સુરત: કોરોના (Corona)ના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન (Vaccination) ખૂબ મહત્ત્વનું છે. સંક્રમણને નાથવા માટે કોવિડ ગાઈડલાઈન (Covid guideline)નું પાલન કરવું તો જરૂરી જ છે. પરંતુ તેની સાથે સાથે વેક્સિનેશન પણ ઝડપથી થાય તે પણ ખૂબ જરૂરી છે.
શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરી દેવાયું છે. 6 માસમાં શહેરમાં કુલ 5,52,914 લોકોએ વેક્સિનના બંને ડોઝ (dual dose) લઈ લીધા છે. એટલે કે, શહેરમાં કુલ વસતીના 9.21 ટકા લોકો સંપૂર્ણ રીતે વેક્સિનેટ થયા છે. શહેરમાં છેલ્લા 6 મહિનામાં કુલ 24,03,602 લોકોને વેક્સિનના ડોઝ મુકાયા છે. એટલે કે, ટાર્ગેટ (Target) સામે મનપાએ 54 ટકા લોકોને આવરી લીધા છે.
શહેરમાં 18,50,688 લોકોને પ્રથમ ડોઝ અને 5,52,914 લોકોને બંને ડોઝ મૂકી દેવાયા છે. વેક્સિન લીધા બાદ કોરોના થતો નથી. એવું નથી પરંતુ જો વેક્સિન લઈ લીધી હોય તો કોરોના જીવલેણ બનતો નથી. જેથી વધુમાં વધુ લોકો જલદીથી વેક્સિન લઈ લે તે માટે મનપા દ્વારા પણ વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ વેક્સિનના અપૂરતા સ્ટોક (Out of stock)ને કારણે વેક્સિનેશનની ગતિ ઘણી ધીમી પડી છે.કોવિડની મહામારી સામે જીત મેળવવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ વેક્સિનેશન અભિયાનને વેક્સિનના અભાવે જ કાટ લાગી રહ્યો છે.
શહેરમાં 16 મી જાન્યુઆરીથી વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. વેક્સિનેશન અભિયાનના પ્રારંભને છ મહિના પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારે સુરત શહેરમાં 54 ટકા લોકો વેક્સિનેટ થઈ ચૂક્યા છે. શહેરમાં 21મી જૂનથી વેક્સિનેશનના મહાઅભિયાનની જાહેરાત કરવામાં આવી હતી. અને હવે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન લોકો મેળવી શકે છે. પરંતુ શહેરમાં હવે પ્રતિદિન 16,000 જ વેક્સિન મળતી હોય, ઘણા લોકોને વેક્સિન માટે ફાંફાં મારવા પડી રહ્યા છે.
- સુરતમાં કુલ 160 સાઈટ પરથી વેક્સિનેશન (સરકારી 148, ખાનગી 13)
- વેક્સિનના કુલ ડોઝ : 24,03,602
- પ્રથમ ડોઝ: 18,50,688
- બંને ડોઝ: 5,52,914
- કોવિશિલ્ડ: 22,44,780 ડોઝ
- કોવેક્સિન: 1,56,018 ડોઝ
- 60 વયના ઉપરના: 3,95,544
- 45થી 60 વયજૂથ: 11,50,168
- 18થી 44 વયજૂથ: 12,61,667
અહીં ઉલ્લેખનીય છે કે વેક્સિનેશનના કુલ ડોઝ પૈકી પ્રથમ ડોઝ મેળવનારની સંખ્યા બન્ને ડોઝ મેળવનારના ત્રણ ગણી છે, માટે સુરતીઓના સંપૂર્ણ સુરક્ષિત થવાના વિષયમાં કહી શકાય કે અભી દિલ્હી દૂર હૈ. પણ જે રીતે વેક્સિનેશન થઇ રહ્યું છે, તે જોતા એવું લાગે છે કે ટૂંક સમયમાં એ લક્ષ્ય પણ પહોંચી શકાશે, અહીં એ નોંધવું પણ ઘટે કે 44 થી ઉપરની વયથી વેક્સિનેશનની શરૂઆત તો થઇ હતી પણ બાદમાં યુવાઓએ ઉત્સાહ દાખવતા હાલ તેમની (18 થી 44) સંખ્યા 44 થી 60ના વય જૂથની સંખ્યાથી વધી ગઈ છે.
ટાર્ગેટ સામે થયેલું વેક્સિનેશન
વયજૂથ ટાર્ગેટ કેટલું વેક્સિનેશન થયું
18થી 44 21,05,594 12,61,667
45થી ઉપર 12,48,310 11,50,168