સુરત: (Surat) ખટોદરા ખાતે રહેતા ફર્નિચરના વેપારીને (Trader) ગઈકાલે ધોળે દિવસે સોસિયો સર્કલ પાસે અજાણ્યાએ ચપ્પુની અણીએ 50 હજારની લૂંટ કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સોસિયો સર્કલ નજીક ફર્નિચરના વેપારી પાસેથી ચપ્પુની અણીએ 50 હજારની લૂંટ (Loot) ચલાવી અજાણ્યો ફરાર થઈ ગયો હતો.
ખટોદરા અંબાનગર પાસે વકીલ શેરીમાં રહેતો 36 વર્ષીય પાંચારામ નાગારામ સુથાર વિશ્વકર્મા એલ્યુમિનિયમ એન્ડ ગ્લાસ નામથી ફર્નિચરનું કામ કરે છે. શનિવારે બપોરે વરાછા માતાવાડી ખાતે ફર્નિચરનું કામ ચાલતું હતું. તેનું 50 હજાર રૂપિયા પેમેન્ટ લઈને ખટોદરા સોસિયો સર્કલ બીઓબી બેંકની બાજુમાં ગ્રાફ સેફ એલ્યુમિનિયમની દુકાન સામે બાઈક પાર્ક કરતો હતો. ત્યારે 20 થી 22 વર્ષનો અજાણ્યાએ આવીને પાંચારામને ચપ્પુ બતાવ્યું હતું. અને ‘તારી પાસે જે પૈસા છે તે આપી દે’ તેમ કહ્યું હતું. જેથી ગભરાઈને પાંચારામે 50 હજાર રોકડા તેને આપી દેતા અજાણ્યો પાંડેસરા કોમલ સર્કલ તરફ ભાગી ગયો હતો. બનાવ બાદ પાંચારામ ખટોદરા પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે બનાવ આંગે માહિતી મેળવી ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ અજાણ્યાએ પાંચારામના ખિસ્સામાં રૂપિયાનું બંડલ જોતા તેણે લૂંટ કરી હોય તેમ લાગે છે. જોકે આ અંગે વધારે માહિતી આરોપી પકડાયા પછી જાણી શકાશે.
ડિંડોલીમાં કેન્સરની બિમારીથી કંટાળી યુવકે ટ્રેન નીચે પડતું મુક્યું
સુરત : ડિંડોલી ખાતે સાંઈબાબા નગરમાં રહેતા 38 વર્ષીય શંકર દુર્ગમાધવ પાનીગ્રાહીએ ગઈકાલે રાત્રે ભેસ્તાન ઉધના રેલવે ફાટક પર તેજશ એક્સપ્રેસ નીચે મડતું મુકી આપઘાત કર્યો હતો. બનાવને પગલે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન યુવકે કેન્સરની બિમારીથી કંટાળી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં તે લૂમ્સ ખાતામાં કામ કરતો હતો. અને તેને સંતાનમાં એક પુત્રી છે. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.