સુરત: (Surat) ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં બે દિવસથી વરસાદે વિરામ લેતા ફરી ડેમમાં પાણીની આવક ઘટી છે. જો કે ગઇકાલે મધરાતે એકાએક 1.27 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમમાંથી મળસ્કે 64 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. જે સાંજે ઘટાડીને ક્રમશઃ આવક 34 હજાર ક્યુસેક અને જાવક 16 હજાર ક્યુસેક નોંધાઈ હતી. તથા ડેમની સપાટી 344.61 ફૂટે પહોંચી છે. ડેમ લગભગ છલોછલ ભરાઈ જતા આગામી 2 વર્ષ સુધી દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પાણીની (Water) સમસ્યા નહીં રહે. એટલું જ નહીં ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટતા સુરતીઓએ પણ રાહતનો દમ લીધો છે. જોકે હવામાન ખાતાના (Weather Department) જણાવ્યા પ્રમાણે હજી આગામી દસ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી (Rain) માહોલ યથાવત રહેશે.
ઉકાઈ ડેમમાં ગઈકાલથી પાણીની આવક અને જાવક ઘટતાં સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે મધરાતે ડેમમાં 1.27 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. જેની સામે મળસ્કે 64 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. જો કે ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા પાણીની આવક સાંજ સુધી ઘટીને 34 હજાર ક્યુસેક નોંધાઈ છે. સાંજે ડેમના તમામ ગેટ બંધ કરીને માત્ર 16 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું હતું. આ સાથે ડેમની સપાટી 344.61 ફૂટે પહોંચી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ઉપરવાસમાં વરસાદની કોઈ આગાહી નથી. જેને કારણે ડેમ ધીમે ધીમે 345 ફુટ સુધી ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ઉકાઈ ડેમમા છેલ્લે છેલ્લે પાણીની આવક થતા ડેમ ફરી છલોછલ ભર્યો છે. જેને કારણે આગામી બે વર્ષ સુધી દક્ષિણ ગુજરાત પરથી પાણીનું સંકટ ટળી ગયું છે.
નવરાત્રિના અંતિમ દિવસો સુધી વરસાદના અણસાર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ કેરલ કોસ્ટ ઉપર એક વરસાદી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે. જે સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.આ સિસ્ટમ 8-9 તારીખ સુધી મુંબઈ સુધી પહોંચે તેવી આગાહી હાલ હવામાન વિભાગે કરી છે. જેની સામાન્ય અસર દક્ષિણ ગુજરાત સુધી રહેશે. આ સિવાય 9-10 તારીખ બાદ વધુ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં ડેવલપ થઈ રહી છે. આ સિસ્ટમ ચેન્નઈ ઉપર અથડાશે. એટલે કે હજી આગામી દસ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.