સુરત: (Surat) ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલી ઓનલાઇન ‘મેડિકલ કોન્ફરન્સ’ ને સંબોધતા ડો. ચિરાગ છટવાનીએ ભારતમાં આપવામાં આવી રહેલી કોવિશીલ્ડ અને કો-વેક્સિન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીયોને મોટા ભાગે આ બંને વેક્સિન આપવામાં આવી રહી છે. આ બંને વેક્સિન કોરોનાથી સાવચેત રહેવા માટે ખૂબ જ કારગત સાબિત થઇ રહી છે. તેને કારણે લોકોમાં રોગ પ્રતિકારક શકિત ખૂબ જ સારી રીતે વધે છે. આ બંને વેક્સિનના બે ડોઝ અત્યારે લોકોને આપવામાં આવી રહયાં છે. ભારતમાં જોન્સન એન્ડ જોન્સનની પણ વેક્સિન (Vaccine) માર્કેટમાં આવી ગઇ છે અને આ વેક્સિનનો માત્ર એક જ ડોઝ લેવાનો હોય છે. ઉપરાંત યુ.એસ. તથા અન્ય દેશોમાં લોકોને ફાઇઝર અને મોડાના વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારબાદ હવે રશિયાની સ્પુતનિક વેક્સિન પણ વિશ્વભરમાં ઉપલબ્ધ થઇ ગઇ છે. તેમણે કહયું કે, કોરોનાની બીજી લહેરમાં યુવાઓ વધારે પ્રમાણમાં સપડાયા હતા. આથી વેક્સિનેશનને (Vaccination) કારણે યુવાઓને ઘણો ફાયદો (Advantages) થઇ રહયો છે. કારણ કે, વેક્સિન મુકયા બાદ રિઇન્ફેકશનના ચાન્સ ઘટી જાય છે. અત્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આગળ આ વાયરસ બદલાતો જશે. જેથી કરીને આ મહામારીથી સાવચેતી માટે બધાએ વેક્સિન લેવી જ જોઇએ.
શહેરના જાણીતા ફેમિલિ ફિઝિશીયન ડો. જયેન્દ્ર કાપડીયાએ જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓએ સાદો, સાત્વિક, સુપાચ્ય અને સમતોલ આહાર લેવાનો રહે છે. મોટા ભાગે એવું બનતું હોય છે કે સ્વાદિષ્ટ આહાર પણ પુરતું પોષણ આપી શકે નહીં. આથી દર્દીઓને આહારમાં એવો ખોરાક લેવો જોઇએ કે જેમાંથી ૪૦ ટકા કાર્બોહાઇડ્રેડ, ૪૦ ટકા પ્રોટીન અને ર૦ ટકા વિટામિન, મિનરલ્સ અને ઓમેગા ૩ વિગેરે મળતું હોય. ભારતીયો જે પ્રકારે સામાન્ય આહાર રોજિંદા જીવનમાં લેતા હોય છે તેમાં કાર્બોહાઇડ્રેડ પૂરતું પ્રમાણ તેઓને મળી જાય છે પણ પ્રોટીન માત્ર ૧ર ટકા જેવું જ મળતું હોય છે. આથી તેઓએ નાસ્તામાં ફણગાવેલા મઠ, મગ, ચણા, જુવાર અને ઘઉંની ભાખરી અથવા મેથીના થેપલા આરોગવા જોઇએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને ઝીંકયુકત આહાર લેવો જોઇએ. શરીરમાં પાણીનું પ્રમાણ વ્યવસ્થિત રીતે જળવાઇ રહે અને ડીહાઇડ્રેશન નહીં થાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઇએ. એના માટે નારિયેળ પાણી, લિંબુ શરબત અને ઓઆરએસનું પાણી પીવું જોઇએ. આ ઉપરાંત ફળફળાદી, ડ્રાયફ્રુટ્સ તેમજ શેકેલા શીંગચણા લેવા જોઇએ. તેમણે જલેબી, ફાફડા, ભજીયા અને ખમણ વિગેરે ઓઇલયુકત આહારને ટાળવાની સલાહ આપી હતી.
ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, દર્દીને ઝાડા, શરદી, ખાંસી, તાવ કે છાતીમાં દુઃખાવો વિગેરે કોઇપણ તકલીફ હોય તો પહેલા જ દિવસે તબીબને બતાવવું જોઇએ. રેપીડ એન્ટીજન ટેસ્ટ નેગેટીવ હોય અને કોરોનાના લક્ષણો જણાતા હોય તો આરટીપીસીઆર કરાવવું જોઇએ. જેથી કરીને કોરોનાનું નિદાન કરી શકાય. હોમ આઇસોલેટ કોરોનાના દર્દીઓએ તાવ અને ઓકિસજનની માત્રા દર ચાર કલાકે તપાસવી જોઇએ અને છ મિનિટનું વોક ટેસ્ટ કરવું જોઇએ. છ મિનિટ ચાલ્યા બાદ જો ઓકિસજનનું પ્રમાણ ૪ ટકા કરતા ઓછું થાય તો એવા દર્દીઓએ તુરંત જ ડોકટરનો સંપર્ક કરવો જોઇએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બધા કેસમાં દર્દીઓને સિટી સ્કેનની જરૂર પડતી નથી. તદુપરાંત ઘરે રહીને સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓએ રેમડેસિવિર ઇન્જેકશન પણ લેવું જોઇએ નહીં. જે દર્દીઓને ઓકિસજન અને બાયપેપ ચાલતું હોય એવા દર્દીઓને જ ડોકટર દ્વારા પાંચથી સાત દિવસમાં રેમડેસિવિર ઇન્જેકશન આપવામાં આવે છે. રેમડેસિવિરનો ડોઝ પાંચથી સાત દિવસનો જ હોય છે અને એનાથી વધારે ડોઝ આપવામાં આવતો નથી. કોરોનાના ચેપથી બચવા માટે ગર્ભવતિ મહિલા અને કેન્સરના કેટલાક દર્દીઓ સિવાય બધાએ જ વેક્સિન લેવી જોઇએ. ફરજિયાતપણે માસ્ક પહેરવું જોઇએ અને ઘરે બાળકો તથા અન્યોને ચેપ નહીં લાગે તે માટે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું જોઇએે.