમ સિટી સુધી મેટ્રો રેલનો ધમધમાટ વધ્યો
સુરત: શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરીનો ધમધમાટ વધી રહ્યો છે. જુદા જુદા પ્રકારના સરવે અને સોઇલ ટેસ્ટિંગ ચાલુ છે. તેમજ મેટ્રો રેલના રૂટ પર આવતી મિલકતોના મિલકતદારોને નોટિસ આપવાનું શરૂ કરી દેવાયું છે. જયારે બીજી બાજુ અંડર ગ્રાઉન્ડ રૂટની આસપાસ જે મિલકતો જર્જરિત હોય તેને મેટ્રો રેલ પસાર થાય ત્યારે અસર થવાની સંભાવના હોય આવી જર્જરિત મિલકતોનો સર્વે કરીને તેની પણ યાદી તૈયાર કરી દેવાઇ છે. આ મિલકતને થનારી અસર બાબતે પણ વિવિધ યંત્રો દ્વારા અભ્યાસ કરીને ત્યાર બાદ તેના નિવારણ માટેના આયોજનો હાથ ધરાશે.
મેટ્રો રેલ પ્રોજેકટના સરથાણાથી ડ્રીમ સિટી સુધીના 21 કી.મી.ના રૂટમાં કાપોદ્રાથી ચોકબજાર સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે, જેમાં છ સ્ટેશનો આવે છે. આ રૂટ પર જમીનની અંદરથી બોરિંગ કરીને કામ શરૂ થશે ત્યારે કેટલી મિલકતોમાં તેનું કેટલું વાઇબ્રેશન થઇ શકે છે? તે ચકાસવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે તેના માટે જીએમઆરસીએ ભૂગર્ભ રેલ રૂટ ઉપર હયાત મિલકતોમાં કેટલી મિલકતો જર્જરિત છે? તેની યાદી તૈયાર કરી દીધી છે. જીએમઆરસી આ પ્રક્રિયા માટે મેટ્રો રેલની ઝડપથી અથવા ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)થી ઉત્પન્ન થનાર વાઇબ્રેશન જેટલું એક સેન્સર રૂટને અડીને આવેલી કેટલીક મિલકતો ઉપર લગાડી તેનું મોનીટરિંગ કરશે. આ ડેટાના આધારે શું તકેદારી રાખવાની છે? તે નક્કી કરાશે. મિલકતોને સરવેના આધારે સ્ટ્રેન્થ સર્ટિફિકેટ પણ અપાશે. આ સર્વે માટે મિલકતદારો પાસે સરવેમાં સંમતિ માટે ફોર્મ ભરીને સંમતી લેવાનું શરૂ કરી દેવાયું છે. સરવે દરમિયાન મિલકતને નુકસાન થાય તો તેનો ખર્ચ જીએમઆરસી ભોગવશે. ખાસ કરીને કોટ વિસ્તારમાં જર્જરીત મિલકતો વધુ છે તેથી અહી મેટ્રોના અધિકારીઓ ફુંકી ફુંકીને આગળ વધી રહયા છે.
રૂટમાં આવતી મિલકતોના માલિકોને ઘરે ઘરે જઇને માહિતી અપાશે
જીએમઆરસીના અધિકારીઓના જણાવ્યુ મુજબ અંડર ગ્રાઉન્ડ રૂટ જમીનની સપાટીથી 40 મીટર સુધી નીચે હોઇ શકે છે. આ ઊંડાઇમાં બોરિંગ કરતી વખતે પણ અમુક અંશે તેનું કંપન થઇ શકે છે. જેથી જમીન ઉપર તેની કોઇ અસર થશે કે નહીં તે ચકાસી લેવામાં આવશે. રૂટની ઊંડાઇ ખૂબ નીચે હોવાથી હયાત મિલકતોને કંપનની કોઇ અસર થાય તેમ નથી. તેમ છતાં જર્જિરત મિલકતોમાં તેના કંપન અનુભવાય તેવી સંભાવનાએ જીએમઆરસીએ રૂટ ઉપરની ખાનગી મિલકતોમાં રેલ પસાર થાય તે અંગે ટીબીએમ મશીન જેવું વાઇબ્રેશન સેન્સર મૂકી તેની અસર તપાસવાનું નક્કી કર્યું છે. તેમજ સરવે માટે સહમતી આપનાર મિલકતદારોની મિલકતમાં કોઇ નુકશાન થશે તો તેનો ખર્ચ જીએમઆરસી ઉઠવાશે જો કે સરવે માટે સહમતી ન આપનાર મિલકતદારો જ્યારે ટીબીએમ મશીનથી કે ભુગર્ભમાં ટ્રેન પસાર થશે ત્યારે કોઇ નુકસાની થઇ તો તેની જીએમઆરસી કોઇ જવાબદારી લેશે નહીં. જેથી આ સરવે શરુ થાય ત્યારે મિલકતદારોએ આ કવાયતમાં ભાગ લેવા પણ જીએમઆરસીએ અપીલ કરી છે. તેમજ આ સંમતી માટે જીએમઆરસીના અધિકારીઓ રૂટની યાદીમાં આવતી મિલકતદારોને ઘરે ઘરે જઇને માહીતી આપશે.