સુરત: (Surat) એક તરફ કોરોનાની ત્રીજી લહેરની તૈયારી ચાલી રહી છે અને બીજી તરફ મોટા ઉપાડે વેક્સિનેશન (Vaccination) માટે જાહેરાત કરનારી કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનનો જથ્થો (Stock) આપવામાં નહીં આવતાં સુરતમાં વેક્સિનેશનની કામગીરી ધીમી પડી ગઈ છે. કોરોનાના સંક્રમણને નાથવા માટે હાલમાં વેક્સિનેશન એકમાત્ર ઉપાય હોવા છતાં પણ સરકારની બેફિકરાઈને કારણે છેલ્લા બે દિવસથી વેક્સિનેશનની કામગીરીને સુરતમાં ભારે અસર પહોંચી છે. એક સમયે જ્યાં 40 હજારથી પણ વધુને વેક્સિન આપવામાં આવી રહી હતી ત્યાં હવે વેક્સિનેશનનો આંક અડધો થઈ જવા પામ્યો છે.
- મોટાઉપાડે વેક્સિનેશનની જાહેરાત કરનાર કેન્દ્ર સરકારની નિષ્ફળતાં બહાર આવી
- વેક્સિનનો અપૂરતો જથ્થો અપાતાં સુરતમાં અનેક લોકો વેક્સિને વિના પરત ફર્યાંજ્યાં રોજની 230 સેન્ટર પરથી 40 હજારથી વધુ
- વેક્સિન અપાતી હતી ત્યાં સેન્ટર અને વેક્સિનેશનની સંખ્યા અડધી થઈ ગઈ
- વેક્સિનેશન સેન્ટરો પર સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગી હતી પરંતુ બપોરે જ વેક્સિનનો જથ્થો ખલાસ થઈ ગયો
સુરત મનપા દ્વારા ગત તા. 21મી જૂનથી શહેરમાં 230 વેક્સિનેશન સેન્ટરો પરથી ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન સાથે વેક્સિન આપવામાં આવી રહી હતી. પરંતુ વેક્સિનનો જથ્થો ઘટી જતાં મનપા દ્વારા છેલ્લા 2 દિવસથી માત્ર 100 જ વેક્સિનેશન સેન્ટરો પરથી વેક્સિન આપવામાં આવી રહી છે. મનપા દ્વારા 130 સેન્ટરો બંધ કરાયા છે. જેના કારણે ઘણા સેન્ટરો પર લોકો વેક્સિન લેવા પહોંચી ગયા હોવા છતાં તેઓને વેક્સિન મળી ન હતી. મોટાભાગના સેન્ટરો પર બપોરે જ વેક્સિન પુરી થઈ ગઈ હતી. સેન્ટરો પર લાઈનો લાગી ગઈ હતી પરંતુ વેક્સિન ઘટી જવાને કારણે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લીધા વિના જ પરત ફર્યા હતાં.
શનિવારે 100 સેન્ટરો પરથી 27,774 લોકોએ વેક્સિન મુકાવી
શહેરમાં હાલમાં 100 વેક્સિનેશન સેન્ટરો પરથી ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં શનિવારે કુલ 27,774 લોકોએ વેક્સિન મુકાવી હતી. જેમાં 13,384 લોકોએ પ્રથમ ડોઝ અને 14,390 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો હતો. શહેરમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં 4475 લોકોએ શનિવારે વેક્સિન મુકાવી હતી.
રવિવારે પણ 100 સેન્ટરો પરથી વેક્સિન અપાશે
મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રવિવારે પણ મનપા દ્વારા 100 વેક્સિનેશન સેન્ટરો પરથી વેક્સિન આપવામાં આવશે. જેથી લોકો બંધ સેન્ટરો પર લાઈનમાં ન ઉભા રહે.