સુરત : કાપોદ્રામાં જોબવર્કના વેપારીને રૂા. 35 લાખના મહેનતની મૂડી લેવાનુ ભારે પડી ગયુ હતુ. તેમાં નાના વેપારીને આબાદ રીતે છેતરીને ઠગ વેપારીએ તેની મૂળ મૂડી પણ પડાવી લીધી હતી. એક પરિવારના ત્રણ સભ્યોએ ભેગા થઇને રૂા. 1.35 કરોડની મિલકત 99 લાખમાં વેચીને સોદો નક્કી કર્યો હતો. આ માટે રૂા. 57 લાખની રકમ લઇને બાદમાં દસ્તાવેજ કરવામાં નહીં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
સુરતમાં સરથાણા વ્રજચોક માન્ય રેસીડેન્સીમાં રહેતા હસમુખભાઈ સમજીભાઈ ચોવટીયા કાપોદ્રા અક્ષરધામ સોસાયટીમાં ખાતા નં-ડી-૪ પહેલા માળે સિલાઈ મશીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. હસમુખભાઈ પાસે વરીયાવ ગામ ખાતે આવેલ આસ્થા ઈન્ડસ્ટ્રીઝમાં મારૂતી એમ્બ્રોઈડરીના દામજી ભીખાભાઈ માવાણી, ખોડલ ટેકસના માલીક મુક્તાબેન દામજીભાઈ, પુત્ર સુનીત દામજી (રહે, શિવાજંલી-૨ ગોકુલધામ સોસાયટી મોટા વરાછા) અને ભત્રીજા લાલજી શામજી માવાણી (રહે, રૂપાલી સોસાયટી હિરાબાગ સર્કલ)એ રૂા. 35.23 લાખનું જોબવર્ક કરાવીને પેમેન્ટ આપ્યું ન હતું. બીજી તરફ ત્રણેયએ ભેગા થઇને આસ્થા ઇન્ડસ્ટ્રીઝમાં બે કારખાના રૂા. 1.32 કરોડના યુનિટ 99 લાખમાં વેચવાની વાત કરી હતી. 1.32 કરોડના આ યુનિટ તે 99 લાખમાં આપવાની વાત કરતા હસમુખભાઇ તેમના સગા વ્હાલા મારફત સોદો પાડયો હતો.
99 લાખમાં સોદો નિયત થયા પછી હસમુખભાઇએ ટૂકડે ટૂકડે રૂા. 57 લાખ ચૂકવી આપ્યા હતા. આ માટે જરૂરી સાટાખત અને કબજા રસીદ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. બંને કારખાના પૈકી એક કારખાનાનો દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. થોડા સમય બાદ દામજીભાઇએ કહ્યું કે, આ મિલકતની લોન બેંકમાં ચાલે છે અને જો તમે દસ્તાવેજ કેન્સલ નહીં કરાવો તો બેંક તમારી ઉપર કેશ કરશે તેમ કહીને દસ્તાવેજ કેન્સલ કરાવ્યો હતો. હસમુખભાઇએ પોતાના રૂપિયા પરત માંગતા દામજીભાઇએ રૂપિયા પણ પરત આપ્યા ન હતા. બનાવ અંગે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.