SURAT

સુરતમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ સફળ નહીં થાય તેવા દાવા ખોટા પડ્યા, દુબઈની ફ્લાઈટને મળ્યો જોરદાર રિસ્પોન્સ

સુરત(Surat): સુરતથી ઇન્ટરનેશનલ પેસેન્જર્સ (International Passengers) નહીં મળે એવી તમામ પૂર્વાગ્રહી ધારણાઓ સુરતીઓએ ખોટી પાડી છે. 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ઇન્ડિગો સુરત – દુબઈ – સુરત ફ્લાઇટને (Surat-Dubai-Surat Flight) માત્ર ત્રણ દિવસમાં 960 પેસેન્જર સાથે બમ્પર પ્રતિસાદ મળ્યો છે.

  • ઇન્ટરનેશનલ પેસેન્જર્સ નહીં મળે એવી તમામ ધારણાઓ સુરતીઓએ ખોટી પાડી
  • સુરતમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બમ્પર પ્રતિસાદ, 11 મહિનામાં 68,122 પેસેન્જર્સ નોંધાયા
  • 11 મહિનામાં એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-શારજાહ અને સુરત-દુબઈ ફ્લાઇટને 67162 પેસેન્જર્સ
  • તો ત્રણ દિવસની ઇન્ડિગો ફલાઇટને 960 પેસેન્જર મળ્યાં

સુરતથી આ ફ્લાઇટ (Flight) પેક જઈ રહી છે અને રિટર્ન ફલાઈટને પણ 75-80% પેસેન્જર લોડ મળી રહ્યો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ (AirIndiaExpress) સુરત-શારજાહ (SuratSharjah) અને સુરત-દુબઈ ફ્લાઇટે ફેબ્રુઆરી મહિનામાં 11,396 પેસેન્જર મેળવી તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં છે. 11 મહિનામાં એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-શારજાહ અને સુરત-દુબઈ ફ્લાઇટને 67162 અને ત્રણ દિવસની ઇન્ડિગો(Indigo) ફલાઇટને 960 પેસેન્જર મળ્યાં છે.

એરપોર્ટ ઓથોરિટીનાં (Airport Authority) સૂત્રોના જણાવ્યા મુજબ નાણાંકીય વર્ષ 2023-24નાં 11 મહિનામાં સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જર્સની સંખ્યા 68122 પર પહોંચી છે. જેમાં સુરત-શારજાહની એક અને સુરત-દુબઈની બે ફલાઇટનો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 24 સુધી ઇન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યા 3,628થી વધી 11,396 પર પહોંચી છે, જે દર્શાવે છે કે, સુરતથી સિંગાપોર (Singapore) અને બેંગકોકના (Bangkok) સપ્તાહમાં ત્રણ-ચાર દિવસની ફ્લાઇટ શરૂ થાય તો એ ફલાઇટને પણ બમ્પર પ્રતિસાદ મળી શકે છે.

સુરતવાસીઓની સતત માંગણીઓ પછી એર ઇન્ડિયા એક્સપ્રેસએ સુરતના ત્યારના કસ્ટમ નોટીફાઇડ એરપોર્ટથી વર્ષ 2019માં શારજાહ-સુરત-શારજાહ ફ્લાઇટ શરૂ કરી હતી, જે કોવિડ -19 (Covid-19) દરમિયાન બંધ રહી હતી. એ પછી એર ઇન્ડિયા એક્સપ્રેસે વીકમાં 4 દિવસ સુરત – દુબઈ – સુરતની ફ્લાઇટ શરૂ કરતાં આ ફલાઇટની સફળતા જોઈ ઇન્ડિગો એરલાઇન્સે પણ 23 ફેબ્રુઆરીથી વિકમાં ત્રણ દિવસ દુબઈ – સુરત – દુબઇની ફ્લાઇટ શરૂ કરી હતી. કોઈપણ પ્રચાર પ્રસાર વિના શરૂ થયેલી આ ફલાઇટને માત્ર ત્રણ દિવસમાં 960 પેસેન્જર મળતાં આ ફલાઈટના દિવસો વધારવાની માંગ ઉઠી છે.

સુરત એરપોર્ટથી એર ઇન્ડિયા એક્સપ્રેસનો ઇન્ટરનેશનલ પેસેન્જર લોડ વધ્યો
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈ ફ્લાઈટ શરૂ થયા બાદ પેસેન્જર ટ્રાફિક વધ્યો છે. એપ્રિલ મહિનામાં ઈન્ટરનેશનલ પેસેન્જરની સંખ્યા 3,628 હતી તે મે મહિનામાં વધીને 4,694 થઈ. જુનમાં 3,971, જુલાઇમાં 4,400, ઓગસ્ટમાં 4,236, સપ્ટેમ્બરમાં 4,392, ઓક્ટોબરમાં 5,033, નવેમ્બરમાં 6,806, ડિસેમ્બરમાં 7,792, જાન્યુઆરીમાં 10,814 અને ફેબ્રુઆરીમાં 11,396 પર પહોંચી ગઈ છે. બીજી તરફ ઈન્ડિગોનો પેસેન્જર ટ્રાફિક 960 થયો છે. કુલ પેસેન્જર લોડ 68,122 પર પહોંચ્યો છે.

Most Popular

To Top