સુરત : ઘોડદોડ રોડ પર દિવાળીની (Diwali) ખરીદી કરવા આવેલા ત્રણ મિત્રો અઠવાલાઈન્સ ખાતે પ્રકાશ સોસાયટીના બંધ બંગલામાં ચોરી (Stealing) કરવા ગયા હતા. જ્યાં એક વ્યક્તિ ટોયલેટમાં (Toilet) ગયો ત્યારે બંગલાનો માળી પહોંચી જતા બહાર ઉભા બે જણા ભાગી ગયા હતા. અને એક જણ પકડાઈ જતા ઉમરા પોલીસે (Police) ચોરીના પ્રયાસનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી હતી.
સીટી લાઈટ ખાતે મેઘશરમન ટાવરમાં રહેતા 58 વર્ષીય આદિશ્વર બ્રિજભુષણ કપ્લાશે ઉમરા પોલીસ સ્ટેશનમાં દીપકકુમાર ભાનુ બીંદ (ઉ.વ.આ-૨૨ રહે-ઉમીયાનગર-૧, પાંડેસરા બમરોલી રોડ) તથા અન્ય બે અજાણ્યાઓ સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આદિશ્વર ઉધના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીયલ ખાતે સીમટેક્ષના નામે પેપરનો વેપાર કરે છે. અઠવાલાઈન્સ ખાતે પ્રકાશ સોસાયટીમાં તેમનો એક બંગલો છે. આ બંગલામાં તેમના માતા-પિતા રહે છે. 17 ઓક્ટોબરે તેમના પિતાનું આવસાન થતા માતા તેમની સાથે રહે છે. અને બંગલો ખાલી પડી રહ્યો છે. જોકે બંગલામાં બે દિવસે માળી અને સફાઈ કામદારો આવે છે.
ગઈકાલે સવારે બંગલામાં માળી આવતા કંપાઉન્ડમાં બાથરૂમનો દરવાજો અંદરથી બંધ હતો. અને અંદર પાણીનો નળ ચાલું હતો. આ અંગે ફોન કરીને આદિશ્વરભાઈને જાણ કરતા તેઓ બંગલે પહોંચી ગયા હતા. ત્યાં જઈને ઉમરા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આવીને બાથરૂમનો દરવાજો ખોલતા અંદરથી એક વ્યક્તિ મળી આવ્યો હતો. પોલીસે તેનું નામ પુછતા પોતાનું નામ દિપકકુમાર ભાનુ બીંદ હોવાનું જણાવ્યું હતું. અને તે પોતાના મિત્રો વિક્કી અને વિશાલ (બંને રહે, ગણપતનગર, પાંડેસરા) ચોરી કરવાના ઇરાદે બંગલામાં આવ્યા હતા. બંગલામાં આવ્યા ત્યારે દિપકને પેટમાં ગરબડ જણાતા તે સંડાસમાં ગયો હતો. અને એટલી વારમાં ત્યાં માળી આવી જતા બહાર ઉભેલા બંને મિત્રો ભાગી ગયા હતા. અને દિપક અંદર જ પુરાઈ રહ્યો હતો. અને પછી પોલીસને બોલાવતા પકડાઈ ગયો હતો. દિપક ત્યાં આસપાસમાં કોઈ બંગલામાં કલરકામ કરતો હતો. તેના બંને મિત્રો દિવાળીની ખરીદી કરવા ઘોડદોડ રોડ પર આવ્યા હતા. ત્યારે તેમને આ બંધ બંગલામાં ચોરી કરવાના ઇરાદે ઘુસ્યા હતા.