સુરત : સુરત (surat) જિલ્લા વકીલ મંડળ (Surat vakil mandal)ની ચૂંટણી (election)ના હવે શ્રીગણેશ થઇ ગયા છે. બે વર્ષથી બાવળા બનતા વકીલોના કેટલાક જૂથ હવે 2022ની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં પ્રમુખપદ (president) માટે વકીલ પી.ટી. રાણા અને ધર્મેન્દ્ર પ્રજાપતિના નામો ચર્ચાઇ રહ્યા છે. આ બંને વકીલોએ પોતાના ગ્રૂપ મારફતે કેમ્પેઇન પણ શરૂ કરી દીધુ છે. વકીલોના સોશિયલ ગ્રૂપ (social group)માં આ બંને વકીલો માટેના મેસેજો ફરતા થઇ ગયા છે. ત્યારે અન્ય હોદ્દેદારો માટે આગામી દિવસોમાં નામો જાહેર થશે.
સુરતમાં સને-2018ના ડિસેમ્બરમાં સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી થઇ હતી. આ ચૂંટણીમાં વર્ષ-2019ના પ્રમુખ તરીકે વકીલ બ્રિજેશ પટેલ, ઉપપ્રમુખ તરીકે મનોજ પટેલ, સેક્રેટરી વિરાજ સૂરવે, જોઇન્ટ સેક્રેટરી હિતેશ કહાર, ખજાનચી ઇન્દ્રમલ પુરોહિત વિજેતા બન્યા હતા. ત્યારબાદ 2019માં વર્ષ-2020 માટે ઇલેક્શન જાહેર થયું હતું. જેમાં બ્રિજેશ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે ઉપ્રમુખ તરીકે નૈષધ જાસોલીયા, સેક્રેટરી નિલેશ પટેલ, જોઇન્ટ સેક્રેટરી અમર પટેલ અને ખજાનચી તરીકે અજય ઢબુવાલા વિજયી બન્યા હતા. ત્યારબાદ કોરોનાની મહામારી આવી જતાં આ ટીમ વર્ષ-2021માં કાર્યકારી હોદ્દેદાર તરીકે કામ કરતી હતી. 2021નું વર્ષ પણ હવે પુરુ થવાની તૈયારી છે ત્યારે હવે 2022ના વર્ષ માટેના ઇલેક્શનના ભણકારા જોવા મળી રહ્યા છે. બે વર્ષથી ચૂંટણી યોજાઇ નહીં હોવાથી કેટલાક વકીલોમાં અરાજકતા તો કેટલાક વકીલોમાં નવી ચૂંટણીને લઇને ઉત્તેજના જોવા મળી રહી છે. આગામી ઇલેક્શન કોઇ નવાજૂની કરે તેવા પણ એંધાણ જોવા મળી રહ્યા છે. કેટલાક વકીલો આખુ વર્ષ જોવા મળતા નથી, તેવા વકીલો હવે ઇલેક્શન આવતાની સાથે જ ફરી કોર્ટ કેમ્પસમાં સક્રિય થઇ ગયા છે. વકીલ મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં વકીલ મંડળની સામાન્ય સભા બોલાવીને વર્ષ-2022ના વર્ષ માટે ચૂંટણી અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.
દર વર્ષે ચૂંટણી તો થાય છે પરંતુ વર્ષોથી પડતર પ્રશ્નો હજુ પણ પેન્ડીંગ
સુરત જિલ્લા વકીલ મંડળમાં દર વર્ષે અલગ અલગ પ્રશ્નોને લઇને ચૂંટણી લડવામાં આવે છે. પરંતુ પડતર પ્રશ્નો તો હજુ પણ પેન્ડીંગ છે. સુરતના વકીલોએ કેબલ સ્ટેઇડ બ્રિજને અડીને આવેલી કૃષિ યુનિ.ની જગ્યા માંગી હતી, પરંતુ તે પણ મળી શકી નથી. બ્રિજની નીચે વકીલોને પાર્કિંગ આપીને કૃષિ યુનિ.ની જગ્યામાંથી જ એક દરવાજો પાડીને કોર્ટમાં આવવા માટે રસ્તો બનાવવાની માંગણી પણ હજુ પડતર છે. ત્યાં હવે કોર્ટને જીઆવ-બુડીયા રોડ ઉપર લઇ જવાની વાત ચાલે છે, પરંતુ તેમાં પણ કેટલાક વકીલોની નારાજગીના કારણે કોકડું ગુંચવાયેલુ છે. વકીલોની બેઠક વ્યવસ્થા હોય કે પછી પાર્કિંગના પ્રશ્ન હજુ પણ મોટી સમસ્યા થઇ રહી છે. આ તમામ મુદ્દાને લઇને દર વર્ષે ઇલેક્શન યોજાઇ છે, પરંતુ ભવિષ્યને ધ્યાને રાખીને આવી કોઇ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.