સુરત: (Surat) શરૂઆતમાં ચોમાસું (Monsoon) નબળું રહે તેવું લાગતું હતું પરંતુ ધીરેધીરે વરસેલા વરસાદને કારણે હવે ઉકાઈ ડેમ (Ukai Dam) 70 ટકા ભરાઈ ગયો છે. ડેમની સપાટીમાં અઠવાડિયામાં સારા વરસાદને પગલે 4 ફુટનો વધારો થયો છે. જ્યારે શનિવારે પણ ઉકાઈ ડેમમાં પાણીની આવક 20 હજાર ક્યુસેક નોંધાઈ હતી. ઉપરવાસમાં વરસાદે (Rain) વિરામ લેતા આજે ઉકાઈ ડેમમાં 20 હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. જે સાંજે ઘટીને 6200 ક્યુસેક નોંધાઈ હતી. ઉકાઈ ડેમની સપાટી શનિવારે સાંજે 331.65 ફુટે પહોંચી હતી. આ સાથે ડેમ 70 ટકા ભરાયો છે. આગામી સીઝન માટે હવે પાણીની ઘટ નહિં પડે. ડેમના સૂત્રોના જણાવ્યુનુસાર આગામી વરસ માટે ખેતી અને પીવા સહિત ઇન્ડસ્ટ્રી માટે પણ પ્રશ્ન સર્જશે નહિં.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાત ઉપર આવેલી લો-પ્રેશર સિસ્ટમ નબળી પડી ગઈ છે. જેથી બે દિવસથી ફરી વરસાદ ઘટી ગયો છે. હવે આગામી 7 તારીખે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગુજરાત તરફ આવે તેવી આગાહી કરવામાં આવી છે. અઠવાડિયાના પ્રારંભમાં દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત ઉપરવાસમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણેક દિવસથી પાણીની સારી આવક થઈ છે. પાણીનો જથ્થો આવતા ધીમી ધારે ઉકાઈ ડેમની સપાટીમાં ચારેક ફુટનો વધારો નોંધાયો છે.
કેટલા ફુટે કેટલો ભરાય
સપાટી ડેમનો વિસ્તાર
331.43 70 ટકા
336.34 80 ટકા
340.84 90 ટકા
345.00 100 ટકા
લેવલ સપાટી સ્ટોરેજ પાણી
વોર્નિંગ 331.43 ફુટ 5190 એમસીએમ
એલર્ટ 336.34 ફુટ 5931 એમસીએમ
હાઇ 340.84 ફુટ 6773 એમસીએમ
ડેન્જર 345 ફુટ 7414 એમસીએમ
નર્મદા ડેમમાં એક વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યાનો આવ્યો અંત
કેવડિયા: લાંબી રાહ જોવાડાવ્યા પછી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે જેના કારણે ડેમોમાં નવા નીર આવ્યા છે. ત્યારે હાલ નર્મદા ડેમની (Narmada Dam) સપાટીમાં પણ વધારો થયો છે. ડેમની સપાટીમાં 24 કલાકમાં 20 સેમીનો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 117.49 મીટર થઈ છે. નર્મદા ડેમમાં 47.47 ટકા પાણી છે . આ જોતા સરકારે એવો દાવો કર્યો છે કે, એક વર્ષ સુધી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા નહી રહે. રાજ્યમાં 37 ડેમોમાં 10 ટકા કરતાં ઓછુ પાણી છે જયારે 39 ડેમોમાં 20 ટકાથી ઓછુ પાણી ઉપલબ્ધ છે. જ્યારે 27 ડેમો એવા છે જેમાં 70 ટકા પાણીનો જથ્થો છે.