સુરત:(Surat) સુરત મનપા (SMC) તંત્ર દ્વારા લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટો (Project) સાકાર તો કરી દેવામાં આવે છે પરંતુ તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી જેના કારણે આ પ્રોજેક્ટો માત્ર ભંગારના (Scrap) ગાડોઉન સમા રહી જાય છે. વરાછા (Varacha) ઝોનમાં વલ્લાભાચાર્ય રોડ પર બનાવાયેલા લિનિયર પાર્કનું (Lenoir Park ) વર્ષ 2017માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 50 લાખના ખર્ચે સાકાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટની હાલત 5 જ વર્ષમાં બદ્દતર થઈ ગઈ છે. કારણ કે, તંત્ર દ્વારા યોગ્ય મેઈન્ટેનન્સ (Maintenance ) કરવામાં આવતું નથી. લિનિયર પાર્કમાં લોકો વોક (Walk) કરવા તો આવી શકતા જ નથી કારણ કે, અહીં જે પણ સવલતો આપવામાં આવી છે જેવી કે, વોશરૂમ, ગજેબો વગેરે બંધ હાલતમાં છે.
લિનિયર પાર્કમાં લોનનાં પણ ઠેકાણા નથી, લોન સુકાયેલી છે તેમજ લિનિયર પાર્કના ફરતે બનાવાયેલી બાઉન્ડ્રી વોલની જાળી લગભગ દસેક જગ્યાએ તૂટેલી છે. પાણીનાં વાલ્વ ક્યાંય નથી, છૂટી પાઇપમાંથી ગમે ત્યાં પાણીનો બગાડ થઈ રહ્યો છે. વોશરૂમ અને ગજીબો બંધ-ભંગાર હાલતમાં પડેલાં છે તેમજ લોકોના બંધ પડેલાં સ્કૂટર આ પાર્કમાં સડી રહ્યાં છે અને આ પાર્ક તુટેલી ભગવાનની તસવીરો મૂકવાનું સ્થળ બની ગયું છે. તેમજ અહી ગંદકીના ઢગલા પણ પડેલા હોય છે કારણ કે, અહીં સાફ સફાઈ કરવા પણ કોઈ આવતું નથી.
લિનિયર પાર્ક અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો : હર્ષદ પટેલ, સ્થાનિક
વરાછામાં રહેતા હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, તેઓ પહેલા નિયમિત લિનિયર પાર્કમાં મોર્નિંગ વોક કરવા માટે જતા હતા. પરંતુ હવે અહીં કોઈ મેઈન્ટેનન્સ થતું નથી. વોક માટે જઈએ તો ત્યાં અસામાજીક તત્વો બેસેલા હોય છે તેમજ ગંદકી પણ ઘણી છે. તે ઉપરાંત અહી વોશરૂમ પણ બંધ હાલતમાં છે અને ભંગારની વસ્તુઓ પડેલી હોય છે જેથી હવે અહીં વોક માટે જવાનું ઉચિત લાગતું નથી.
કેટલાક અસામાજિક તત્વો વારંવાર નુકસાન કરે છે, કાલે જ તપાસ કરાવું છુ : આર.વી.ગામીત
વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર આર.વી.ગામીતે જણાવ્યું હતું કે, અહીં કેટલાક અસામાજિક તત્વો વારંવાર નુકસાન કરી જાય છે, લોકોએ મનપાએ આપેલી સુવિધા પોતીકી માની જતન કરવું જોઇએ, જો કે તમે ધ્યાન દોર્યુ છે તે બાબતે કાલે જ તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરાવીશું.