સુરતના અડાજણમાં આવેલા શ્યામ ગરબા ગ્રુપ દ્વારા આજે શનિવારની રજાના દિવસે સાપુતારાનો 4 બસનો પ્રવાસ ઉપાડવામાં આવ્યો હતો. જેમાં સાપુતારા ફર્યા બાદ પરત આવતી વખતે 4 પૈકી એક બસ રાત્રે આઠેક વાગ્યાના સુમારે સાપુતારાથી 10 કિ.મી. દૂર ખીણમાં ઉતરી જતાં મોટી દુર્ઘટના બની હતી. આશરે 50 જેટલા પ્રવાસીઓ કે જેમાં મોટાભાગની મહિલાઓ હતી તે બસ ઉંડી ખીણમાં જતી રહેવાને કારણે સમગ્ર વિસ્તાર બુમાબુમ અને ચીસોથી ગુંજી ઉઠ્યો હતો.
ઘટનાની જાણ થતાં તુરંત સ્થાનિકો તેમજ વહીવટીતંત્રએ દોડી જઈને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક શામગહાન ખાતેના આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી આહવા સિવિલ હોસ્પિ.માં લઈ જવાની તજવીજ કરવામાં આવી હતી. દુર્ઘટનામાં આશરે 4થી 5 વ્યક્તિ ગંભીર ઘવાયા હતા. જ્યારે અન્યોને સામાન્ય ઈજાઓ થઈ હતી. જે પૈકી બેથી વધુ વ્યક્તિના મોત થયાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું હતું. બસમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢીને તેમને હોસ્પિ.માં લઈ જવાની બચાવ કામગીરી મોડીરાત્રે પણ ચાલુ હોવાની વિગતો જાણવા મળી હતી.
ઘટનાની વિગતો પ્રમાણે, સુરતમાં અડાજણ ખાતે આવેલા શ્યામ ગરબા અને ડાન્સ દ્વારા આજે શનિવારે સાપુતારાનો પ્રવાસ ઉપાડવામાં આવ્યો હતો. સવારે અડાજણમાં એલપી સવાણી રોડ પર વી-3 બિલ્ડિંગ પાસેથી આ પ્રવાસ શરૂ કરાયો હતો. પ્રવાસમાં પાંચ બસમાં આ પ્રવાસ ઉપડ્યો હતો.
પ્રવાસમાં મોટાભાગની મહિલાઓ અને કેટલાક બાળકો જોડાયા હતા. જ્યારે અન્યો પુરૂષો હતા. પ્રવાસીઓ સાપુતારા ફરીને આજે રાત્રે સુરત પરત આવી રહ્યા હતા ત્યારે સાપુતારાનો ઘાટ ઉતર્યા બાદ માલેગાંવ પાસે અચાનક બસની બ્રેઈક ફેઈલ થઈ જતાં બસ 25 ફુટ ઉંડી ખીણમાં પડી હતી. પ્રવાસીઓ સમજે તે પહેલા જ બસ ખીણમાં પડી જતાં ચારે તરફ રડારોળ અને ચીસાચીસ થવા માંડી હતી. ઘટના અંગે તુરંત અડાજણમાં પરિવારજનોને અને ત્યાંથી રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીને જાણ કરવામાં આવતાં તુરંત વહીવટીતંત્રને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું હતું.
રાત્રે એક તરફ વરસાદ અને બીજી તરફ ધુમ્મસના માહોલમાં 108, ડોકટરો સહિત વહીવટીતંત્ર દ્વારા બસમાં રહેલા ઈજાગ્રસ્ત પ્રવાસીઓને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. બસમાં આશરે 55 જેટલા મુસાફરો હતા. જેમાં એકમાત્ર પુરૂષ અને બાકીની મહિલાઓ હતી. ઈજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક નજીકના શામગહાન સીએચસી ખાતે અને ત્યાંથી આહવા સિવિલ હોસ્પિ.માં ખસેડવાની તજવીજ શરૂ કરાઈ હતી. રાત્રે 1 કલાકે મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં બસના ચાલક તેમજ એક મહિલાનું મોત થવા પામ્યું છે. જ્યારે અન્ય 12 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બસમાંથી મોડી રાત્રે તમામને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી હતી.
એક તરફ વરસાદ અને ઉપરથી ધુમ્મસને કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો
બસ આશરે 25 ફુટ ઉંડી ખીણમાં ઉતરી પડી હોવાથી વહીવટીતંત્ર દ્વારા તુરંત તમામને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ ધુમ્મસ અને બીજી તરફ વરસાદ પડી રહ્યો હોવાથી બચાવ કામગીરીમાં ભારે સમસ્યાઓ ઊભી થતી હતી. જોકે, મોડી રાત્રે મળતી માહિતી પ્રમાણે બસમાંથી લગભગ તમામને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
બસમાંની 12 મહિલાઓ અડાજણની વેસ્ટર્ન હાઈટ્સ બિલ્ડિંગની રહીશ હતી
દુર્ઘટનાગ્રસ્ત બસમાં જે મહિલાઓ હતી તે પૈકી 12 મહિલાઓ અડાજણની વેસ્ટર્ન હાઈટ્સ બિલ્ડિંગની હતી. જોકે, મહિલાઓના નામો જાણવા મળ્યા નહોતા.
શામગહાન સીએચસી પર તબીબી સાધનો ખૂટી પડ્યા
એકસાથે 50 જેટલા ઈજાગ્રસ્તો લાવવામાં આવવાને કારણે શામગહાન સીએચસી ખાતે તબીબી સાધનો તેમજ ડોકટરો ખૂટી પડ્યા હતા. ચારથી પાંચ જેટલા ગંભીર ઈજાગ્રસ્તોની સાથે અન્યોને પણ સામાન્ય ઈજાઓ થવા પામી હતી. ઈજાગ્રસ્તોને પ્રથમ શામગહાન સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, એક તરફ અંધારૂં અને બીજી તરફ રોક્કળને પગલે ઈજાગ્રસ્તોના નામ લખવા જેટલી સ્થિતિ સ્થાનિક સ્ટાફની રહી નહોતી.
સાપુતારાની ઘટનામાં વિગતો
ઘટના અંગે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આઠેક વાગ્યે આ ઘટના બની હતી. જેમાં અડાજણના ભાજપના વોર્ડ પ્રમુખ જીતેશ મહેતા દ્વારા તેમને ઘટનાની તુરંત જાણ કરવામાં આવી હતી. જેને પગલે તુરંત મેં વઘઈ ગ્રુપના નામથી અમારા કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં માલેગાંવ પાસે સુરતની બસ ખીણમાં જતી રહી હોવાનો વોઈસ મેસેજ મુક્યો હતો. જેને પગલે તુરંત કાર્યકરો, સ્થાનિક લોકો, પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સાથે સાથે 108, શામગહાન ખાતેની હોસ્પિ.નો સ્ટાફ, ડાંગ કલેકટર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહતની કામગીરી શરૂ કરી હતી. આશરે પાંચેક લોકો ગંભીર રીતે ઘવાયા હોવાની માહિતી મળી હતી. મોડેથી એકનું મોત પણ થયું હતું. રાહતની કામગીરી રાત્રિના સમયે ચાલુ કરી દેવામાં આવી હતી