સુરત: સુરત (Surat) મનપાના (SMC) ખુલ્લા પ્લોટ 6થી 11 માસની મુદતમાં આવક (Income) થાય તેવા હેતુથી વિવિધ ઉપયોગ માટે ભાડે (Rent) આપવામાં આવે છે. ત્યારે રાંદેર ઝોનમાં એલ.પી.સવાણી રોડ પર પ્રાઈમ લોકેશન પર ભાજપનાં (BJP) મહિલા કોર્પોરેટરે ભાજપના વોર્ડ હોદ્દેદારને ફૂડ કોર્ટ (Food Court) માટે અપાવેલી મોકાની જગ્યાના પ્લોટ બાબતે જે-તે વખતે વિવાદ થયો હતો.
ફૂડ કોર્ટ શરૂ થાય એ પહેલાં જ સ્થાનિકોનો ભારે વિરોધ હોવાના કારણે ફૂડ કોર્ટ વિવાદમાં આવ્યું હતું. હાલમાં પાલિકાએ આપેલા ફૂડ કોર્ટના ત્રણ મહિનાના ભાડા પેટે 11.70 લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થતાં મનપાએ નોટિસ આપી ફૂડ કોર્ટ સીલ કરી દીધું છે અને ચેક રિટર્ન થવા બદલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
આ સાથે પાલિકાએ નોટિસ પણ લગાવી દીધી છે કે આ પ્લોટ પાલિકનો રિઝર્વેશન પ્લોટ છે. તેના પર કોઈપણ વ્યક્તિએ પાલિકાની પરવાનગી વિના પ્રવેશ કરવો નહીં. જો પ્રવેશ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સોસાયટીને ન્યૂસન્સ થતું હોવાથી આ ફૂડ કોર્ટ મુદ્દે કોર્ટ કેસ પણ થયો છે
બે વર્ષ અગાઉ ટી.પી.૩૧ (અડાજણ), એફ.પી.૧૯૮વાળા સુરત મહાનગરપાલિકાનો પ્લોટ ભાજપના વોર્ડ હોદ્દેદારને ફૂડ કોર્ટ માટે ફાળવાયો અને ત્યાં લા-મેલા ફૂડ કોર્ટનું આયોજન થયું. જેથી આજુબાજુની સોસાયટીઓનો ખૂબ વિરોધ હતો. છતાં પણ મનપા દ્વારા કોઇ પ્રત્યુત્તર નહીં અપાતાં અહીંની કેપિટલ સ્ટેટસ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા વર્ષ-2021માં સુરત મહાનગરપાલિકા વિરુદ્ધ એડ્વોકેટ ચિરાગ ગગલાની મારફત ફૂડ કોર્ટ અંગે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જે કેસ હજુ ચાલી રહ્યો છે. કોર્ટ કેસ થયો હોવાથી સ્થાયી સમિતિ દ્વારા આ પ્લોટને રિન્યુ કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે, રાજકીય વગ હોવાથી અહીં ફૂડ કોર્ટ ચાલુ રહ્યું હતું. આખરે ભાડું નહીં ભરાતાં હવે સીલ કરવાની નોબત આવી છે.