SURAT

લગ્નની ના પાડનાર પ્રેમિકાના પરિવારને ધમકાવવા માટે પિસ્તોલ ખરીદી પ્રેમીએ કર્યું આવું કામ

સુરત: પશ્ચિમ બંગાળમાં (West Bengal) લગ્નની (Marriage) ના પાડનાર પ્રેમિકાના પરિવારને ધમકાવવા માટે પિસ્તોલ (Pistol) ખરીદ્યા બાદ ‘બિયર બાર’માંથી (Beer bar) રૂ.1.48 લાખની ચોરી (Theft) કરનાર યુવકને પુણા પોલીસે પકડી (Arrest) પાડ્યો હતો. આ યુવકે આગામી દિવસોમાં લગ્નની તૈયારી કરવા રૂપિયાની ચોરી કરી હોવાનું પણ અનુમાન લગાવાઇ રહ્યું છે.

  • રૂપિયા લગ્ન કરવા માટે કામ આવશે તેવું વિચારીને રૂપિયા ચોરી કરી સુરત આવી ગયો
  • ચોરી કરીને સુરત આવેલા પશ્ચિમ બંગાળના યુવકને પુણા પોલીસે પકડી પાડ્યો
  • સુરત પોલીસે ચોરને પશ્ચિમ બંગાળ પોલીસને સોંપવાની તજવીજ પણ કરી છે

પ્રાપ્ત વિગતો મુજબ પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેમણે કડોદરા સારોલી પાટિયા પાસેથી રજત ઉર્ફે ગોલુ ઓમપ્રકાશ અગ્વાલ (રહે.,પ્રફુલચોકી રોડ, હાવરા સ્ટેશન, પશ્ચિમ બંગાળ)ને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરી તપાસ કરતાં રજત પાસેથી રૂ.10 હજારની કિંમતની દેશી પિસ્તોલ તેમજ રૂ.1.48 લાખ રોકડા મળી આવ્યા હતા.

પોલીસની પૂછપરછમાં રજત પશ્ચિમ બંગાળમાં એક યુવતી સાથેના પ્રેમસંબંધમાં હતો અને લગ્ન કરવા માંગતો હતો. પરંતુ યુવતીનો પરિવાર માનતો ન હતો. યુવતીના પરિવારને લગ્ન માટે ધમકાવવા રજતે પિસ્તોલ ખરીદી હતી. જ્યારે રોકડ વિશે પૂછતાં રજતે કહ્યું કે, તે પશ્ચિમ બંગાળના ‘તનીષા બાર એન્ડ રેસ્ટોરન્ટ’માં નોકરી કરતો હતો. આ દરમિયાન બારના કેશ કાઉન્ટર ઉપર રોકડા રૂ.1.48 લાખ પડ્યા હતા. આ રકમ જોતા જ રજતની દાનત બગડી હતી.

રજતે આ રૂપિયા લઇને લગ્ન કરવા માટે કામ આવશે તેવું વિચારીને રૂપિયા ચોરી કરી સુરત આવી ગયો હતો. પોલીસે રોકડા રૂ.1.18 લાખ તેમજ દેશી હાથ બનાવટની પિસ્તોલ કબજે કરી રજતની ધરપકડ કરી હતી. આ સાથે જ રજતને પશ્ચિમ બંગાળ પોલીસને સોંપવાની તજવીજ પણ કરી છે.

Most Popular

To Top