સુરત: (Surat) શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની (Vaccination) કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો કે, સુરત મહાનગર પાલિકા દ્વારા ડિસેમ્બર મહિનાથી જ વેક્સિનેશન માટેની સરવે કામગીરી શરૂ કરી દેવાઈ છે. શહેરમાં કેટલા હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ તેમજ કો-મોર્બિડ દર્દીઓ છે તેની યાદી (List) તૈયાર કરી દેવામાં આવી છે. શહેરમાં 50 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછા કુલ 5.22 લાખ કો-મોર્બિડ પેશન્ટ નોંધાયા છે. તેમને ત્રીજા તબક્કામાં વેક્સિન આપવામાં આવશે.
પહેલા અને બીજા તબક્કા બાદ મનપા તંત્ર દ્વારા હાલમાં ત્રીજા તબક્કાના 50 વર્ષથી ઓછી ઉંમરના પણ કો-મોર્બિડ લોકો તથા 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનેશનની તૈયારી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા કરવામાં આવેલા ડોર ટુ ડોર સરવેમાં 5.22 લાખ લોકો નોંધાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં મનપા દ્વારા હેલ્થ વર્કર્સ તેમજ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મનપા દ્વારા કુલ 33,962 લોકોને વેક્સિન મૂકી દેવામાં આવી છે.
અત્યાર સુધીમાં 33,962 હેલ્થ વર્કરો અને ફ્રન્ટલાઈન વર્કર્સનું વેક્સિેશન કરાયું
સુરત: શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે તેમજ વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં હવે હેલ્થ વર્કરો અને ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારબાદ કો-મોર્બિડ પેશન્ટોને વેક્સિન આપવામાં આવશે. શહેરમાં મંગળવારે વધુ 2, 953 લોકોએ વેક્સિન મુકાવી હતી.
શહેરમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પહેલા અઠવાડિયામાં માત્ર 3 જ દિવસ વેક્સિન આપવામાં આવતી હતી. પરંતુ હવે દરરોજ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે હેલ્થ વર્કરોની સાથે સાથે ફ્રન્ટલાઈન વર્કરોને પણ વેક્સિન મુકવામાં આવી રહી છે. મંગળવારે શહેરમાં વધુ 2953 લોકોને વેક્સિન મુકવામાં આવી હતી. જેમાં 1089 હેલ્થ વર્કરો અને 1281 પોલીસ વિભાગના કર્મચારીઓ તેમજ 583 સુરત મનપાના કર્મચારીઓએ વેક્સિન મુકાવી હતી. શહેરમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. જેમાં અત્યારસુધીમાં કુલ 33,962 લોકોને વેક્સિન મુકી દેવામાં આવી છે.
સુરત જિલ્લા પંચાયતના 454 પૈકી 312 કર્મચારીઓને કોરોનાની રસી મુકી દેવામાં આવી
સુરત: સુરત જિલ્લામાં દરેક તાલુકાઓમાં આરોગ્ય અને આઈ.સી.ડી.એસ ખાતાના અધિકારી કર્મચારીઓને કોરોનાની રસી મુકવામાં આવી હતી. સુરત જિલ્લામાં સરકાર દ્વારા કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર સુરત જિલ્લા પંચાયતના દરેક તાલુકાઓમાં આરોગ્ય અને આઈ.સી.ડી.એસ ખાતાના અધિકારી-કર્મચારીઓને કોરોનાની આપવાનું આયોજન કલેકટર ડો.ધવલ પટેલ અને ડીડીઓ હિતેષ કોયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જેમાં મેડિકલ ઓફિસર, આરોગ્ય સુપરવાઈઝર-કર્મચારીઓ, લેબ ટેક્નીશિયન, ફાર્માસીસ્ટ ઉપરાંત સ્ટાફ નર્સ અને આરોગ્યનાં વિવિધ કેડરના કર્મચારીઓ અને આશા વર્કરો સહિત કર્મચારીઓને કોરોના રસી મુકવામાં આવી હતી.
રસીકરણમાં સુરત જિલ્લામાં 454 જેટલા કર્મચારીઓ પૈકી 312 કર્મચારીઓને વેક્સિન મુકવામાં આવી હતી. આગામી તા.5મી ફેબ્રુ. સુધીમાં સુરત જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓને ૧૦૦ ટકા રસી આપવાની કામગીરી પુરી કરી દેવામાં આવશે. સુરત જિલ્લામાં વેક્સિનેશન દરમ્યાન આજ સુધીમાં કોઈને સાઈડ ઈફેક્ટ થઈ નથી.