પારડી: (Pardi) સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં વલસાડ, સુરત, ઉધના, નવસારી અને જોરાવાસણ વગેરે સ્થળે દારૂ (Alcohol) પહોંચાડવા માટે મહિલાઓનું રેકેટ બહાર આવ્યું છે. જેમાં 26 મહિલાઓ (Women) પાસેથી કુલ રૂ. 78,950નો દારૂ પારડી પોલીસે ઝડપી પાડ્યો હતો. તેઓને સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવી તમામની ધરપકડ કરી હતી. તેમના વિરુદ્ધ પ્રોહિ.નો ગુનો નોંધી કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલી કેટલીક મહિલા બુટલેગરો (Bootlegger) પાસે નાના નાના બાળકો પણ હતાં. જેને લઇ પોલીસને કાર્યવાહી કરવામાં અડચણ ઊભી થઈ હતી. પારડી પોલીસે (Police) તમામની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાપી ચલારોડ પર ટ્રકમાં લઈ જવાતા 5.40 લાખના દારૂ સાથે બે ઝડપાયા
વાપી : વાપીના ચલા-દમણ રોડ પર રાત્રિ દરમિયાન વલસાડ એલસીબીની ટીમે નાઈટ પેટ્રોલિંગ કરતાં દમણથી જામનગર તરફ લઈ જવાતો રૂ.5.40 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકચાલક અને તેના સાથીદારની ધરપકડ કરી અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર શનિવારે રાત્રે 11 કલાકે વલસાડ એલસીબીની ટીમ વાપીના ચલા-દમણ રોડ પર નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન દમણથી આવતી ટ્રકને અટકાવી તલાશી લેતાં ગેરકાયદે દારૂના 90 બોક્સ જેમાં બોટલ નંગ 1080 કિં. 5,40,000નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રક ચાલક મોયુદ્દીન અબ્દુલ સફિયા અને મહેશ કનૈયા પંજવાણીની ધરપકડ કરી રૂ.10 લાખની ટ્રક, રૂ.5,40,000 નો દારૂ અને રૂ.500નો મોબાઈલ મળી કુલ રૂ.15,40,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દમણથી દારૂ ભરાવનાર કાનો માલધારી ઉર્ફે રાજુ, સંજય ક્લિનર અને હાજી સુલતાન અમરોલિયા ડ્રાઈવર (રહે.જામનગર)ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ વાપી ટાઉન પોલીસને સોંપી છે.