સુરત: પશ્ચિમ રેલવે (Railway) વિભાગેમાં આરપીએફે (RPF) વર્ષ 2022માં સરાહનીય કામગીરી કરી હતી. આરપીએફે 46 લોકોનો જીવ બચાવ્યો અને 649 કિશોર અને 325 કિશોરીઓને બચાવીને પરિવાર (Family) અને સંસ્થાઓને સોંપ્યા છે.
પશ્ચિમ રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં ઓપરેશન જીવનરક્ષા અંતર્ગત 24 પુરુષ અને 22 મહિલાઓ મળીને કુલ 46 લોકોનો જીવ બચાવ્યો હતો.
ઓપરેશન ‘નન્હે ફરીશ્તે’ અંતર્ગત 649 કિશોર અને 325 કિશોરીઓને બચાવીને પરિવાર અને સંસ્થાઓને સોંપ્યા હતા. ઓપરેશન ‘અમાનત’ અંતર્ગત 5.34 કરોડ રૂપિયાનો સામાન તેમના માલિકોને પરત કર્યો હતો. રેલવેની મિલકતો ઉપર કબજાના કેસોના 409 કેસમાં તપાસ કરીને 1088 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને 53.30 લાખ રૂપિયાની મિલકત કબજે કરી હતી. ઉપરાંત આરપીએફે રેલવે એક્ટ હેઠળ 1.69 લાખ કેસ દાખલ કરીને 4.54 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
મિશન યાત્રી સુરક્ષા અંતર્ગત પ્રવાસીઓની સુરક્ષા માટે અસામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પણ આરપીએફ અગ્રેસર રહ્યું હતું. 2022માં આરપીએફે 553 અસામાજીક તત્વોની અટકાયત કરી હતી. મહિલા ડબ્બામાં ગેરકાયદેસર પ્રવાસ કરનારાઓ પાસેથી દંડ પેટે 40 લાખ રૂપિયા વસૂલ્યા હતા. ટ્રેનોમાં એકલી પ્રવાસ કરતી મહિલાઓની સુરક્ષા માટે આરપીએફ દ્વારા 20 સિલેક્ટેડ ટ્રેનોમાં ‘મેરી સહેલી’ ટીમોને નિયુક્તી કરી છે. મુખ્ય રેલવે સ્ટેશનો પર મેરી સહેલી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. રાજકોટમાં તો ગેરકાયદેસર સોફ્ટવેરથી બનાવેયાલા 29 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઇ ટીકીટ કબજે કર્યા હતા. ઓપરેશન સતર્ક અંતર્ગત આરપીએફે દારૂ, બોગસ ચલણી નોટ તંબાકુ, બેહિસાબી રોકડ,ચોરી વગેરેના વિરુદ્ધ કાર્યવાહી કરીને 461 તત્વોની ધરપકડ કરીને 22 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
3930 વખત ચેઇન પુલિંગ કરીને ટ્રેનોને રોકવામાં આવી
રેલવેમાં પ્રવાસ કરતા પ્રવાસીને કોઈ તકલીફ હોય ત્યારે ચેઇન પુલિંગ કરીને ટ્રેન રોકવા માટેની સુવિધા છે. પરંતુ કેટલાક તત્વો કારણ વગર ચેઇન પુલિંગ કરીને ટ્રેન રોકતા હોય છે. તેનાથી રેલવેને ખર્ચો પણ થાય અને ટ્રેનનું શિડ્યુલ્ડ પણ ખોરવાતું હોય છે જેનાથી અંતે પ્રવાસીઓ જ હેરાન થતા હોય છે. વર્ષ 2022માં પ્રવાસીઓએ કોઈ પણ કારણ વગર ગેરકાયદેસર રીતે પશ્ચિમ રેલવે ઝોન વિસ્તારમાં 3930 વખત ચેઇન પુલિંગ કરીને ટ્રેનો રોકી હતી. આરપીએફે આવા 3930 પ્રવાસીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
2022માં 55672 ફેરિયા અને વેન્ડરને ઝડપી પાડ્યા
ટ્રેનોમાં અને રેલવે સ્ટેશનો પર ગેરકાયદેસર રીતે ફરતા ફેરિયાઓ અને વેન્ડરો વિરુદ્ધ આરપીએફે ઓપરેશન દુસરા અંતર્ગત અભિયાણ ચલાવ્યું હતું. તેમાં આવા ફેરિયા અને વેન્ડરોને પકડીને તેમના વિરુદ્ધ કેસ ચલાવીને ધોરણસરની કાર્યવાહી કરવાનું હતું. વર્ષ 2022માં આરપીએફે ટ્રેનોમાં અને રેલવે સ્ટેશનો પર ગેરકાયદેસરના 55672 ફેરિયાઓને પકડીને તેમના વિરુદ્ધ કેસ ચલાવવામાં આવ્યા હતા. આવા તત્વો પાસેથી દંડ રૂપે 1.72 કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી.