સુરત: (Surat) ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં વરસાદે (Rain) ભલે વિરામ લીધો હોય પરંતુ ડેમના બ્લાઈન્ડ કેચમેન્ટમાં પડી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે. આજે ઉકાઈ ડેમમાં 1.12 લાખ ક્યુસેક પાણીની આવક થતાં 83 હજાર ક્યુસેક પાણી (Water) છોડવાનું ચાલું રખાયું હતું. જેને કારણે ડેમની સપાટીમાં ફરી વધારો નોંધાતા 333.55 ફુટે પહોંચી હતી.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઈન ગેજ સ્ટેશનો પર હાલ વરસાદનો વિરામ છે. વિતેલા ચોવીસ કલાકમાં ચીખલધરા અને દેડતલાઈમાં દોઢ ઇંચ તથા સાગબારા અને નંદુરબારમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાયના રેઈન ગેજ સ્ટેશનો પર વરસાદનો વિરામ હતો. ઉપરવાસમાં વરસાદના વિરામ છતા ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમ અને હથનુર ડેમના બ્લાઈન્ડ કેચમેન્ટમાં પડી રહેલા વરસાદને કારણે હથનુર ડેમ અને પ્રકાશા ડેમમાં પાણીની આવક થઈ રહી છે. આજે હથનુર ડેમના 36 ગેટ પુરેપુરા ખોલીને 76 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું રખાયું હતું. જ્યારે પ્રકાશામાંથી પણ 85 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. જેને પગલે ઉકાઈ ડેમમાં 1.12 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. અને ડેમના 6 ગેટ 6 ફુટ ખોલીને 83 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું રખાયું હતું. ઉકાઈ ડેમની સપાટી 333.55 ફુટે પહોંચી હતી.
- ઉપરવાસના તમામ ડેમના દરવાજા ખોલાયા
- પ્રકાશા 85 હજાર કયુસેકસ
- સારનખેડા 82 હજાર કયુસેકસ
- હથનૂર 76 હજાર કયુસેકસ
- ગીરના 9 હજાર કયુસેકસ
ઉમરપાડા અને માંગરોળ સિવાયના જિલ્લા કોરાકટ
શહેર અને જિલ્લામાં આજે વરસાદે વિરામ નોંધાવ્યો હતો. શહેરમાં બપોરથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જોકે શહેરમાં વરસાદનો વિરામ હતો. જ્યારે જિલ્લામાં ઉમરપાડામાં બે ઇંચ અને માંગરોળમાં 16 મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાયના તમામ તાલુકા કોરાકટ રહ્યા હતા.