SURAT

સુરત-દુબઈ ફ્લાઈટની ટિકીટ સસ્તી થઈ, જલ્દી બુકિંગ કરાવી લો…

સુરત(Surat): ઇન્ડિગો એરલાઇન્સ (IndigoAirlines) 23 ફેબ્રુઆરીથી સુરત-દુબઈ-સુરત ફ્લાઇટ (SuratDubiaFlight) શરૂ કરવા જઈ રહી છે. ઇન્ડિગોએ દુબઈ-સુરત ટિકિટનું બુકિંગ માત્ર 7900 રૂપિયાથી શરૂ કરતાં ટાટા ગ્રુપના (Tata) એર ઇન્ડિયા એક્સપ્રેસે (AirIndiaExpress) સ્થિતિ પારખી જઈ 12,000થી 14,000 રૂપિયાની દુબઈ-સુરત ટિકિટનો દર 7698 કરી દઈ ઇન્ડિગો સાથે પ્રાઈસ વોરમાં ટક્કર આપવાનું નક્કી કર્યું છે. ઇન્ડિગોએ સુરતથી દુબઇની ફ્લાઇટ માટે 11517થી 11,557 રૂપિયામાં ટિકિટ બુકિંગ શરૂ કર્યું છે. જે એર ઇન્ડિયા એક્સપ્રેસની ટિકિટ કરતાં 500થી 700 રૂપિયા સસ્તી ટિકિટ છે.

  • ઇન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસ વચ્ચે સુરત-દુબઈ ફ્લાઈટને લઈ ‘પ્રાઇસ વોર’ શરૂ
  • ઇન્ડિગોએ દુબઈ-સુરત ફ્લાઇટના ભાવ 7900 જાહેર કરતાં એર ઇન્ડિયા એક્સપ્રેસે 12000 રૂપિયાની ટિકિટનો દર સીધો 7698 કરી દીધો

ઇન્ડિગોએ દુબઈથી સુરત માટે માત્ર 7900 રૂપિયામાં બુકિંગ શરૂ કરતાં એર ઇન્ડિયા એક્સપ્રેસ દુબઈથી સુરત ટિકિટના દર ઘટાડવાની ફરજ પડી છે. ઈન્ડિગોની 7900 રૂપિયાની ટિકિટ સામે એર ઇન્ડિયા એક્સપ્રેસે 7698 રૂપિયામાં 23 ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ કરી ઇન્ડિગોને સ્પર્ધા આપવાનું વલણ અખત્યાર કર્યું છે.

એવીએશન સેક્ટરના જાણકારો કહે છે કે, બે એરલાઇન્સની હરીફાઈનો લાભ પેસેન્જરોને મળશે. પેસેન્જરને સસ્તી ટિકિટ મળશે. સુરતથી દુબઈ વેપાર માટે અવરજવર કરતા પેસેન્જર ટિકિટ સસ્તી મળશે તો ટ્રાવેલિંગ સંખ્યા વધારશે. વર્ષ-2023માં એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી શારજાહની ફ્લાઇટને બમ્પર પ્રતિસાદ મળ્યો હતો.

ડિસેમ્બરમાં સુરતથી દુબઈ અને દુબઈથી સુરતનાં 2 ફેરા મળી 2023માં શારજાહ-દુબઇ માટે સુરતથી 56,822 પેસેન્જર મળતાં ઇન્ડિગો એરલાઇન્સ 23 ફેબ્રુઆરીથી સુરત-દુબઇ-સુરત રૂટ પર સપ્તાહમાં 3 દિવસની ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે.

23 ફેબ્રુઆરીથી વીકમાં ત્રણ દિવસ સોમવાર, ગુરુવાર અને શનિવારે સુરતથી દુબઈ જશે. સુરતથી ભારતીય સમય મુજબ રાતે 12:35 કલાકે ઉપડી 2:25 કલાકે દુબઈ પહોંચશે. દુબઈથી આ ફ્લાઇટ 17:15 કલાકે ઉપડી, સુરત રાતે 21:30 આવી પહોંચશે. ઇન્ડિગોએ આજે લોઅર રેટમાં બુકિંગ ઓપન કરતાં ટાટા ગ્રુપની એર ઇન્ડિયા એક્સપ્રેસને પણ ટિકિટનો દર બદલવો પડ્યો છે.

ભૂતકાળમાં ડોમેસ્ટિક એર ઓપરેશનમાં સુરત એરપોર્ટ પર જે રીતે ઇન્ડિગોએ સ્પાઈસ જેટને હંફાવી એર ઓપરેશન બંધ કરવા મજબૂર કર્યું હતું એવું દુબઈ-સુરતના ઇન્ટરનેશનલ રૂટ પર કરવા જતાં ટાટા ગ્રુપની એર ઇન્ડિયા એક્સપ્રેસે વળતો ઉત્તર આપ્યો છે. આખરે ટિકિટ ભાડાની આ લડાઈનો લાભ પેસેન્જરને મળશે.

Most Popular

To Top