SURAT

ઉમરપાડાના કેવડી ગામના કરિયાણાના વેપારી પાસેથી સબસિડી યુકત યુરિયાની 1.28 લાખની કિંમતની 234 બેગો ઝડપાઈ

સુરત : સુરત (Surat) ઉમરપાડા તાલુકાના કેવડી ગામના અનાજ કરિયાણાના વેપારી પાસેથી વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમ કોટેડ યુરિયાની (Urea) 234 બેગનો જથ્થો ઝડપાતા ખેતી અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ખાતરના જથ્થાનું ઊંચા ભાવે વેચાણ કરવા બદલ વેપારી સામે ઉમરપાડા પોલીસ (Police) મથકે ફરિયાદ નોંધાવી છે.

ખેતી અધિકારી (કામરેજ) આર.ટી.બલદાણીયા તથા ખેતી અધિકારી(ઓલપાડ) વી.આર.કોરાટ તથા ખેતી અધિકારી(બારડોલી) એલ.એમ.ઈટાળીયાની સંયુક્ત સ્કોવડ ટીમ દ્વારા તારીખ 1 જુલાઇ રોજ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામે રહેતા અનાજ કરિયાણાના વેપારી ધર્મેશભાઈ જગદીશચંદ્ર મોદી તથા તેના સબંધી જીતેન્દ્રભાઈ હિરાલાલભાઈ મોદીના ઘર નં. 139 ના ગોડાઉનમાં તથા ઘર નં. 342 અને 24 ના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી.

આ ગોડાઉનમાં તપાસ કરતા વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમ કોટેડ યુરિયાની પ્રત્યેકમાં 45 થી 50 કિલોગ્રામ વજનવાળી કુલ 234 બેગ જોવા મળી હતી. જેની કુલ કિંમત 1.28 લાખ થાય છે. બેગોમાં શંકાસ્પદ યુરિયાનો જથ્થો હોવાનું પણ જણાતા તેમજ આ જથ્થા સંદર્ભે સંતોષકારક ખુલાસો ન મળતા ઉમરપાડા ખેતી અધિકારી રાકેશકુમાર લક્ષ્મણભાઈ વસાવાએ 29 ઓગસ્ટના રોજ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં કેવડી ગામના ધર્મેશ જગદીશચંદ્ર મોદી અને તેમના પત્ની જશોદાબેન, પુષ્પાબેન જગદીશચંદ્ર મોદી, જીતેન્દ્ર હિરાલાલ મોદી સહિત આ ખાતરનો જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા વ્યક્તિઓ/સંસ્થા સામે સરકારના સબસિડીયુકત ખેત વપરાશનું નીમ કોટેડ યુરિયાનો ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર સંગ્રહ અને કાળા બજાર કરતા હતા.

એટલું જ નહિ તેને ઊંચા ભાવે વેચાણ કરવા બદલ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતી વિભાગ દ્વારા આ જથ્થા સંદર્ભે વિભાગીય પ્રાથમિક તપાસ શરૂ હોવાથી જે-તે સમયે ફરિયાદ ન નોંધવતા તા.૨૯મીએ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Most Popular

To Top