સુરત: (Surat) કોરોનાથી બચવા અથવા તેના ગંભીર સ્વરૂપથી બચવા વેક્સિન (Vaccine) જરૂરી અને એક માત્ર ઉપાય છે તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ વેક્સિન લેવાને કારણે સંપૂર્ણ સુરક્ષિત થઈ શકતા નથી. સામે વેક્સિન લેવાને કારણે કોરોના થયા બાદ હોસ્પિ.માં દાખલ થવાનું જોખમ ઘટી જાય છે તે પણ નક્કી છે. નિષ્ણાતોને મતે કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન ખૂબ મહત્ત્વનું છે. વેક્સિનેશન (Vaccination) ઝડપથી થાય એ પણ ખૂબ જરૂરી છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. છેલ્લા 10 જ દિવસમાં 117 કેસ નોંધાઈ ચુક્યા છે. જે પૈકી 88 લોકો ફુલ્લી વેક્સિનેટેડ હતા. પરંતુ તે પૈકી માત્ર એક-બે જ ટકા દર્દીને જ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. બીજી તરફ શહેરમાં દરરોજ કોરોનાના કેસની સંખ્યા વધતી જઈ રહી છે. શનિવારે સુરતમાં કોરોનાના 20 કેસ નોંધાયા હતા. પાંચ-છ મહિનાના લાંબા ગાળા બાદ આટલા વધુ કેસ નોંધાયા છે.
કોરોનાની બીજી લહેર બાદ જેમ-તેમ સંક્રમણના આંકડા ઘટ્યા હતા પરંતુ હાલમાં જે રીતે કોરોનાના કેસના આંકડાઓ વધી રહ્યાં છે તે જોતાં કોરોનાની ત્રીજી લહેર જલ્દી આવશે તેમ મનાઈ રહ્યું છે. આંકડાઓ પ્રમાણે છેલ્લા 10 દિવસમાં કોરોનાના કુલ 117 કેસ નોંધાયા છે. જે પૈકી 88 લોકો ફુલ્લી વેક્સિનેટેડ હોવા છતા સંક્રમિત થયા છે. પરંતુ તેઓની હાલત ગંભીર થઈ નથી. સુ:ખદ વાત એ છે કે શહેરમાં વેક્સિન લેનારાઓના એકપણ કોવિડ દર્દીના આજદિન સુધી મોત થયાં નથી. જે બતાવી રહ્યું છે કે વેક્સિન લેનારા માટે કોરોના સામાન્ય રોગ જેવો બની રહ્યો છે.
છેલ્લા 10 દિવસમાં વેક્સિન લેનારા કેટલા સંક્રમિત થયા, કેટલા હોસ્પિટલાઈઝ્ડ થયા
- ઉંમર ગ્રુપ ફુલ્લી વેક્સિનેટેડ 18થી નીચે વેક્સિન નહીં લેનારા પ્રથમ ડોઝ લીધો હોય તેવા કુલ
- 0-17 0 18 0 0 18
- 18-44 32 0 1 2 35
- 45-60 41 0 1 4 46
- 60 થી ઉપર 15 0 2 1 18
- કુલ 88 18 4 7 117
વેક્સિનેશનથી સુરક્ષા છે પરંતુ વેક્સિન નહીં લેનારા સાવચેતી રાખે: મ્યુનિ.કમિ.
વેક્સિનેશનથી કોવિડ પોઝિટિવિટીનો રેશિયો ઘટ્યો છે અને સાથે સાથે ડેથ રેશિયો તો નહીંવત પ્રમાણમાં છે. જેથી લોકો તાકીદે વેક્સિન લઈ સુરક્ષિત થાય તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. વેક્સિન નહીં લેનારા હજી પણ હાઈ રિસ્ક ઝોનમાં છે. જેઓએ વેક્સિન લઈ લીધી છે તેઓ પણ કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર રાખે તે હાલમાં તો જરૂરી જ છે.
વેક્સિન લીધા બાદ પણ સંક્રમિત થયા પણ, ગંભીર નથી થયા: ડે.કમિ. ડો.આશિષ નાયક
હાલમાં કોરોનાનું સંક્રમણ ફરી વાર માથુ ઉંચકી રહ્યું છે. ત્યારે મનપાના આરોગ્ય વિભાગના ડે.કમિશનર ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને જે કેસ આવી રહ્યા છે તેમાં મોટે ભાગના ફુલ્લી વેક્સિનેટેડ છે. પરંતુ તેઓ ગંભીર સ્થિતિ સુધી નથી જઈ રહ્યા. હાલમાં જે પણ કેસ આવી રહ્યા છે તેમાં વેક્સિનેટેડ લોકો ઘરે જ સાજા થઈ રહ્યા છે. જે મોટી ઉંમરના છે તેઓને જ હોસ્પિટલ સુધી જવું પડી રહ્યું છે અને તેવા દર્દી ઘણા ઓછા છે.
છેલ્લા ચારેક મહિનામાં સામાજિક મેળાવડાઓ વધી ગયા અને ગાઈડલાઈનનું પાલન નહીં કરાતાં કેસ વધ્યાનું તારણ
શહેરમાં હાલમાં ઓમિક્રોનના કન્ફર્મ કેસ માત્ર 2 જ છે અને હાલ 4 શંકાસ્પદ છે. તેમ છતાં જુના વેરિએન્ટ ડેલ્ટાના અચાનક કેસ વધવા પાછળ તંત્ર દ્વારા એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે, છેલ્લા ચારેક મહિનામાં સામાજિક મેળાવડા વધ્યા છે. દિવાળી અને લગ્નસરામાં લોકો મોટા પ્રમાણમાં એકત્રિત થયા છે. તેમજ છેલ્લા 15 દિવસમાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે અને ઠંડીના સમયમાં વાયરલ ઈન્ફેક્શન ઝડપથી ફેલાય છે. જેથી પણ કેસ વધી રહ્યા છે. અને શહેરીજનોએ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું ખુબ જરૂરી છે.