સુરત: અમેરિકામાં બનેલી એક મહત્વની ઘટનામાં સુરત સ્થિત બે કેમિકલ્સ અને દવા બનાવતી કંપનીના માલિક તેમજ એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવને પ્રતિબંધિત ડ્રગ ફેન્ટાનાઇલ પ્રિકર્સર કેમિકલ્સનું વિતરણ કરવા બદલ દોષિત ઠેરવ્યાં છે.
- સુરતની રેક્સ્યુટર કેમિકલ્સ અને એથોસ કેમિકલ્સ સામે અમેરિકામાં કેસ, સુરતમાં રહેતાં અન્ય ભાગીદારો ભૂગર્ભમાં ઉતરી ગયા
- રેક્સ્યુટર કેમિકલ્સનાં માલિક ભાવેશ લાઠીયાને અમેરિકન કોર્ટે ફેન્ટાનાઇલ પ્રિકર્સર કેમિકલ્સની હેરાફેરી કરવા બદલ આરોપી ઠેરવ્યા
- દાણચોરીથી મોકલાયેલા કેમિકલથી ફેન્ટાલાઈન બનાવવાનું હતું, જે હેરોઈન કરતાં 50 ગણું અને મોર્ફિન કરતાં 100 ગણું શક્તિશાળી
અમેરિકાની ન્યુયોર્ક સ્થિત કોર્ટના આદેશ પછી સુરતની રેક્સ્યુટર કેમિકલ્સનાં માલિક ભાવેશ રણછોડભાઈ લાઠીયા ઉર્ફે ભાવેશ પટેલ (ઉંમર: 36 દુકાન નંબર – 7, પ્લુટો મલ્ટિપ્લેક્સ એન્ડ, બિઝનેસ સેન્ટર, છાપરાભાઠા રોડ, વરિયાવ તાડવાડી, સુરત)ની ધરપકડ કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો.
જ્યારે એથોસ કેમિકલ્સ પ્રા. લિ. (320, બ્લુ એમિનન્સ, સામે. સંગિની ગાર્ડેનિયા, જહાંગીરપુરા-દાંડી રોડ, સુરત)ના સંચાલકોને પણ કસૂરવાર ઠેરવ્યા છે. આ ઘટનાક્રમ પછી અમેરિકન સરકાર સુરતની આ બે કંપનીના અન્ય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સામે એક બીજા દેશોના આરોપીઓનો કબજો સોંપવા અંગેની ટ્રિટી હેઠળ કાર્યવાહી શરૂ કરશે.
યુએસ એટર્ની ઓફિસ, ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લા પ્રતિવાદીઓએ કથિત રીતે ફેન્ટાનાઇલ પ્રિકર્સર કેમિકલ્સ ભારતનાં સુરતમાંથી યુનાઇટેડ સ્ટેટ્સમાં દાણચોરી કરી હતી, તેનો ઉપયોગ ફેન્ટાનાઇલ બનાવવા માટે કરવામાં આવશે, એવો આરોપ મૂકયો હતો. બ્રુકલિનમાં ફેડરલ કોર્ટ હાઉસમાં, ભારતની સુરત સ્થિત કંપનીઓ રેક્સ્યુટર કેમિકલ્સ અને એથોસ કેમિકલ્સ પ્રા. લિ. (એથોસ કેમિકલ્સ) તેમજ ભાવેશ લાઠીયા, રેક્સ્યુટર કેમિકલ્સના સ્થાપક અને વરિષ્ઠ એક્ઝિક્યુટિવ, યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેન્ટાનાઇલ પૂર્વવર્તી રસાયણોનું વિતરણ અને આયાત કરવાના ગુનાહિત કાવતરા સાથે ભાવેશ લાઠીયા ઉર્ફે ભાવેશ પટેલની 4 જાન્યુઆરી, 2025ના રોજ ન્યૂયોર્ક સિટીમાં ધરપકડ કરવામાં આવી હતી અને યુનાઈટેડ સ્ટેટ્સના મેજિસ્ટ્રેટ જજ જોસેફ એ. મારુતોલો સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે લાઠીયાને ટ્રાયલ પેન્ડીંગ સુધી અટકાયતમાં રાખવાનો હુકમ કર્યો હતો.
સુરતના 36 વર્ષીય ગુજરાતી ઉદ્યોગ સાહસિક ભાવેશ લાઠીયા (પટેલ)ની ન્યુયોર્કમાં ઘાતક સિન્થેટીક ડ્રગ ફેન્ટાનાઇલના ઉત્પાદનમાં વપરાતા કેમિકલની દાણચોરીના આરોપસર હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન (HSI) દ્વારા વ્યાપક તપાસ બાદ ધરપકડ કરવામાં આવી છે. ભાવેશ લાઠીયા પર યુનાઈટેડ સ્ટેટ્સ અને મેક્સિકોમાં પુરોગામી રસાયણોના શિપમેન્ટનો ઓર્કેસ્ટ્રેટ કરવાનો આરોપ છે. આ રસાયણો કથિત રીતે મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ અને અન્ય ડ્રગ હેરફેર કરનારા જૂથો દ્વારા સંચાલિત ગુપ્ત લેબવાળાઓને સપ્લાય કરવામાં આવ્યા હતા.
યુએસ.એટર્ની દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ સુરત સ્થિત રેક્સ્યુટર કેમિકલ્સના સ્થાપક અને એથોસ કેમિકલ્સના ભૂતપૂર્વ ડિરેક્ટર પટેલની હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ (HSI) દ્વારા વ્યાપક તપાસ બાદ અટકાયત કરવામાં આવી હતી. બંને કંપનીઓ ફેન્ટાનાઇલ બનાવતા રસાયણોની ગેરકાયદે નિકાસમાં સંડોવાયેલી છે, જેને કસ્ટમ્સ તપાસને બાયપાસ કરવા માટે વિટામિન સી સપ્લિમેન્ટ્સ અથવા એન્ટાસિડ્સ જેવા નિર્દોષ પદાર્થો તરીકે ખોટી રીતે લેબલ કરવામાં આવ્યા હતા.
સુરતની Raxuter Chemicals સામે આ આરોપ છે
પ્રોસિક્યુટર્સે આરોપ મૂક્યો છે કે Raxuter Chemicals એ જૂન 2024માં વિટામિન Cના વેશમાં ન્યુયોર્કમાં એક પેકેજ મોકલ્યું હતું. અન્ય એક શિપમેન્ટ, જેને એન્ટાસિડ તરીકે ખોટી રીતે લેબલ કરવામાં આવ્યું હતું, જે 23 નવેમ્બર, 2024ના રોજ મોકલવામાં આવ્યું હતું, જેમાં 20 કિલોગ્રામ લિસ્ટ વન રસાયણનો ઉપયોગ ફેન્ટાનીલ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. આ શિપમેન્ટ કથિત રીતે મેક્સીકન ડ્રગ કાર્ટેલ્સની કામગીરી માટે અભિન્ન હતા, જે તેમને મોટા પાયે શક્તિશાળી અને અત્યંત વ્યસનકારક દવાનું ઉત્પાદન કરવામાં સક્ષમ બનાવે છે.
ફેન્ટાનીલ, જે હેરોઈન કરતાં 50 ગણી વધુ શક્તિશાળી અને મોર્ફિન કરતાં 100 ગણી વધુ શક્તિશાળી છે, તેણે યુનાઇટેડ સ્ટેટ્સમાં વિનાશ વેર્યો છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, 2024માં 107,543 અમેરિકનો ડ્રગ ઓવરડોઝથી મૃત્યુ પામ્યા હતા, જેમાં ફેન્ટાનીલ 76,000થી વધુ મૃત્યુનું કારણ બને છે.
ભાવેશ લાઠીયાને પકડવા અન્ડરકવર ઓપરેશન કરાયું
સુરતનાં અમરોલી ભગુ નગર ખાતે રહેતા ભાવેશ લાઠીયા (પટેલ)ની ધરપકડ વિસ્તૃત સ્ટિંગ ઓપરેશન બાદ કરવામાં આવી હતી. ગ્રાહક તરીકે અમેરિકન એજન્સીઓએ તેનો સંપર્ક કર્યો હતો. HSI અન્ડર કવર એજન્ટે ઓક્ટોબર 2024માં પટેલને ઈમેલ એક્સચેન્જ અને વિડિયો કૉલ્સમાં ટ્રેપ કર્યો હતો.
આ કૉલ્સ દરમિયાન, ભાવેશ પટેલે સંતોષ વ્યક્ત કર્યો હતો કે મેક્સિકન ક્લાયન્ટ્સ તેમની પ્રોડક્ટ્સથી ખુશ હતા અને 20 કિલોગ્રામ પ્રિકસર કેમિકલ યુએસમાં મોકલવા માટે સંમત થયા હતા, તેણે તે માલને ખોટી રીતે લેબલ કરી મોકલ્યો હતો. યુ.એસ.માં શિપમેન્ટ ઉપરાંત, પટેલે ફેબ્રુઆરી 2024 માં મેક્સિકોમાં ડ્રગ હેરફેર કરનારને 100 કિલોગ્રામ રસાયણ કથિત રીતે મોકલ્યું હતું. આ પુરવઠો ફેન્ટાનાઇલના મોટા પાયે ઉત્પાદનમાં મહત્વપૂર્ણ હતો, જે યુ.એસ.માં જાહેર આરોગ્ય સંકટને વેગ આપે છે.
ભાવેશ લાઠીયા ઉર્ફે ભાવેશ પટેલ દોષિત ઠરે તો તેને 53 વર્ષ સુધીની જેલની સજા થશે
જો ભાવેશ લાઠીયા ઉર્ફે ભાવેશ પટેલ દોષિત ઠરે તો તેને 53 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ)એ આ કેસને ફેન્ટાનીલ પૂર્વવર્તીઓની વૈશ્વિક સપ્લાય ચેઇનને સંબોધવામાં એક સફળતા તરીકે વર્ણવ્યું છે. આ ધરપકડ એ ગુજરાતી વ્યક્તિને ડ્રગ-સંબંધિત કેસમાં ફસાવવાની પ્રથમ જાણીતી ઘટના પણ છે.
ફેન્ટાનીલની પોષણક્ષમતા અને શક્તિએ તેને તસ્કરોમાં પસંદગીની દવા બનાવી છે, જેના કારણે તેની માંગમાં ચિંતાજનક વધારો થયો છે અને જાહેર આરોગ્ય માટે વિનાશક પરિણામો આવ્યા છે. 2024ની યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ડ્રગ હેરફેરનો મુદ્દો એક કેન્દ્રબિંદુ હતો, ઉમેદવારોએ મેક્સિકો અને કેનેડામાંથી ગેરકાયદે આયાતને રોકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સુરતની કેમિકલ અને ફાર્મા કંપનીઓની પ્રોડક્ટ અમેરિકામાં એક્સપોર્ટ કરવા પર મુશ્કેલી વધી
સુરતની રેક્સ્યુટર કેમિકલ્સ અને એથોસ કેમિકલ્સ સામે અમેરિકામાં પ્રતિબંધિત ડ્રગ્સ ઘૂસાડવાનો આરોપ પછી સુરતની કેમિકલ અને ફાર્મા કંપનીઓની પ્રોડક્ટ અમેરિકામાં એકસપોર્ટ કરવા પર મુશ્કેલી વધી છે. અમેરિકન એજન્સીઓ સુરતની કેમિકલ અને ફાર્મા સેક્ટરની કંપનીઓ પાસે જાતજાતનાં ડોક્યુમેન્ટ માંગી રહી છે. તાજેતરમાં ચેમ્બરમાં સુરતની કેમિકલ અને ફાર્મા કંપનીઓના ઉદ્યોગકારોએ પ્રતિબંધિત દવાઓ સંદર્ભે બેઠક યોજી હતી.