સુરત (Surat) : પિતરાઇ બહેનના (Cousin) મકાન તેમજ પ્લોટ ઉપર 78 લાખ તેમજ અન્ય લોન (Loan) મળી કુલ્લે 1.04 કરોડના ચાર એમ્બ્રોઇડરી મશીન ખરીદી તેમાં વ્યવહાર કરવાના નામે બારોબાર વેચી દઇને ઠગાઇ (Cheating) કરવામાં આવી હતી. આખરે બેંક (Bank) દ્વારા મિલકતની (Property) હરાજી (Auction) માટેની નોટિસ (Notice) આપવામાં આવતા પિતરાઇ ભાઇની સામે ફરિયાદ નોંધાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વરાછા મીનીબજાર પાસે શિવશંકર પાર્વતી સોસાયટીમાં રહેતા ગીતાબેન ભરતભાઇ ડોંડા સમાજસેવા કરે છે. તેમના પિતરાઇ ભાઇ અને મોટા વરાછામાં રહેતા અશોકભાઇ જીણાભાઇ મીયાણી સને-2019માં આવ્યા હતા અને ભાગીદારીમાં એમ્બ્રોઇડરી મશીન શરૂ કરવા માટે કહ્યું હતું. ગીતાબેને એમ્બ્રોઇડરીના ધંધાની સમજણ નહીં હોવાનું કહેતા અશોકભાઇએ કહ્યું કે, મને ધંધાનો અનુભવ છે, તમે તમારા મકાન કે પ્લોટ ઉપર લોન લઇ લો. આપણે 50-50 ટકામાં ભાગીદારીમાં કામ કરીશું, તમારી લોનનો હપ્તો હું એડવાન્સ ભરી દઇશ. આ ઉપરાંત તમને બીજા એક લાખ આપીશ. મારી ઘણી લોન ચાલે છે એટલે મને લોન મળે તેમ નથી, હું તમને લોનની કાર્યવાહી પણ કરાવી દઇશ.
તેઓની વાતમાં આવીને ગીતાબેને માધવી ક્રિએશનના નામથી વેપાર શરૂ કર્યો હતો. ગીતાબેને મકાન ઉપર રૂા.78 લાખની લોન લીધી હતી, આ ઉપરાંત બીજી 15 લાખની લોન લેવાઇ હતી. જેમાંથી 1.04 કરોડની કિંમતના કુલ્લે ચાર એમ્બ્રોઇડરી મશીન ખરીદ્યા હતા. આ 78 લાખ ઉપરાંત ગીતાબેને પોતાની પર્સનલ લોનના 4.15 લાખ, તેના પતિના નામે 1.50 લાખની પર્સનલ લોન તેમજ પુત્ર અને પુત્રવધુના નામે લોન અને ફ્લેટ વેચીને રૂા.9.80 લાખ મળી કુલ્લે 26 લાખ માધવી ક્રિએશનના એકાઉન્ટમાં નાંખ્યા હતા. તેઓએ વરાછા ઉમિયા માતાજીના મંદિર પાસે વેપાર શરૂ કર્યો હતો.
શરૂઆતમાં ગીતાબેને રૂપિયા માંગ્યા ત્યારે અશોકભાઇએ કહ્યું કે, હાલમાં વેપાર સેટ થતા છ મહિના લાગશે, હમણા મારે કારીગરનો પગાર તેમજ અન્ય ખર્ચા આવ્યા છે. બે-ત્રણ મહિના બાદ ગીતાબેને ફરીવાર રૂપિયા માંગ્યા ત્યારે લોકડાઉન આવી ગયું હતું. અને વેપાર બંધ થઇ ગયો હતો. આ દરમિયાન ગીતાબેને રૂપિયા માંગવાનું બંધ કરી દીધું હતું. લોકડાઉન ખુલી ગયા બાદ તેઓએ કારખાનું બદલીને અશ્વનિકુમાર લઇ ગયા હતા. આખરે ગીતાબેનના એમ્બ્રોઇડરી મશીનો બારોબાર વેચી દીધાનું બહાર આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
લોન એજન્ટ પાસે ગયા ત્યારે અશોકભાઇએ રૂપિયા ભરપાઇ કરવા કહ્યું હતું
ગીતાબેને અશોકના ઘરે જઇને માત્ર લોનના રૂપિયાની જ ઉઘરાણી કરી હતી. પરંતુ અશોક ઘરે મળતો ન હતો. આ ઘટના અંગે ગીતાબેન બેંકમાં કહેવા માટે ગયા હતા. ત્યાં એજન્ટ મહેન્દ્રભાઇની સાથે અશોક મીયાણી પણ હાજર હતો. એજન્ટની સાક્ષીમાં જ અશોકભાઇએ કહ્યું કે, હું સમયસર હપ્તા ભરી દઇશ. ત્યારબાદ પણ અશોકભાઇએ રૂપિયા ભર્યા ન હતા. ગીતાબેને અશ્વનિકુમાર જઇને તપાસ કરતા ત્યાં કારખાનેદારોએ કહ્યું કે, અમે મશીન વેચાતા ખરીદ્યા છે અને આ કારખાનું અમે ભાડેથી ચલાવીએ છીએ.
યુનિયન બેંક દ્વારા ગીતાબેનના ઘર અને પ્લોટની હરાજી કરવા નોટિસ ઇસ્યુ કરાઇ
વારંવાર કહેવા છતાં અશોકભાઇએ રૂપિયા ભર્યા ન હતા. કારખાનું પણ બીજાની માલિકીનું હતું ત્યાં જ યુનિયન બેંક દ્વારા ગીતાબેનના પ્લોટ તેમજ તેમના મકાનની હરાજી કરવા માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. હાલમાં આ નોટિસ બહાર આવ્યાની સાથે જ ગીતાબેને અશોકભાઇનો સંપર્ક કર્યો પરંતુ ત્યારે અશોકભાઇની પત્નીએ કહ્યું કે, તેઓની માથે દેવું વધી જતા મશીનો વેચી નાંખ્યા છે અને તેઓ ભાગી ગયા છે. આખરે આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી.