સુરત: (Surat) શહેરમાં પહેલી માર્ચથી 60 વર્ષથી વધુના તેમજ કો-મોર્બિડ પેશન્ટોને વેક્સિન (Vaccine) મુકાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. પહેલી માર્ચે વડાપ્રધાન મોદીએ પણ વેક્સિન મુકાવ્યા બાદ લોકોને જાણે વેક્સિન પર ભરોસો આવી ગયો હોય, લોકો વેક્સિન લગાવવા પડાપડી કરી રહ્યા છે. મંગળવારે સુરત મહાનગરપાલિકામાં કુલ 42 સરકારી તેમજ 26 પ્રાઈવેટ હોસ્પિટલો ખાતે 60 વર્ષથી વધુ વયના વ્યકિતઓને કુલ 2408 જેટલા અને 45 થી 59 વર્ષના કોમોર્બીડીટી લક્ષણો ધરાવતા 348 મળી કુલ 2756 વ્યકિતઓએ વેક્સિન મુકાવી હતી. જેમાં કોઈપણ વ્યકિતને કોઈ ગંભીર આડઅસર (Side Effect) જણાઈ નથી.
આગામી દિવસોમાં આ તમામ રસીકરણ કેન્દ્રો પર સરળતાથી રસીકરણ થઈ શકે તે માટે 60 વર્ષના વ્યકિતઓ અને 45 થી 59 વર્ષના કો-મોર્બિડિટી લક્ષણો ધરાવતા વ્યકિતઓ (https://selfregistration.cowin.gov.in) પોર્ટલ પર અથવા તો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી સેલ્ફ રજીસ્ટ્રેશન કર્યા બાદ જ વેક્સિનેશન લેવા માટે પસંદ કરેલા સેન્ટર પર જઈ શકશે તેમ સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. જેથી રસીકરણ કેન્દ્રો પર વેઈટિંગ પીરિયડ, વેરિફિકેશન સમય તથા લોકોની બિનજરૂરી ભીડ ઘટાડી સમય મર્યાદામાં વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરી શકાય.
અત્યારસુધીમાં સર્વાધિક એક જ દિવસમાં કુલ 6396 હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરોએ વેક્સિન મુકાવી
સુરત મનપા દ્વારા 16 મી જાન્યુઆરીથી હેલ્થ વર્કરોને વેક્સિન મુકવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ તબક્કાવાર ફ્રન્ટલાઈન વર્કરોને પણ વેક્સિન મુકવામાં આવી રહી છે. ઘણા હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરોને હવે વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. મંગળવારે કુલ 6396 હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરોએ વેક્સિન મુકાવી હતી. જે અત્યારસુધીમાં એક જ દિવસમાં વેક્સિન મુકાવનારાઓની સર્વાધિક સંખ્યા રહી છે. હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરોને મળીને મંગળવારે 3168 પ્રથમ ડોઝ તથા 3228 ને બીજો ડોઝ એમ કુલ 6396 લોકોને વેક્સિન મુકવામાં આવી હતી.
નવી સિવિલ હોસ્પિ.માં સર્વર ડાઉન થઈ જતાં ઓપરેટરોએ અલગ ફાઈલ બનાવી 300ને વેક્સિન આપી
સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરીવાર પગારનો મુદ્દો વિવાદમાં આવ્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો પગાર થયો ન હોવાથી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કેટલાક એવા પણ કર્મચારીઓ છે જે પોતાની ફરજને પ્રાધાન્ય આપી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશનમાં ઓપરેટર તરીકે કામ કરતા કેટલાક કર્મચારીઓનો પગાર થયો નથી, તેવામાં આજે વેક્સિનેશનનું સર્વર ડાઉન થઇ ગયુ હતુ. ત્યારે આ ઓપરેટરોએ કોમ્પ્યુટરમાં જ અલગથી ફાઇલ બનાવીને 300 લોકોનો રેકોર્ડ નોંધ્યો હતો અને તેઓને વેક્સિન આપી હતી.