ભરૂચ: સુરતના (Surat) ટ્રકમાલિકની ટ્રક (Truck) ગુમાનદેવ પાસે બ્રેકડાઉન (Breakdown) થઇ હોય તેની કાર લઈને ટ્રક રિપેર (Repair) કરાવવા આવ્યો હતો. તે દરમિયાન રોડ સાઇડ પર પાર્ક કરેલી કારને (Car) અન્ય ટ્રકે ટક્કર મારી અકસ્માત (Accident) સર્જ્યો હતો. પાર્ક કરેલી કારમાં કોઈ બેઠું ન હોવાથી જાનહાનિ થઈ નથી.
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરી માર્ગ પર વાહનોનું ખૂબ મોટા પ્રમાણમાં ભારણ રહે છે. ત્યારે સુરતના ટ્રકમાલિકની ટ્રક ઝઘડિયા નજીકના ગુમાનદેવ પાસે બ્રેકડાઉન થઈ હતી. જેથી ટ્રકમાલિક પોતાની કાર લઈ ટ્રક રિપેર કરાવવા આવ્યો હતો. બ્રેકડાઉન થયેલી ટ્રક પાસે ટ્રકમાલિકે તેની કાર પાર્ક કરી હતી. દરમિયાન એક ટ્રકચાલકે ગફલતભરી રીતે તેની ટ્રક હંકારી લાવી પાર્ક કરેલી કાર સાથે ધડાકાભેર અથાડી દેતાં અકસ્માત થયો હતો. આ બનાવમાં કારનો આગળ પાછળ બંનેથી કચ્ચરઘાણ વળી ગયો હતો. જેના પગલે કારમાલિકને મોટું નુકસાન થયું હતું. જો કે, કારમાં કોઈ બેસેલું ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત બાબતે કોઈ ફરિયાદ ઝઘડિયા પોલીસમથકમાં અત્યાર સુધી નોંધાઈ નથી.
આસરમા નજીક ટેમ્પોચાલકે બાઈકને અડફેટે લેતાં દંપતી અને બે બાળક ઘાયલ
વાંકલ: માંગરોળના આસરમા ગામ નજીક કીમ ખાડીના ટર્નિંગ પાસે ટેમ્પોચાલકે બાઈકચાલકને અડફેટે લેતાં પતિ-પત્ની અને બે પુત્ર ઈજાગ્રસ્ત થતાં તમામને અંકલેશ્વર ખાતે સારવાર માટે લઈ જવાયા છે. જ્યારે લોકોએ અકસ્માત કરનાર ટેમ્પોચાલકનો પીછો કરતાં સીમોદરા ગામ નજીક ટેમ્પો બિનવારસી મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો.
મૂળ ભાવનગરના તળાજાના ત્રાપજ ગામના રાજુ મફા સોલંકી કેરીના સિઝનલ ધંધા માટે કનવાડા ગામે કેરીની વાડી રાખી વેપાર કરે છે. તેમની સાથે તેમનાં માતા-પિતા અને નાનો ભાઈ આ કામમાં સહયોગ આપે છે. રાજુ સોલંકી કનવાડા ગામેથી પોતાની બાઈક પર પત્ની અને બે પુત્ર સાથે સાંજે કોઠવા ગામે દરગાહનાં દર્શન કરવા નીકળ્યા હતા. એ સમયે આસરમા ગામ નજીક કીમ ખાડીના ટર્નિંગ પાસે ટેમ્પો નં.(GJ 19 X 8045)ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી બાઈકચાલકને અડફેટે લીધો હતો. ત્યારે બાઇક પર સવાર રાજુભાઈ તેમજ તેમની પત્ની રેખાબેન બંનેને ઈજા થઈ હતી. સાથે બે નાનાં બાળકો રાહુલ અને રોનક બંનેને ઇજા થઇ હતી. આ સમયે સ્થાનિક લોકોએ અકસ્માત કરનાર ટેમ્પોચાલકનો પીછો કર્યો હતો. ત્યારે ટેમ્પોચાલક આસરમા ગામ નજીક પોતાનો ટેમ્પો બિનવારસી મૂકી ખેતરાડી રસ્તે ભાગી છૂટ્યો હતો. સ્થાનિક લોકોએ 108ને બોલાવી ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની એક હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. રેખાબેન તેમજ રાહુલને પગે ફેક્ચર થયું છે. આ ગુના સંદર્ભમાં પરિવારના સભ્ય અજય મફા સોલંકીએ માંગરોળ પોલીસમથકમાં ટેમ્પોચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.