સુરત: (Surat) કાપડ માર્કેટમાં (Textile Market) સોમવારથી વેપારીઓ અને મજૂરોને આરટીપીસીઆર ટેસ્ટ સર્ટિફિકેટ અને વેક્સિન લીધો હોય તોજ માર્કેટમાં પ્રવેશ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે પરંતુ તે પહેલા રવિવારે જ કોરોનાની રસી (Vaccine) નહીં મુકાવનાર 45થી વધુ વય ધરાવતા કાપડ માર્કેટના વેપારીઓ પાસેથી દંડ વસુલાઈ રહ્યો હોવાની ચર્ચા છે. શનિવારે પણ એક વેપારી પાસે સુરત મનપાના (Corporation) અધિકારીઓ દ્વારા રૂપિયા 1 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. એક હજારની રસીદનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કાપડના વેપારીઓમાં નારાજગી ફેલાઇ છે.
સુરતમાં વધી રહેલા કોરાના સંક્રમણનાન કેસોને લીધે મનપા દ્વારા કાપડ અને હીરા બજાર માટે નવી ગાઇડલાઇન બહાર પાડવામા આવી છે. જેનો અમલ સોમવારથી થશે પરંતુ સુરત મનપાના અધિકારીઓએ. શનિવારે કાપડ માર્કેટ વિસ્તારમાં 45થી વધુ વય ધરાવતા એક કાપડના વેપારી પાસેથી પાલિકાની ટીમે 1 હજારનો દંડ વસૂલ કર્યો હતો. રસી મુકાવવી ફરજિયાત નહીં હોવાની વેપારીએ દલીલ કરી તે પણ પાલિકાના કર્મચારીઓએ સાંભળી નહોતી અને 1 હજારની રસીદ પકડાવી દીધી હતી.
ટેક્સટાઈલ યુવા બ્રિગેડના લલિત શર્માએ કહ્યું કે, અમારા સંગઠનના એક વેપારી પાસે જ 1 હજારનો દંડ વસૂલાયો છે. કોરોનાની રસી નહીં મુકાવી હોય પાલિકાના કર્મચારીઓ દ્વારા 2 હજારના દંડની ઉઘરાણી કરાઈ હતી. તેની ફરિયાદ અમારા સંગઠનને મળતા અમે મધ્યસ્થી કરી હતી. વેક્સીન મરજિયાત છે તો દંડ કેમ ઉઘરાવવામાં આવી રહ્યો છે તેવી દલીલ કરાઈ હતી. છતાં તેઓ માન્યા નહોતા અને છેલ્લે 1 હજાર દંડ વસૂલ્યો હતો.
નોંધનીય છે કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે કાપડ અને હીરા બજારમાં સુરત મનપાની સૂચનાથી કડક નિયમો ઘડવામાં આવ્યા છે. 45થી વધુ વય ધરાવનારાઓએ રસી નહીં મુકાવી હોય તો બજારમાં પ્રવેશ નિષેધ કરાયો છે. તો નાની ઉંમરના વેપારી, કર્મચારીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયો છે, જેને લઇને વેપારીઓમાં નારાજગી છે.
આજથી કાપડના વેપારીઓ માટે કોરોના વેક્સિન અને આરટીપીસીઆરનુ સર્ટિ ફરજિયાત
સોમવારથી કાપડના વેપારીઓ અને મજૂરો માટે માર્કેટમાં પ્રવેશવા માટે આરટીપીસીઆર ટેસ્ટ અને કોરોના વેક્સિન લીધા હોવાનું સર્ટિફિકેટ ફરજિયાત કરવામા આવ્યુ છે. જે વેપારીઓ અને મજૂરો પાસે સર્ટિફિકેટ નહીં હશે તેમને માર્કેટમાં પ્રવેશ નહીં કરવા દેવાશે. જેને લઇ માર્કેટમાં રવિવારે 26 માર્કેટોમાં વેક્સિનેશન પણ કરવામાં આવ્યુ હતુ. હવે કાલથી વેપારીઓને આ બાબત ધ્યાને રાખવી પડશે.
વેક્સિન ખૂટી પડતા 45વર્ષથી ઓછી વયના વેપારીઓને વેક્સિન નહી મળી
કાપડ માર્કેટમાં સોમવારથી વેક્સિન નહીં લીધા હોય તેવા વેપારીઓને પ્રવેશ નહી આપવામા આવે તેવી જાહેરાત કરવામા આવી છે અને વેપારીઓ વેક્સિન લઇ શકે તે માટે માર્કેટમાં 26 સ્થળોએ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયા છે પરંતુ આજે વેક્સિન ખૂટી પડતા ફક્ત 45થી વધુ વયના વેપારીઓનેજ વેક્સિન આપવામાં આવી હતી. હવે જે વેપારીઓને વેક્સિન નથી મળ્યા તેઓ કાલે માર્કેટમાં જવા અંગે અસમંજસમાં મુકાયા છે.