SURAT

સુરતે વેક્સિનેશનમાં પણ બાજી મારી: આટલા લોકોને વેક્સીન આપી રાજ્યમાં અવ્વ્લ

સુરત : શહેર (Surat)માં સોમવારથી અગાઉથી રજિસ્ટ્રેશન (Registration) વગર જ સ્પોટ રજિસ્ટ્રેશન સાથે વેક્સિનેશન (Vaccination) મહાઅભિયાનનો પ્રારંભ મનપા દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં શહેરીજનોએ પણ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.

શહેરમાં 230 વેક્સિનેશન સેન્ટર (Vaccination center) પરથી કુલ 37268 લોકોને એક જ દિવસમાં વેક્સિન આપી દેવામાં આવી હતી. જો કે સ્પોટ વેક્સિનેશન અભિયાનનો આજે પહેલો દિવસ હોવાથી સરકારના કોવિન પોર્ટલમાં થોડા સમય માટે ટેકનિકલ ખામી સર્જાતા અમુક સમય માટે વેક્સિનેશનની ગતિ ઘટી ગઇ હતી પરંતુ થોડા જ સમયમાં પોર્ટલ પુર્વવત થઇ જતા વેક્સિનેશને વેગ પકડયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકારે તમામ જિલ્લા અને મહાનગરપાલિકાઓને પ્રથમ દિવસે કેટલા લોકોને વેક્સિન મુકવી તેનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં સુરત મનપા અન્ય તમામ મનપાની સરખામણીએ અવ્વલ રહી છે. સુરત મનપાએ લક્ષ્યાંક કરતા વધુ વેક્સિન મુકી છે, જયારે અન્ય મહાનગર પાલિકાઓ લક્ષ્યાંક સુધી પણ પહોંચી શકી નથી. સુરતમાં સોમવારે 32193 લોકોને પ્રથમ ડોઝ અને 5075 લોકોને બીજો ડોઝ મુકવામાં આવ્યો હતો. શરૂઆતના માત્ર ત્રણ જ કલાકમાં 10 હજાર લોકો વેક્સિન મુકાવી ગયા હતા.

સુરત મનપાએ 102 ટકા લક્ષ્યાંક સર કર્યો

રાજય સરકારે તમામ જિલ્લા, નગર પાલિકા અને મહાનગર પાલિકાઓને પ્રથમ દિવસે કેટલા લોકોને વેક્સિન મુકવી તેના લક્ષ્યાંક આપેલા હતાં. જેમાં સુરત મનપાએ 35 હજારના લક્ષ્યાંક સામે 37268 લોકોને વેક્સિન મુકીને 102.3 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો છે. જયારે અમદાવાદ મનપાએ 70.4 ટકા, રાજકોટ મનપાએ માત્ર 25.3 ટકા, જામનગર મનપાએ 41 ટકા, ભાવનગર મનપાએ 48 ટકા, જુનાગઢ મનપાએ 53.9 ટકા,વડોદરા મનપાએ 56 ટકા, અને ગાંધીનગર મનપાએ 84.8 ટકા લક્ષ્યાંક જ વેક્સિનેશન કર્યુ છે.

જો આ ઝડપે વેક્સિનેશન થાય તો સુરતમાં દોઢ માસમાં તમામને વેક્સિન મુકી શકાય

શહેરમાં અંદાજે 70 લાખની વસતી છે. તેમાંથી 18 લાખથી વધુ લોકોને વેક્સિન મુકી દેવાઇ છે. સુરત મનપા એક જ દિવસમાં 50 હજારથી વધુ લોકોને વેક્સિન મુકી આપવા સક્ષમ છે. મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે જેટલું વધુ વેક્સિનેશન થાય તેટલો વધુ જથ્થો ફાળવવા ખાતરી આપી છે. એટલે જો મનપા આ જ ઝડપે વેક્સિન મુકતી રહેશે તો સુરતમાં દોઢ માસમાં જ તમામ લોકો વેક્સિનથી સુરક્ષિત થઇ જશે.

કયા ઝોનમાં કેટલાને વેક્સિન મુકવામાં આવી
ઝોન સંખ્યા
સેન્ટ્રલ ઝોન 2743
વરાછા ઝોન-એ 6526
વરાછા ઝોન-બી 3956
રાંદેર ઝોન 5426
કતારગામ ઝોન 5107
લિંબાયત ઝોન 4095
ઉધના ઝોન 4008
અઠવા ઝોન 5407

Most Popular

To Top