સુરત (Surat): સુરતના પરવત પાટીયા દયાળજી પાર્ક સોસાયટીમાં રહેતા અને ઘરમાં જ સોનીકામ કરતા સોનીના ઘરમાંથી તેના દુરના સંબંધમાં થતા કારીગરે અઠવાડીયામાં જ જડાઈ કરવા માટે આપેલા રૂપિયા 6 લાખની કિંમતનો સોનાના હારના સેટના પટ્ટા ચોરી (Gold Neckless Theft) કરી રફુચક્કર થઈ ગયો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પુણા પરવત પાટીયા દયાળજી પાર્ક સોસાયટીમાં રહેતા મોહીતકુમાર લાલચંદ સોની (ઉ.વ.29) મકાનના પાછળના ભાગમાં સોનીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મોહીતકુમાર સોનીઓ પાસેથી સોનાના ઘરેણા લાવી તેઓના ઓર્ડર મુજબ સોના ઉપર જડાઈનું કામ કરી આપે છે.
મહીતકુમારને ગઈ તા 4 ઓક્ટોબરના રોજ તેના વતનના બાજુના ગામના દુરના સંબંધી હરી ઉર્ફે હિતેષ ઉર્ફે લાલા ભીકમચંદ સોની એ ફોન કરી પોતે હૈદરાબાદમાં કામ કરતો હતો ત્યાં મને પરવડતુ નથી અને મારે કામની જરૂર છે હોવાનું કહેતા મોહિતકુમારે તેને સુરત બોલાવી બીજા દિવસે જ જડાઈનું કામ કરવા માટે કારીગર તરીકે રાખ્યો હતો. ઘરે જ રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. દરમ્યાન 12મી ઓક્ટોબરના રોજ હરી ઉર્ફે હિતેષએ જડાઈ કરવા માટે આપેલ રૂપિયા 6 લાખની કિંમતનો સોનાના હારના સેટ પટ્ટા લઈને નાસી ગયો હતો. હરીનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો હરી સોનાના હારના સેટ પટ્ટા ચોરી કરી નાસી ગયો હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અડાજણના કાપડના વેપારીને ત્યાં દાગીના ચોરાયા
અડાજણ ખાતે સાંઈ રચના રો હાઉસમાં રહેતા 36 વર્ષીય પ્રકાશ હિંમતભાઈ વિઠ્ઠલાણી મૂળ અમરેલી લીલીયાના વતની છે. તેઓ રિંગ રોડ મહાવીર માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. તેમની માતાની વીરપુર ખાતે જવાની માનતા હતા. જેથી 25 તારીખે વહેલી સવારે તેઓ માતા-પિતા અને પત્ની સહિત પરિવાર સાથે વીરપુર ગયા હતા.
27 તારીખે સવારે કોડીનારમાં હતા ત્યારે તેમના મકાનની ઉપર રહેતા ચંપકભાઈએ પ્રકાશભાઈની પત્નીને ફોન કરીને તેમના ઘરના દરવાજાના નકુચા તુટેલી હાલતમાં તથા ઘરની લાઈટ ચાલુ હોવાનું કહ્યું હતું. જેથી પ્રકાશભાઈએ તેમની બહેન અને બનેવીને જાણ કરતા તેઓ ઘરે પહોંચી ગયા હતા. ઘરે આવીને જોતા નકુચો તુટેલો હતો. અને કબાટના દરવાજા પણ તુટેલા હતા. જેથી રાત્રે પ્રકાશભાઈ પરિવાર સાથે ઘરે આવી પહોંચ્યા હતા. તેમને આવીને જોતા ઘરમાંથી સોનાની બંગજી, લંગડી, વીટી અને મંગળસૂત્ર મળી સોનાના 1.62 લાખના દાગીના ચોરી થયા હતા. અડાજણ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.