SURAT

ટ્રેનમાં સુરત આવી રહેલી મહિલા સાથે કોચમાં બોલાચાલી થઈ અને યુવકોએ ચપ્પુના ઘા ઝીંકી દીધા

સુરત: (Surat) કાનપુરથી સુરત ટ્રેનમાં (Train) આવી રહેલી મહિલા સાથે કોચમાં કેટલાક યુવકોએ બોલાચાલી કરી હતી. મહિલાને ભેસ્તાન સ્ટેશન પર પતિ રિસિવ કરવા આવ્યો હતો. ત્યારે યુવકોએ ભેસ્તાન સ્ટેશન પર મહિલા અને તેના પતિને ચપ્પુના ઘા ઝીંકતા (Stabbing) બંનેને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયા હતા.

બનાવ અંગે મળતી માહિતી મુજબ ગોડાદરા ખાતે રહેતા 27 વર્ષીય ચંદ્રશેખર સીંગની પત્ની ચાંદની ઉત્તરપ્રદેશ કાનપુર ગઈ હતી. ગઈકાલે કાનપુરથી ટ્રેનમાં સુરત આવવા નીકળી હતી. ત્યારે ચાલુ ટ્રેનમાં કોટમાં સવારે યુવકો સાથે બેસવા બાબતે ઝઘડો થયો હતો. યુવકોએ ટ્રેનમાં ગાળાગાળી કરીને ટ્રેનમાંથી ફેંકી દેવાની ધમકી આપી હતી. ચાંદનીએ તેના પતિને ફોન કરીને જાણ કરી હતી. એટલે ચાંદનીને તેના પતિ આજે સવારે ભેસ્તાન સ્ટેશન પર લેવા માટે ગયા હતા. ચાંદની સાથે ટ્રેનમાં રકઝક કરનારાઓની ભેસ્તાન સ્ટેશન પર તેના પતિ સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં અજાણ્યાઓએ સ્ટેશન પર ધસી આવીને ચાંદની અને તેના પતિ તથા પતિ સાથે આવેલા સંબંધી પુનીત સીંગ (ઉ.વ.25) ઉપર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાદમાં તેમને ઇજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલમાં ખસેડાયા હતા.

ઘટના બની છતાં આરપીએફ કે જીઆરપી અજાણ
સ્ટેશન ઉપર ટપોરી તત્વોએ ત્રણ જણાને ચપ્પુના ઘા ઝીંક્યા હતા. લોકોની ભીડ એકત્ર થવાની સાથે સ્ટેશન પર જાણે અફરાતફરી સર્જાઈ હતી. ઇજાગ્રસ્તો જીવ બચાવવા આમથી તેમ ભાગતા હતા. ચન્દ્રશેખરને જમણા થાપાના ભાગે અને પુનિતને ઘુંટણના ભાગે ચપ્પુની ઇજા પહોંચી હતી. તેમ થતાં ત્યાં કોઈ આરપીએફ કે જીઆરપી પોલીસના જવાનો પહોંચ્યા નહોતા. સ્ટેશનની સુરક્ષા જાણે ભગવાન ભરોસે હોય છે.

Most Popular

To Top