સુરત : રેલવે પોલીસની હત્યામાં આજીવન કેદની સજા કાપતા એક ચીકલીગરે પેરોલ જંપ કરીને નવ વર્ષથી ફરાર હતો. સરદારજીમાંથી સામાન્ય માણસ તરીકે વેશ બદલીને ફરતો આ આરોપી સુરતમાં આવતાં જ ઉધના પોલીસે પકડી પાડ્યો હતો. ઉધના પોલીસે તેની વધુ પુછપરછ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સને-2006માં સુરત રેલવે પોલીસની હદમાં ચોરીનો પ્રયાસ થયો હતો. આ ચોરી મુળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને સુરતમાં ઉન પાટીયા પાસે ભીંડીબજારના વેસમા નગરમાં રહેતા અર્જુનસીંગ ઉર્ફે સન્ની નવલસીંગ બાવરી અને તેનો મિત્ર કરવા માટે ગયા હતા. જો કે, ત્યાં રેલવે પોલીસે આ બંનેને પકડી પાડ્યા ત્યારે અર્જુનસીંગએ તલવાર વડે હુમલો કરી દીધો હતો. જેમાં એક રેલવે પોલીસકર્મીની હત્યા થઇ ગઇ હતી. હત્યાના આ કેસમાં અર્જુનસીંગને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
સજા બાદ સને-2011માં અર્જુનસીંગએ 14 દિવસની પેરોલ લઇને જેલની બહાર આવ્યો હતો. ત્યારબાદ તે જેલમાં હાજર થયો ન હતો અને પોતાના વતનમાં ભાગી ગયો હતો. પોલીસે અર્જુનસીંગને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી તરફ નવ વર્ષથી ફરાર અર્જુનસીંગ પોતાના વતનમાં વેશ બદલીને રહેતો હતો. અર્જુનસીંગ સુરતમાં આવ્યો તે અંગે ઉધના પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રદિપ જગદંબાપ્રસાદને માહિતી મળી હતી જેના આધારે પોલીસની એક ટીમે વોચ ગોઠવીને તેને ઉન પાટીયા પાસેથી પકડી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.
આરોપી અર્જુનસીંગ હત્યા પહેલા પાઘડી પહેરતો હતો અને હવે ખુલ્લાવાળમાં ફરતો હતો
પ્રાપ્ત માહિતી મુજબ અર્જુનસીંગએ રેલવે પોલીસ કર્મીની હત્યા કરતા પહેલા પાઘડી પહેરતો હતો અને સરદારજીના વેશમાં રહેતો હતો. જો કે, હત્યા બાદ તેને સજા થઇ અને તે પેરોલ ઉપર બહાર આવ્યો ત્યારબાદ તેને વેશ બદલી નાંખ્યો હતો. સામાન્ય માણસની જેમ લાંબા લાંબા વાળ રાખીને અર્જુનસીંગ ફરતો હતો. પરંતુ પોલીસને બાતમી મળી હતી કે, અર્જુનસીંગ હત્યાનો આરોપી છે અને તેને વેશ બદલી નાંખ્યો છે તેના આધારે પોલીસે અર્જુનસીંગને પકડી પાડ્યો હતો.