સુરત: (Surat) સિટીલાઈટ ખાતે મહાવીરનગરમાં રહેતી 65 વર્ષીય વૃદ્ધા સહિત 41 લોકો પાસેથી હરિદ્વાર, ઋષિકેશ, દિલ્હી, આગ્રા તથા મથુરા પ્રવાસના (Tour) નામે 1.23 લાખ પડાવનાર અશોક લુણાગરીયા સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ત્રીજા પોલીસ મથકમાં અશોક લુણાગરીયા સામે ફરિયાદ નોંધાઇ છે. ઉદ્યોગપતિઓ દાન આપી રહ્યા હોવાનુ જણાવીને આખા ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્રમાંથી (Maharashtra) અશોક પાસે બુકીંગ (Booking) નોંધાયુ હોવાની વિગત જાણવા મળી છે.
- હરિદ્વાર, ઋષિકેશ, દિલ્હી, આગ્રા પ્રવાસના નામે 41 લોકો પાસેથી અશોક લુણાગરીયાએ 1.23 લાખ પડાવ્યા
- શહેરના ત્રીજા પોલીસ મથકમાં અશોક લુણાગરીયા સામે ફરિયાદ નોંધાઇ
- લોકોના પૈસા લઈને મોબાઈલ બંધ કરી છૂ થઈ જનાર ગઠિયા સામે સિટીલાઈટ મહાવીરનગરની વૃદ્ધાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
અલથાણ ગાયત્રી મંદિર પાસે મહાવીર નગરમાં રહેતી 65 વર્ષીય ભારતીબેન પ્રવિણચંદ્ર જરીવાલાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પુત્ર મનિષને ત્રણેક મહિના પહેલા અજય ઉર્ફે અશોક લુણાગરીયા મળ્યો હતો જે હરિદ્વાર, ઋષિકેશ, દિલ્હી, આગ્રા તથા મથુરાના 6 દિવસ અને 7 રાતનો પ્રવાસ વ્યક્તિ દીઠ 3 હજારમાં કરાવે છે. જેથી આ અંગે સગાસંબંધીઓમાં તથા આસપાસમાં પ્રવાસ અંગે માહિતી આપી હતી. પ્રવાસ માટે સૌ તૈયાર થતા અશોકે તેમની સોસાયટીમાં આવીને પ્રવાસ અંગે વિગતે માહિતી આપવા માટે 23મી નવેમ્બરે આવશે તેવું કહ્યું હતું.
આથી તા. 23મી પ્રવાસ જવા ઈચ્છુક 41 લોકો હાજર રહ્યાં હતા અને તમામની હાજરીમાં અશોકે પ્રવાસની માહિતી આપી હતી અને જો પ્રવાસ કેન્સલ થાય તો આ રકમ પરત આપી દેશે તેમ કહ્યું હતું. જેથી 41 લોકોએ 21 હજાર યુપીઆઈથી અને બીજા 1.02 લાખ મળી કુલ 1.23 લાખ આપ્યા હતા. 26 ફેબ્રુઆરી 2023ના પ્રવાસની તમામ ટિકિટ તા. 1 થી 10મી ફેબ્રુઆરી સુધીમાં ઘરે આવીને આપી જશે તેવું અળોક લુણાગરીયાએ કહ્યું હતું. બાદમાં અશોકે તેનો મોબાઈલ બંધ કરી દીધો હતો. જેથી અન્યત્ર તેના વિશે પૂછપરછ કરાવતાં માલૂમ પડ્યું કે અશોક પ્રવાસના નામે પૈસા લઈને છેતરપિંડી કરે છે.
આ મુજબની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં અશોક લુણાગરીયા સામે નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.