સુરત: (Surat) છેલ્લા એક વર્ષમાં સુરત-ઉધનાથી (Surat-Udhna) ઓર્જનેટ અને ટર્મિનેટ થતી ટ્રેનોના (Train) એસી કોચમાંથી 300થી વધુ ચાદર, તકિયા અને ધાબળા (Sheets, Pillows, Blankets) ગાયબ થઈ ગયા છે. જો કે આ વસ્તુઓ પેસેન્જર લઈ ગયા કે સ્ટાફ ચોરી ગયા તેનો કોઈ રેકોર્ડ રેલવે પાસે નથી.
- સુરત-ઉધનાથી ઉપડતી ટ્રેનોમાંથી 300થી વધુ ચાદર, તકિયા ને ધાબળા ગાયબ
- મુસાફરો લઈ ગયા, સ્ટાફ ચોરી ગયો કે પછી વોશિંગમાંથી ગાયબ થઈ ગયાં, રેલવે પાસે કોઈ વિગત જ નથી!
- કોચ એટેન્ડન્ટ ટ્રેન સ્ટેશને પહોંચે એટલે મુસાફરોને અપાયેલી આ વસ્તુઓ પરત ભેગી કરીને વોશિંગમાં મોકલતો હોય છે
- એસી કોચમાં અપાતી લીનેનની આઈટમોનું એક વર્ષનું સરવૈયું ચોંકાવનારું
સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત-ઉધનાથી નિમયિત ધોરણે 10થી વધુ મધ્યમ અને લાંબા અંતરની એવી ટ્રેનો દોડે છે. ઉપરાંત સમર વેકેશન, દિવાળી વેકેશન, ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો પણ સુરત-ઉધનાથી ઉપડતી હોય છે. આ ટ્રેનોમાં એસી ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્લાસના કોચ હોય છે. એસી કોચમાં પ્રવાસીઓને ચાદર, તકિયા અને ધાબળા આપવામાં આવે છે.
ટ્રેનમાં પ્રવાસીઓને આપવામાં આવતી આ વસ્તુઓને લીનેનની આઇટમ કહેવામાં આવે છે. સુરત અને ઉધનાથી ઉપડતી આ ટ્રેનોમાંથી છેલ્લા એક વર્ષમાં લીનેનની આઈટમો ગાયબ થઈ ગઈ છે, જેની સંખ્યા 300થી વધુ થાય છે. જ્યારે ટ્રેન સ્ટેશન પર આવે ત્યારે કોચ એટેન્ડન્ટ લીનેનની આઈટમો પરત ભેગી કરીને તેનો રેકોર્ડ રાખીને વોશિંગમાં મોકલતા હોય છે. સુરત અને ઉધના આવતી ટ્રેનોમાંથી લીનેનની આ આઈટમો પેસેન્જર લઈ ગયા કે સ્ટાફ લઈ ગયા તેની કોઈ માહિતી રેલવે પાસે નથી.
આઈટમો ગાયબ થઈ તે વાત સાચી, પણ કોણ લઈ ગયું તે કહેવું મુશ્કેલ: સુરત ડીએમઈ
સુરત રેલવે સ્ટેશનના ડીએમઈ નવીનભાઈને આ બાબતે પૂછતા તેઓએ કોઈ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. તેઓએ એટલું જ કહ્યું હતું કે ટ્રેનોમાંથી લીનેનની આઈટમો ગાયબ થઈ છે, તે વાત સાચી છે. પરંતુ આ આઈટમો કોણ લઈ ગયું તે કહેવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે ઘણી વખત રાત્રે બીજા ડિવિઝનમાંથી ટ્રેન પસાર થતી હોય ત્યારે ત્યાંના સ્ટાફ પણ લીનેનની આઈટમો લઈ લેતા હોય છે. કોઈ પેસેન્જર જો લઈ જાય તો એ કહેવું અઘરૂં છે કે કયો પેસેન્જર લઈ ગયો.