SURAT

એવું તો શું થયું કે સુરત ટ્રાફિક પોલીસને ટોઈંગ કરેલા વાહનનો દંડ બાઈક ચાલકના ખાતામાં પાછો જમા કરાવવો પડ્યો

સુરત: (Surat) શહેરમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહન ટોઈંગ (Towing) કરવાની ઘટનામાં વાહન ચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે અવાર નવાર ઘર્ષણની ઘટનાઓ બનતી રહે છે. પોલીસ દ્વારા દંડ વસુલાય છે અને વાહન ટોઈંગ કરવામાં આવે છે. જેને કારણે ક્યારેક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેવામાં સુરત ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા ટોઈંગ કરેલા વાહનનો દંડ વાહન ચાલકનો પાછો આપ્યો હોવાનો દિલચસ્પ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે વાહન ચાલકના બેંક ખાતામાં દંડની રકમના 650 રૂપિયા પરત જમા કરાવવા પડ્યા હતા. એક જાગૃત નાગરિકની જાગરૂકતા અને મહેનત તથા દૃઢ સંકલ્પને કારણે આખરે એક મહિના પછી પણ પોલીસે દંડની (Fine) રકમ પરત કરવી પડી હતી.

ઘટનાની વિગત એવી છે કે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નવસારીના એક વ્યક્તિ ની બાઈક ગત વર્ષ 2 ફેબ્રુઆરી 2021ના રોજ ભાગલ વિસ્તારમાંથી નો પાર્કિંગ ઝોન માંથી ટોઇંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ બાઈક ચાલકે પટેલવાડી ગોડાઉનમાંથી 650 રૂપિયા માંડવાળ ફી ભરી બાઈક છોડાવી હતી. ત્યારબાદ બાઈક ચાલકે 3 ફેબ્રુઆરી 2021ના રોજ એક RTI કરીને પોતાની બાઈકનો પાર્કિંગ માં હતી કે નહીં તેના CCTV ફૂટેજ અને ફોટોગ્રાફની માંગણી કરી હતી. ટ્રાફિક શાખાના જાહેર માહિતી અધિકારીએ 3 વાગ્યા સુધી નું જ cctv ફૂટેજ યુવકને આપેલ હતું. પરંતુ અરજદારની બાઈક 4:30 વાગ્યે ટોઇંગ કરેલ હતી. તેથી અરજદારે પ્રથમ અપીલ અધિકારી એવા નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિકને અપીલ કરીને ખૂટતી માહિતી માંગી હતી.

તા 20-04-2021 ના રોજ અપીલ અધિકારી એ 02-02-2021 નું બપોરે 3 થી 5 નું cctv રેકોર્ડિંગ અને અરજદારની બાઈક નો પાર્કિંગ માં હતી તેના ફોટો આપવા હુકમ કરેલ હતો. તા 1-7-21 ના રોજ જાહેર માહિતી અધિકારીએ 3 થી 5 નું રેકોર્ડિંગ ટેકનીકલ કારણોસર રેકોર્ડ થયેલ નથી અને મજુર નો મોબાઈલ પડી ગયેલ હોવાથી ટોઈંગ વખતનો ફોટો પણ મળી શકે તેમ નથી એવો જવાબ આપ્યો હતો.

પ્રથમ અપીલ પછી પણ કોઈ માહિતી નહિ મળતા અરજદારે માહિતી આયોગમાં બીજી અપીલ કરી હતી. અરજદાર દ્વારા આયોગમાં અપીલ કરતા જ જાહેર માહિતી અધિકારી, ટ્રાફિક શાખા દ્વારા યુવક પાસેથી વસુલ કરવામાં આવેલ 650/- રૂપિય પરત આપવાની મંજૂરી માંગવામાં આવી હતી. ગુજરાત માહિતી આયોગ દ્વારા પોતાના ચુકાદા માં બપોરના 3 થી 5 નું CCTV રેકોર્ડિંગ થયેલ ન હોવાના અને મજુર નો મોબાઈલ પડી ગયેલ હોવાના કારણો સહિતની માહિતી અરજદારને સોગંદનામાં માં રજૂ કરવા જણાવતા ટ્રાફિક પોલીસ ખાતાની ઉંઘ ઉડી ગઇ હતી.

જેના પરિણામ સ્વરૂપ આયોગમાં સોગંદનામું કરવાની જગ્યાએ ટ્રાફિક પોલીસ દ્વારા અરજદાર પાસેથી વસુલવામાં આવેલ 650/- રૂપિયા તા 11-02-2022 ના રોજ પરત કરવામાં આવ્યા હતા. સુરત ટ્રાફિક પોલિસના ટોઇંગ ક્રેન સંચાલક દ્વારા ટ્રાફિક પોલીસના DCP ના હુકમ થી અરજદાર ને તેના ખાતા માં 650 રૂપિયા પરત આપવામાં આવ્યા હતા. આ ઘટના હવે ટોક ઓફ ધી ટાઉન બની રહી છે.

વીડિયો અને ફોટોગ્રાફીની માંગણી કરી શકાય છે
જણાવા દઈએ કે પોતાનું વાહન ખરેખર નો પાર્કિંગ ઝોનમાં પાર્ક હતું કે નહીં તે જાણવા માટે વાહન ચાલકોને પોલીસ પાસેથી વીડિયો કે ફોટોગ્રાફી મેળવવાનો અધિકાર છે. નો પાર્કિંગમાંથી જે કોઈ વાહનો ઉઠાવાના હોય નિયમ મુજબ સૌ પ્રથમ ટ્રાફિક પોલીસના ક્રેન સંચાલક દ્વારા આ વાહનોની વીડીયોગ્રાફી કરવાની હોય છે. એટલે કોઈ પણ વાહન માલિકને નો પાર્કિંગ અંગે અથવા વાહનમાં થયેલ નુકશાન અંગે કોઈ પણ ફરિયાદ હોય તો આ વિડીઓમાંથી ખાતરી કરી શકાય છે. જે વ્યક્તિનું વાહન ટોઈંગ થયું હોય તે પોલીસ પાસે વીડિયો ફૂટેજ અથવા સ્થળના ફોટોની માંગણી કરી શકે છે.

Most Popular

To Top