સુરત: (Surat) વરાછામાં (Varacha) સોસાયટીમાં જ કોઇ અજાણી મહિલા (Women) અંદાજિત ચાર મહિનાનું ભ્રૂણ (Fetus) મૂકી ભાગી ગઇ હતી. રાત્રિના સમયે ઘરે જઇ રહેલા એક કોન્ટ્રાક્ટરે પાડોશીને જાણ કરતાં પોલીસમાં ફરિયાદ (Police Complaint) થઇ હતી.
- વરાછાના લંબેહનુમાન રોડ પર આવેલી પ્રભુનગર સોસાયટીમાં ઘટના બની
- મૃત બાળકના ભ્રૂણનું માથું ફૂટી ગયું હોવાનું તબીબી તપાસમાં બહાર આવ્યું
- સોસાયટીના રહીશોએ અજાણી મહિલા વિરુદ્ધ વરાછા પોલીસમાં ફરિયાદ આપી
પ્રાપ્ત વિગતો મુજબ વરાછા લંબે હનુમાન રોડ ઉપર પ્રભુનગર સોસાયટીમાં રહેતા દિનેશ તળજા દેસાઇ રોડ બનાવવાના કોન્ટ્રાક્ટનું કામ કરે છે. ગુરુવારે રાત્રે બે વાગ્યાના અરસામાં દિનેશભાઇ સોસાયટીમાંથી પસાર થયા હતા. ત્યારે સોસાયટીમાં રહેતા કિશોર મુકેશ ગોહિલના ઘરની સામે એક ભ્રૂણ જોવા મળ્યું હતું. દિનેશભાઇએ કિશોરભાઇ અને તેના પુત્ર વિષ્ણુને બોલાવી જાણ કરી હતી. રાત્રિના અઢી વાગ્યાના અરસામાં જ કોઇ મહિલા અંદાજિત ચારથી પાંચ મહિનાના ભ્રૂણને સોસાયટીમાં મૂકીને જતી રહી હતી. આ બનાવ અંગે વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ 108ને પણ બોલાવવામાં આવી હતી. 108ના સ્ટાફે તપાસ કરી ત્યારે ભ્રૂણ બાળક હોવાનું જણાયું હતું અને તેનું માથું ફૂટી ગયું હતું. આ બનાવ અંગે વરાછા પોલીસે અજાણ્યાની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમરોલીમાં ત્રીજા માળની બારીમાંથી પટકાયેલા 2 વર્ષીય બાળકનું મોત
સુરત : અમરોલીમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે ઘરની બારીમાં રમી રહેલા બે વર્ષીય બાળકનું રમતા-રમતા અકસ્માતે નીચે પડી જતા મોત નિપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને હાલ અમરોલી કોપર સ્ટોન બિલ્ડિંગમાં રહેતા મનોજ કસેટીયા રત્ન કલાકાર છે. તેમનો પુત્ર મનીષ (ઉ.વ.2) શુક્રવારે સવારે ઘરના ત્રીજા માળની બારી પર બેસીને રમી રહ્યો હતો. એ વખતે રમતા રમતા કોઈક રીતે નીચે પટકાયો હતો. મનીષને ગંભીર ઇજાઓ પહોંચતા પરિવાર દ્વારા તેને સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં બાદમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્મીમેર હોસ્પિટલના ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કસેટીયા પરિવારનો એકના એક પુત્રનું અકસ્માતમાં મોત થઇ જતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા.