સુરત: (Surat) કોરોનાકાળમાં વેપાર ગુમાવનારા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના 4000થી વધુ ટૂર ઓપરેટર્સ (Tours Operators) સરકારની ટ્રાવેલ્સ એજન્ટ મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમની પોર્ટલ પર રજિસ્ટર્ડ નહીં હોય તેઓ કેન્દ્ર સરકારના (Government) રાહત પેકેજનો લાભ ઉઠાવી નહીં શકે તેવી સંજોગો ઊભા થયા છે. જેના પગલે ટૂર્સ ઓપરેટર્સમાં નારાજગી જોવા મળી રહી છે.
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને લીધે તમામ વેપાર ઉદ્યોગની અધોગતિ શરૂ થઇ છે. તેમાં સૌથી મોટો ફટકો ટૂર્સ એન્ડ ટ્રાવેર્લ્સ ઇન્ડસ્ટ્રીને પડ્યો છે. લાખો લોકો બેરોજગાર થઇ થયા છે. આ તમામ અંગે દેશભરમાંથી કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખી 28મી જૂનના રોજ કેન્દ્રીય નાણામંત્રી દ્વારા નાના વેપારી, આરોગ્ય અને પ્રવાસન ક્ષેત્ર માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જેમાં નાના ઉદ્યોગો માટે ગેરેન્ટીવાળી લોન, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટને 10 લાખ સુધીની લોન આપવાની ઘોષણા કરવામાં આવી છે. જો કે, આ યોજનાનો લાભ લેવા માંગતા એજન્ટ મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમના પોર્ટલ પર રજિસ્ટર્ડ હોવા આવશ્યક છે.
ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સુરતના પ્રમુખ માલ્કમ પંડોળે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાનો લાભ ફક્ત રજિસ્ટર્ડ એજન્ટને જ મળશે. જેના પગલે મોટી સંખ્યામાં એજન્ટ લાભથી વંચિત રહી જાય તેવી સંભાવના છે. યોજનાનો લાભ લેવા માટે એવી પણ શરત છે કે ટ્રાવેલ એજન્ટે આઈઆઈટીએફસીનો કોર્સ પણ કરેલો હોવો જોઈએ. સુરતમાં 95 ટકા એજન્ટ રજિસ્ટર્ડ નથી. તેથી તેમને યોજનાનો લાભ મળે તેવી શક્યતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે ભલે એજન્ટોને લાભ આપવા માટે સ્કીમની જાહેરાત કરી છે. પરંતુ મોટી સંખ્યામાં લોકોને તેનો લાભ નહીં મળતાં તેમનામાં નારાજગી છે.