SURAT

સુરત : સાંસ્ક્રુતિક સમિતિના સભ્યોની જમવાની વ્યવસ્થા ના થતાં ચેરમેન થયા નારાજ

સુરત: કમિ. સિવાયના સુરત મનપાના અધિકારીઓ ( smc officers) પાસે 15 લાખ સુધીના ખર્ચની સત્તા નહી હોવાને કારણે આજે સાંસ્કૃતિક સમિતીના ચેરમેન અને વિભાગના અધિકારીઓ વચ્ચે સમિતીના સભ્યોના જમવા મુદ્દે મોટી માથાકૂટ થઈ ગઈ હતી. સમિતીના ચેરમેન દ્વારા એવો આગ્રહ કરાયો હતો કે સભ્યોના જમવાની વ્યવસ્થા અધિકારીઓ દ્વારા કરવામાં આવે અને અધિકારીઓ દ્વારા આ મામલે ઈન્કાર કરી દેવાયો હતો. જોકે, બાદમાં કમિ.ને જાણ કરવામાં આવતાં જમવાની વ્યવસ્થા થઈ હતી પરંતુ સમિતીના ચેરમેનનો ઈગો હર્ટ થઈ જતાં આ અધિકારીની બદલી કરી દેવા માટે તેમના દ્વારા મેયર અને શાસક પક્ષના નેતાને રજૂઆત કરવામાં આવી હતી.

ઘટના એવી રીતે બની હતી કે, સુરત મનપાની સાંસ્કૃતિક સમિતિએ અઠવા ઝોનમાં ઉમરા કોમ્યુનિટી હોલ, નર્મદ લાઇબ્રેરી વગેરે સ્થળોનો રાઉન્ડ ગોઠવ્યો હતો. આથી સમિતિ ચેરમેન પૂર્ણિમા દાવલેએ સાંસ્કૃતિક સમિતિના સંબંધિત અધિકારીને તમામ સભ્યો માટે જમવાની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. પરંતુ અધિકારીએ મજબૂરી બતાવતાં કહ્યું હતું કે, અમારી પાસે ખર્ચની સત્તા નથી. અમે એક હજારથી વધુનો ખર્ચ કરી શકતા નથી. તેથી ચેરમેનનો ઇગો હટ થયો હોય તેમ ઊકળી ઊઠ્યા હતા. તેમજ આવો જવાબ કેમ આપો છો. તમને હું ધ્યાનમાં રાખીશ તેવી ચીમકી પણ આપી હતી.

જો કે, બાદમાં અધિકારીઓ દ્વારા કમિ.ને વાત કરીને જમવાની વ્યવસ્થા કરાઇ તો ત્યારે ‘આવી જગ્યાએ કેમ જમવાનું ગોઠવો છો ? અમારું કાંઇ સ્ટેટસ છે કે નહીં ? તેવો ગુસ્સો પણ અમુક સભ્યોએ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે ચેરમેને મેયર અને શાસક પક્ષ નેતાને પણ ફરિયાદ કરી દીધી છે. અને શાસક પક્ષ નેતા અમિત રાજપૂતે તો મેયરને ફોન કરીને આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરાવવા સૂચના પણ આપી દીધી હતી. જો કે, હકીકત એ છે કે મોટા ભાગે કોઇ સમિતિનો રાઉન્ડ હોય ત્યારે સંબંધિત વિભાગના ઇજારદારોને જ જમવાની વ્યવસ્થા માટે સૂચના આપી દેવાતી હોય છે. પરંતુ સાંસ્કૃતિક સમિતિમાં આવા કોઇ ઇજારદાર હોતા નથી. આથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો હોવાની પણ ટિપ્પણી ઊઠી રહી છે.


મેયર અને શાસક પક્ષ નેતાને રજૂઆત કરી છે : પૂર્ણિમા દાવલે

આ મુદ્દે સાંસ્કૃતિક સમિતિ ચેરમેન પૂર્ણિમા દાવલેએ જણાવ્યું હતું કે, અન્ય કમિટીમાં તો રાઉન્ડ વખતે જમવા વગેરેની વ્યવસ્થા થતી જ હોય છે. તો અમારી સમિતિના રાઉન્ડમાં કેમ અધિકારીએ આવો જવાબ આપ્યો ? આ મુદ્દે શાસક પક્ષ નેતા તેમજ મેયરને રજૂઆત કરી છે

Most Popular

To Top