સુરત: (Surat) છેલ્લા બે મહિનાથી ટ્રેડર્સ અને વિવર્સ (Traders- Weavers) વચ્ચે વેપારધારાને લઇ વિવાદ ચાલી રહ્યો છે. તેની અસર ગ્રે કાપડથી લઇ ફિનિશ્ડ ફેબ્રિક્સ સુધી વર્તાઇ છે. તેને લઇ શુક્રવારે ચાર પ્રોસેસર્સ અગ્રણીઓએ ફોગવા, ફોસ્ટા (Fogva-Fosta) અને એસજીટીટીએના હોદ્દેદારોને એકસાથે બેસાડી સમાધાનના પ્રયાસ કર્યા હતા. અગ્રણી પ્રોસેસર્સ કમલ વિજય તુલસ્યાને કોરોનાની સ્થિતિ વિકટ થવા સાથે કાપડના વેપારની સ્થિતિ પણ કથળી રહી હોવાની ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, ટ્રેડર્સ અને વિવર્સ વચ્ચેના વિવાદની અસર ડાઇંગ પ્રોસેસિંગ ઇન્ડ્સ્ટ્રી પર પણ પડી રહી છે. જો આ વિવાદ લાંબો ચાલશે તો પરપ્રાંતિય કામદારોને કોરોનાની વર્તમાન સ્થિતિના પડકાર વચ્ચે સાચવવા મુશ્કેલ પડશે. લાંબી ચર્ચા પછી પ્રોસેસર્સ અગ્રણીઓ જિતેન્દ્ર વખારિયા, પ્રમોદ ચૌધરી અને વિનોદ અગ્રવાલે ટ્રેડર્સ અને વિવર્સ આગેવાનોને અપીલ કરી હતી કે, વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી ટ્રેડર્સ અને વિવર્સ 2થી 3 મહિના બંને પક્ષની માંગણીઓ મોકૂફ રાખે અને આગામી લગ્નસરાંની સિઝનના વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરે. આ બેઠકમાં ફોગવા વતી પ્રમુખ અશોક જીરાવાળા અને મહેન્દ્ર રામોલિયા હાજર રહ્યા હતા.
જ્યારે ટ્રેડર્સ વતી ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, રંગનાથ શારડા અને એસજીટીટીએના પ્રમુખ સાવરપ્રસાદ બુધિયા હાજર રહ્યા હતા. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, પ્રોસેસર્સ આગેવાનોએ બેથી 3 મહિના કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી નિર્ણયો ટાળવા અપીલ કરી છે, તે મામલે વિવર્સોનો મત જાણી ઉત્તર આપવામાં આવશે. એવી જ રીતે ટ્રેડર્સ સંગઠનોએ પણ વેપારી આગેવાનોને વિશ્વાસમાં લઇ અંતિમ નિર્ણય લેવા ખાતરી આપી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, વિવર્સ દ્વારા પ્રતિ મીટર કાપડ પર 0.10 પૈસા લેખે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પેટ્રોલ, ડીઝલના ભાવો વધતા લેવાનો નિર્ણય કરાયો હતો. તો સામા પક્ષે કાપડના વેપારીઓના સંગઠનોએ પાંચ ટકા વટાવ અને એક ટકા કમિશન મળી કુલ 6 ટકા ડિસ્કાઉન્ટની માંગ કરી હતી.
GST ના દરમાં ફેરફારને લઈ ટેક્સટાઈલ ઉદ્યોગમાં હિલચાલ
સુરત: જીએસટી કાઉન્સિલની ગત બેઠકમાં ટેક્સટાઇલ સેક્ટરમાં જીએસટીનો દર ફેરફાર કરવા દક્ષિણ ભારતનાં રાજ્યોના પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરવામાં આવતાં ટેકસ્ટાઇલ ઉદ્યોગમાં હિલચાલ જોવા મળી છે. ફોસ્ટા દ્વારા જીએસટીના દરમાં બદલાવ કરતાં પહેલાં કાપડના વેપારીઓને સાંભળવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ફોસ્ટાએ વડાપ્રધાન, નાણામંત્રી, વાણિજ્યમંત્રી, ટેક્સટાઇલમંત્રી અને ટેક્સટાઇલ સેક્રેટરીને પત્ર લખી જીએસટીનો દર યથાવત રાખવા માંગ કરી છે. અગાઉ જીએસટીમાં ફેરફારને લીધે સુરતના કાપડ ઉદ્યોગને વ્યાપક અસર થઇ હતી. તે જોતાં સરકાર કોઇ પણ નિર્ણય લેતાં પહેલાં સુરતના કાપડ વેપારીઓને તથા અન્ય સ્ટેક હોલ્ડર્સને વિશ્વાસમાં લઇ નિર્ણય લે. જીએસટી લાગ્યા પછી કાપડના ઉત્પાદન, પ્રોસેસિંગ જોબવર્કને અસર થઇ છે. કાપડ અને ગારમેન્ટનો એક્સપોર્ટ પણ ઘટ્યો છે. તે જોતાં જીએસટીનો દર બદલાશે તો સુરતના કાપડ ઉદ્યોગની મુશ્કેલીઓ વધશે એમ ફોસ્ટાના મહામંત્રી ચંપાલાલ બોથરાએ જણાવ્યું છે.