સુરત: (Surat) એક વર્ષથી દેશ અને દુનિયાને હંફાવી રહેલા કોરોનાને નાથવા માટે ભારત સૌથી પહેલાં વેક્સિનની શોધ કરી વિશ્વનું સૌથી મોટો વેક્સિનેશન (Vaccination) પ્રોગામ શરૂ કરી દીધો છે. જો કે, દુનિયામાં ગૌરવરૂપ આ પગલાંને વગોવવા માટે પણ અમુક તત્ત્વો સક્રિય થઇ ગયા હોય તેમ વેક્સિનેશનને લગતાં વિવાદો પણ સામે આવવા માંડ્યા છે. અગાઉ વેક્સિન લીધા બાદ પણ કોરોના થતો હોવાની અધકચરી હકીકતોને ચગાવાયા બાદ હવે સુરતમાં જે વ્યકિત હાજર જ નથી તેને વેક્સિન અપાઇ ચૂકી હોવાનાં સર્ટિ. (Certificate) ફરતાં થતાં વિવાદ થયો છે.
આમ આદમી પાર્ટીના નેતાઓએ ફરતા કરેલાં બે સર્ટિ. એવાં છે, જે વ્યક્તિ સુરતમાં હાજર જ નથી અને તેને વેક્સિન આપી દેવાયું હોવાનું સર્ટિ. સરકારના પોર્ટલ પર બની ગયું છે. 62 વર્ષના હરિભાણ સીંગના નામે 13 તારીખના રોજ વેક્સિન મૂકવા માટે રજિસ્ટ્રેશન કરાયું હતું. પરંતુ તે હરિદ્વાર ગયા છે. આમ છતાં તેને વેક્સિન મુકાયાનું સર્ટિ. બની ગયું છે. તેવી જ રીતે 67 વર્ષિય નિર્મલાબેન સોલંકીને પણ વેક્સિન નહીં મુકાઇ હોવા છતાં તેનું સર્ટિ. બની ગયું છે. આ બાબતે મનપાના ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ડો.આશિષ નાયકે જણાવ્યું હતું કે, આ બંનેને વેક્સિન મુકાયાનું મનપાના રેકોર્ડમાં નોંધાયું નથી. રજિસ્ટ્રેશન કરાયું હતું, પરંતુ આવ્યા નથી. કોઇએ આવી હરકત કરવા જ આધાર નંબર અને અન્ય વિગતો સાથે રજિસ્ટ્રેશન કરાવી બાદમાં પોર્ટલમાં ચેડાં કરી સર્ટિ. બનાવ્યું હોવાની શંકા છે. તેની તપાસ ચાલુ કરી દેવાઇ છે.
પાલિકાએ અધિકારીઓને કોરોના લક્ષી જવાબદારીઓ સોંપી
સુરત : શહેરમાં ચૂંટણી પછી કોરોનાના કેસોમાં વધારો થતા મનપા દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રવિવારે મનપાના કમિશનર બંછાનિધી પાનીએ અધિકારીઓને કોરોના લક્ષી જવાબદારીઓ સોંપી હતી. જેમાં એડિશનલ કલેકટર જી.બી. મુગલપરાને ધનવંતરી રથ અન્વયે સંકલનની કામગીરી, જિલ્લા શિક્ષણાધિકારી એચ.એસ. રાજ્યગુરૂને ખાનગી શાળામાં સુરક્ષા કવચની રચના કરવી, શાસનાધિકારી વિમલ દેસાઇને મનપાની શાળામાં સુરક્ષા કવચની રચનાની કામગીરી સોંપાઈ છે.
ધર્મેશ પટેલને સુમન શાળામાં સુરક્ષા કવચની રચના કરવી, આશિષ મારૂને જીઆઇડીસી વિસ્તારમાં સુરક્ષા કવચની રચના કરવી, ભુપેશ ચૌધરીને સચિન અને કનકપુરમાં સુરક્ષા કવચની રચના કરવી, એસ.આર.ખાનને એન્ફોસમેન્ટની તમામ સંકલનની કામગીરી કરવી, ટ્રેઝરી ઓફિસર અઝીમ શેખને અને ડી.એમ.કીશ્યનને નિવૃત અધિકારી અને કર્મચારીઓની રસીકરણની કામગીરી કરવી, ડો.એસ.જે.ગૌતમ અને નિલેશ એચ. પટેલને ગાર્ડનમાં આવાતા સિનિયર સિટીઝનોને કોમોબીડિટી લક્ષણો ધરાવનાર વ્યકિતઓને વેક્સિન આપવા અંગેની સંકલનની કામગીરી સોંપાઇ હતી.