સુરત: (Surat) ઉત્તરાયણ અને તે પણ સુરતની ઉત્તરાયણ (Uttarayan) અને તેમાં પણ જો સુરતી માંજો હોય તો મજા આવી જાય. સુરતનો માંજો (Manjo) સુરતની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને ગુજરાતની સાથે વિદેશમાં પણ એટલો જ પ્રખ્યાત છે. સુરતી માંજાને પ્રખ્યાત બનાવનાર સુરતના જ કસબીઓ છે અને તેમાં પણ કેટલાક એવા છે કે જે એક સદી કરતાં પણ વધારે સમયથી માંજો ઘસવાનું કામ કરી રહ્યાા છે. તો ચાલો આ વખતે જાણીએ છેલ્લા 75 કરતાં પણ વધુ વર્ષથી માંજો ઘસવાનો ધંધો કરતાં સુરતના જાણીતા ડબગરવાડના (Dabgarvad) સુરતી માંજાના નિષ્ણાત મિસ્ત્રી પરિવારને…..
વંશવેલો
- હસમુખભાઈ ડાહ્યાાભાઈ મિસ્ત્રી
- વિનોદભાઈ હસમુખભાઈ મિસ્ત્રી
- જયેશભાઈ વિનોદભાઈ મિસ્ત્રી
- યતિશભાઈ જયેશભાઈ મિસ્ત્રી
- રાહુલ જયેશભાઈ મિસ્ત્રી
દિલ્હી-આગ્રાથી માંજો ઘસવા આવતા કારીગરોને જોઈ દાદાએ માંજો ઘસવાનું શરૂ કર્યું હતું: જયેશભાઈ મિસ્ત્રી
‘અમારા પરિવારમાં મારા દાદાએ સુરતમાં માંજો ઘસવાનું શરૂ કર્યું હતું. ત્યારે મારા દાદા હસમુખભાઇ ડાહ્યાભાઇ મિસ્ત્રી અંગ્રેજોના જમાના ડબગરવાડમાં વાજિંત્રો રિપેર કરવાનું કામ કરતાં હતા. આ સમયે દિલ્હી-આગ્રાથી માંજો ઘસવા માટે ભૈયાજી કારીગરો સુરતમાં આવતાં હતાં. ત્યારે માંજો ખુબ વેચાતો હોવાથી મારા દાદાને થયું કે મારે પણ માંજો ધસવો જોઇએ અને પછી તે વિચાર પર અમલ કરીને માંજો ઘસવાની શરૂઆત કરી. દાદાએ શરૂ કરેલા માંજા ઘસવાના ધંધામાં પરિવારના તમામ સભ્યો જોડાયા અને ધંધો ચાલી ગયો. દોરી ઘસવાનું કામ પહેલા ટાવર રોડ પાસે આવેલી અલાયાની વાડી પાસે કામકામ જ ચાલતું હતું.. આજે 75 વર્ષ પછી પણ દાદા હસમુખભાઈની ચોથી પેઢી માંજો ઘસી રહી છે. અમે હવે અમારી પેઢીને જયેશ એન્ડ કું. નામ પણ આપ્યું છે ’તેમ હસમુખભાઈના પૌત્ર જયેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું.
1955માં માત્ર 15 રૂપિયામાં ઉત્તરાયણ થઇ જતી હતી
અગાઉ કેટલી ઓછી રકમમાં માંજો ઘસાતો હતો તેનો દાખલો આપતાં જયેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મારા પિતાજી વિનોદભાઇ 1948માં જ્યારે માંજો ઘસતા હતા ત્યારે તે સમયે માત્ર ચાર આના-બારઆનાની મજૂરી લઈને માંજો ઘસી આપતા હતા. તે સમયે દોરી પણ બે રૂપિયામાં જ મળતી હતી. તે સમયે માત્ર બે કંપનીની દોરીનો જમાનો હતો. એક મરધા છાપ અને સાંકળ આઠ. 1955 પછી માંજાની કિંમતમાં વધારો થયો છતાં પણ 10-15 રૂપિયામાં દોરી ઘસાઈ જતી અને પતંગ સાથે માત્ર 15 રૂપિયામાં ઉત્તરાયણ ઉજવાઈ પણ જતી. 1982માં પણ દોરીનો ભાવ વધ્યો હતો. વર્ષો વીતતા ગયા અને દોરી તેમજ માંજો તૈયાર કરવાની મજૂરીમાં પણ વધારો થતો હતો. આજે બજારમાં નવી નવી કંપનીની દોરીઓનું આગમન થયું છે. એ.કે.56, સાંકળ આઠ, પાન્ડા ગોલ્ડ, પ્લેટિનયમ,પાન્ડા ગોલ્ડ, કાલા ચાંદ, ચોવીસ કેરેટ, સુપર સાંકળ, મહાસાંકળ, ફાલકન, ગ્રીપીલનો સમાવેશ થાય છે.
પહેલાના જમાનામાં માંજો ઘસવાની તમામ સામગ્રી ઘરમાં જ તૈયાર કરવામાં આવતી હતી
પહેલાના જમાનામાં જ્યારે મારા દાદા માંજો ઘસતા હતા ત્યારે તેનો કોઈપણ સામાન બજારમાં મળતો નહોતો. તે સમયે માંજા માટેની તમામ સામગ્રી ઘરમાં જ તૈયાર કરવામાં આવતી હતી. બે થાંભલીને 60 ફૂટના અંતરે બાંધી દેવામાં આવતી અને દોરીને ઘસવા માટે નરમ ચોખા અને હાથથી વાટીને તૈયાર કરેલો કાચનો લોટ બાંધી લુવા તૈયાર કરવામાં આવતા હતા. ઘરની મહીલાઓ ઘરમાં લોખંડની ખાંડણીમાં પોતાની આંખો બચાવીને કાચનો ભુકો કરતી હતી. જોકે, આજે માંજો તૈયાર કરવાની પદ્ધતિમાં ઘણો ફેરફાર આવી ગયો છે. આજે કાચને ઈલેકટ્રિક મોટર દ્વારા ભુકો કરવામાં આવે છે. બાદમાં લુગદ્દી તૈયારી કરીને ઈલેકટ્રિક મોટરની મદદથી જ દોરીને ઘસવામાં આવે છે. બાદમાં તેને ફીરકી પર લપેટી દેવામાં આવે છે તેમ જયેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું.
અમારો માંજો બહારના દેશોમાં પણ જાય છે: યતિશ મિસ્ત્રી
અમારો માંજો ઘસવાનો ધંધો સિઝનલ છે. ઉત્તરાયણની સિઝન સિવાયના સમયમાં અમે અન્ય બિઝનેસ કરીએ છે. આજના સમયમાં લોકો કાચની દોરીને બદલે સાદો અને લીસો માંજાની ડિમાન્ડ વધારે કરે છે. હાલમાં ઉત્તરાયણમાં ‘પક્ષી બચાવો’ અભિયાનને કારણે પણ અમારા ધંધાને અસર થઈ છે પરંતુ માંજો પ્રખ્યાત હોવાથી આખા ગુજરાતમાંથી તો લોકો આવે જ છે પરંતુ સાથે સાથે મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પણ લોકો માંજો લેવા આવે છે. આટલું જ નહીં પરંતુ સુરતીઓમાં જેના સંબંધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, લંડન તેમજ અમેરિકામાં રહે છે ત્યાં પણ અમારો માંજો મંગાવવામાં અને મોકલવામાં આવે છે. હું અને મારો ભાઈ રાહુલ, અમે બંને અમારો આ વડવાઓનો માંજો ઘસવાનો ધંધો ચાલુ જ રાખીશું તેમ જયેશભાઈ મિસ્ત્રીના પુત્ર યતિશે જણાવ્યું હતું.