રાજપીપળા: ગુજરાતના (Gujarat) નર્મદા જિલ્લામાં યુ.પી. (U.P) જેવી એક ઘટના ઘટી છે, એક ટ્રક ડ્રાઇવરને (Truck Driver) 3 વ્યક્તિને માર મારી પોતાની કારની (Car) ડીકીમાં પૂરી દઈ ધોળે દહાડે અપહરણ કરી લઈ ગયા હોવાનો વિડીયો (Video) હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોલીસ (Police) તપાસમાં આ વિડીયો નાંદોદ તાલુકાના ખામર ગામ નજીકની એક હોટેલનો હોવાનું સામે આવ્યું છે. આખરે એ ટ્રક ડ્રાઇવરને આમલેથા પોલીસમથકમાં 3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો બીજી બાજુ આ ઘટના બાદ રેતીની ટ્રકો ફેરવતા ડ્રાઇવર એસોસિએશન હડતાળ પર ઊતરી જતાં 200થી વધુ ટ્રકોનાં પૈડાં થંભી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
પલસાણાના ગંગાધરા કારેલીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના જલગાઉના પારોલાના બબન મગન ગોર બંજારાએ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તે મુજબ શ્રીહાંસ એન્ટર્પ્રાઈઝ કાર્ટિંગમાં પોતે અશોક લેયલન્ડ હાઈવા ટ્રક ઉપર ડ્રાઈવિંગ કરે છે. અને આ કંપનીના મુખ્ય માલિક એવા સુરત લક્ષ્મીપાર્ક સોસાયટી, મહારાણા પ્રતાપ ચોક ખાતે રહેતા વિજય વલ્લભ નાગેશ્રી દ્વારા એને છેલ્લા ચાર માસનો પગાર આપ્યો ન હતો. જેથી ગત 13 જૂનના રોજ પોતાની પાસેની હાઈવા ટ્રકમાં રેતી ભરી લાવી નાંદોદના ખામર ગામે આવેલી સ્વાગત હોટલના કંપાઉન્ડમાં મૂકી દીધી હતી. અને માલિક વિજય વલ્લભ નાગેશ્રી પાસે ફોનથી પગારની માંગણી કરતા તેમણે પગાર આપવાની ના પાડી હતી. જેથી ડ્રાઇવરે ગાડી ત્યાં જ ખામર ગામે મૂકી રાખી હતી. આથી 14 જૂનના રોજ બપોરના આશરે અઢી વાગ્યાના અરસામાં સુરતથી વિજય વલ્લભ નાગેશ્રી તથા નવનીતભાઈ, લાલાભાઈ, અને સંજયભાઈ એમ ચારેય લોકો આવી ડ્રાઇવર બબન બંઝારાને અપશબ્દો બોલી માર માર્યો હતો. વધુ રોષે ભરાયેલા વિજયે નજીકમાં જમીન ઉપર પડેલો મોટો પથ્થર હાથમાં લઈ ડ્રાઈવરને બરડામાં મારી ઈજા કરી હતી. અને ડ્રાઇવર બબન મગન ગોર બંજારાને બળજબરી ખેંચી, સફેદ કલરની ફોર વ્હીલર ગાડીની ડીકીમાં પૂરી દઈ અપહરણ કરી સુરત લઈ ગયા હતા. આ ચારેય લોકોએ ડ્રાઇવરને ધમકી આપી હતી કે જો પગાર માંગીશ તો તારા હાથ-પગ તોડી નાંખીશું અને છોડી મૂક્યો હતો. જેથી ડ્રાઇવર બબન બાંઝારાએ આમલેથા પોલીસમાં આ 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં આમલેથા પોલીસેઆ ચારેયની ધરપકડ કરી જરૂરી તપાસ શરૂ કરી છે.