SURAT

26 દિવસની જ તોફાની ઈનિંગમાં ઉકાઈ છલકાયો, સુરતને 9 વર્ષ ચાલે તેટલું પાણી દરિયામાં જવા દેવું પડ્યું

સુરત: (Surat) સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાત માટે આશિર્વાદરૂપ મનાતા ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ચાલુ સિઝનમાં 26 દિવસ ભારે કટોકટ રહ્યા હતા. 26 દિવસમાં 3539 એમસીએમ પાણી દરિયામાં (Sea) છોડી દેવાયું છે. એટલે કે સુરત શહેરને 9 વર્ષ ચાલે તેટલું પાણી દરિયામાં જવા દેવું પડ્યું છે.

  • સુરત શહેરને 9 વર્ષ ચાલે તેટલું પાણી દરિયામાં જવા દેવું પડ્યું
  • દર વર્ષે ચોમાસું લંબાતું હોવાથી તંત્ર પણ ભારે હેરાન-પરેશાન
  • મોડીમોડી 26 દિવસની જ તોફાની ઈનિંગમાં ઉકાઈ છલકાયો, 3539 MCM પાણી છોડવું પડ્યું

સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઉકાઇ ડેમ ક્યારેક ઘાતક, ક્યારેક ચિંતાજનક તો ક્યારેક આશિર્વાદરૂપ પુરવાર થાય છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી છોડાતા પાણીને કારણે ઘણીવાર જળ પ્રલયનો સામનો કરવો પડયો છે. તેમાંય સને 2006ની પૂર હોનારતના ઘા હજુ પણ રુઝાયા નથી. દર વર્ષે ચોમાસા વખતે ઉકાઇ ડેમને લઇને તંત્ર સાબદું બને છે. આ વર્ષે પણ તંત્રએ ચોમાસા પહેલા પાણીની આવકને પહોંચી વળવા દરવાજાની મરામત સહિતની તમામ તૈયારીઓ કરી દીધી હતી. પરંતુ આ વર્ષે ડેમમાં વરસાદે મોડી એન્ટ્રી મારી હતી.

ગત ચોવીસ જૂનના રોજ ડેમમાં વરસાદના નવા નીર આવ્યા અને સપાટી 313.50 ફુટ હતી. ઉકાઇ ડેમમાં આ વરસે જૂનથી ઓકટોમ્બર દરમિયાન 27 ઇંચ વરસાદ પડયો અને સિઝન દરમિયાન કુલ 11285 એમસીએમ પાણી આવ્યું, તેની સામે 4249 એમસીએમ છોડવું પડ્યું હતું. આ પાણી પૈકી વિતેલા 26 દિવસ દરમિયાન જ સળંગ 3539 એમસીએમ પાણી ડિસ્ચાર્જ કરવું પડ્યું હતું. સુરત શહેરને નવ વરસ ચાલે તેટલું પાણી દરિયામાં છોડી દેવું પડ્યું હતું.

સુરત જિલ્લામાં છુટાછવાયા ઝાપટા

સુરત શહેર અને જિલ્લામાં આજે પણ સવારે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. સુરત શહેરમાં બે મીમી વરસાદ નોંધાયો છે. જયારે જિલ્લામાં પણ અમુક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લા ફલડ ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમના જણાવ્યાનુસાર પલસાણામાં બે મીમી, બારડોલીમાં ત્રણ મીમી, મહુવામાં સત્તર મીમી અને માંગરોલમાં ત્રણ મીમી વરસાદ પડ્યો છે.

Most Popular

To Top