ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફાના જન્મ દિવસની ઉજવણીના અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરમાં ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. સરકાર કી આમદ મરહબાના નારા સાથે ઝાંપાબજારથી શરૂ થયેલ જુલુસ રાજમાર્ગ થઈ બડેખાં ચકલા ખ્વાજા દાના સાહેબની દરગાહ પર પહોંચ્યું હતું.

હઝરત મુહંમદ પયગંબર સાહેબનો જન્મ દિવસ એટલેકે ઇદે-મિલાદુન્નબી શુક્રવારે 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો. જેના ઉપલક્ષ્યમાં મુસ્લિમ સમાજ દ્વારા રવિવારે શહેરમાં ભવ્ય જુલુસનું આયોજન કરાયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી જુલુસના સ્વરૂપમાં નિકળી મુસ્લિમ ભાઈઓએ પયગંબર સાહેબ દ્વારા સમગ્ર માનવજાત માટે આપવામાં આવેલ શાંતિ અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો હતો. દુરુદ શરીફ અને નાત શરીફ પઢતા લોકો આગળ વધી રહ્યા હતા. સમગ્ર રસ્તામાં બાળકોને વિવિધ ખાણીપીણીની વસ્તુઓ, આઈસ્ક્રીમ, કેક, સ્નેક્સ અને ફરસાણની લ્હાણી કરાઈ હતી.
જશને ઈદે મિલાદુન્નબી કમીટીના નેજા હેઠળ બડેખાચકલા પખાલીવાડ હઝરત ખ્વાજાદાના દરગાહ પાસેથી હજરત ગાઝી રબબાની સાહેબ તેમજ ઈદ એ મિલાદુન્નબી ના પ્રમુખ સય્યદ ખ્વાજા મોઇનુદ્દીન સાહેબની સરપરસથીમા 1500 સાલાના ઈદે મિલાદુન્નબી નુ જુલુસ ઝાંપા બજાર વિસ્તારમાંથી પરંપરાગત રીતે શરૂ કરાયું હતું. સુરત શહેર સિરાતુન્નબી કમિટીના નેજા હેઠળ ઈદે મિલાદુન્નબી જુલુસને ઝાંપાબઝાર ખાતે શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત, માજી મેયર કદિર પીરઝાદા, ધારાસભ્ય અરવિંદ રાણા, માજી કોર્પોરેટર અસદ કલ્યાણી, સિરાજ સય્યદે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતુ. ઝાંપાબજારથી ટાવર રોડ, ભાગળ થઈ રાજમાર્ગ લાલગેટ, ભાગાતળાવ થઈ કમાલ ગલીથી આ જુલુસ બડેખાં ચકલા ખ્વાજાદાના સાહબ દરગાહ પર વિરામ પામ્યું હતું. સંપુર્ણ શાંતિ, કોમી એખલાસ અને ભાઈચારાના સંદેશ વચ્ચે સમગ્ર મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદેમિલાદુન્નબીનો જશ્ન મનાવવામાં આવ્યો હતો.