સુરત: (Surat) વરાછામાં (Varacha) ચીટરોનો (Cheaters) જાણે રાફડો ફાટ્યો છે. ક્રિપ્ટોકરન્સી અને પોન્ઝી સ્કીમની સાથે સાથે ફ્રોડ લોનના (Loan Fraud) પણ વધુમાં વધુ કિસ્સા વરાછામાંથી જ સામે આવી રહ્યાં છે. હાલમાં જ સુરત પીપલ્સ કો.ઓ. બેન્ક (Surat Peoples Co.op. Bank) સાથે છેતરપિંડી (Cheating) થયાનો બનાવ બહાર આવ્યો છે. મોટા વરાછાની એક મહિલાએ સુરત પીપલ્સ બેન્કમાંથી 3-3 વાર લોન લઈને બેન્કના અધિકારીઓને મૂર્ખ બનાવ્યા છે. રૂપિયા 56 લાખની લોન ઈશ્યૂ કર્યા બાદ મહિલાએ હપ્તા નહીં ભરતા અધિકારીઓએ તેના સરનામે તપાસ કરી તો ખબર પડી કે જે કારણ રજૂ કરી મહિલાએ લોન માંગી હતી તે તો કર્યું જ નથી. હવે સુરત પીપલ્સના અધિકારીઓ વસૂલાત માટે પોલીસના શરણે ગયા છે.
- સુરત પીપલ્સ બેન્કની પૂણા બ્રાન્ચમાંથી મોટા વરાછાની અનસુયા મહેશ સાવલીયાએ ત્રણ વારમાં કુલ 56 લાખની લોન લીધી
- મશીન ખરીદવા માટે લોન લીધી પરંતુ ગોડાઉન પર જઈ અધિકારીઓએ જોયું તો મશીન નહોતા, મોર્ગેજ કરેલી મિલકતો પણ બારોબાર વેચી દીધી હતી
- પીપલ્સ બેન્કના પૂણા બ્રાન્ચના મેનેજર રાજેશ શિંદેએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પુણામાં આવેલી પીપલ્સ બેંકમાંથી મહિલાએ મશીનરી ખરીદવા માટે કેશ ક્રેડિટની લોન લઇને ભરપાઇ કરી ન હતી. મહિલાએ બેંકમાંથી રૂ.56 લાખની લોન લઇને મશીનરી બારોબાર વેચી નાંખી હોવાની વિગતો બહાર આવતાં તેની સામે ફરિયાદ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અડાજણ પરશુરામ ગાર્ડન પાસે શુકન એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ યશવંત શિંદે સરદાર માર્કેટ એપીએમસી પુણામાં આવેલી ધી સુરત પીપલ્સ કો.ઓ. બેંકમાં મેનેજર તરીકે નોકરી કરે છે. સને-2018માં મોટા વરાછા ગોપીનાથજી સોસાયટીમાં અનસુયાબેન મહેશભાઇ સાવલીયાએ પીપલ્સ બેંકમાંથી દીપ ક્રિએશનના નામથી લોન લેવા માટે બેંકનો સંપર્ક કર્યો હતો. અને બેંકમાંથી રૂ.40 લાખની કેશ ક્રેડિટની લોન મેળવી હતી.
આ લોનની સામે અનસુયાબેને ઓલપાડના માસમા ગામમાં સ્વાગત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની મિલકત તેમજ પલસાણાના બે ફ્લેટ મોર્ગેજમાં મૂક્યા હતા. લોકડાઉન દરમિયાન પણ બેંક દ્વારા શોર્ટ ટમની રૂ.1.96 લાખની લોન પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત પણ વધુ એક લોન લઇને કુલ 56.07 લાખની લોન લઇને તેની ભરપાઇ કરી ન હતી. ત્યારબાદ નવેમ્બર-2020માં બેંકના કર્મચારી દ્વારા તપાસ કરાતાં ગોડાઉનમાં કોઇ મશીનરી જ મળી આવી ન હતી. આ ઉપરાંત અનસુયાબેનો મશીનરી તેમજ અન્ય મિલકતો પણ બારોબાર વેચી દીધી હતી. જે અંગે પુણા પોલીસમાં ફરિયાદ કરાતાં પોલીસે ગુનો નોંધી અનસુયાબેનની ધરપકડ કરી હોવાની વિગતો મળી હતી.