સુરત: (Surat) સુરતના કાપડ ઉદ્યોગના વિકાસ માટે અને નાના અને મધ્યમ કાપડ ઉદ્યોગકારોને ધ્યાને રાખી ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) દ્વારા 34 કરોડના ખર્ચે ટેક્સટાઈલ કોમન ફેસિલિટી સેન્ટર તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામા આવી રહી છે. ચેમ્બર દ્વારા પ્રપોઝલ તૈયાર કરવામાં આવી છે અને આગામી સપ્તાહે રાજ્ય સરકારને મોકલવામાં આવશે. સુરતમાં કાપડ ઉદ્યોગ (Industries) મોટાપાયે ફેલાયો છે. અહીં કાપડ ઉદ્યોગના વિકાસની ખુબ ક્ષમતાઓ છે. નાના અને મધ્યમ કાપડ ઉદ્યોગકારો પણ નવી ટેક્નોલોજી અને વૈશ્વિક બજારથી પરીચિત થાય તે માટે ચેમ્બર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે ચેમ્બરે ટેક્સટાઈલ કોમન ફેસિલિટી સેન્ટર તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે.
આ સેન્ટર 5 માળમાં 8 હજાર સ્ક્વેર ફૂટનું હશે અને અંદાજે 34 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તૈયારી શરૂ કરી દેવમાં આવી છે. ડિપીઆર પણ તૈયાર કરવાની કામગીર પણ શરૂ થઈ ગઈ છે. ટેક્સટાઈલને પ્રમોટ કરવા માટે આ ફેસિલિટી સેન્ટર મહત્વપૂર્ણ સાબિત થશે. વૈશ્વિક બજારમાં જે ફેબ્રિક્સની ડિમાન્ડ હોય તે મુજબના કાપડના સેમ્પલ બનાવીને ફેબ્રિક સ્ટુડિયોમાં ડિસ્પ્લેમાં મુકવામાં આવશે. આ સ્ટુડિયોમાં ફેબ્રિકની માહિતી મેળવી શકશે. આ ડેવલપમેન્ટ સેન્ટરમાં વિશ્વના અલગ અલગ દેશો કેવી રીતે અલગ અલગ કાપડ બનાવી રહ્યા છે? વિશ્વમાં કેવા કાપડની ડિમાન્ડ છે? તેનું રિસર્ચ અને સંશોધન કરવામાં આવશે. જેના માટે સેમ્પલ પ્રોડક્ટ ડેવલપમેન્ટ વિભાગ આ ફેસિલિટી સેન્ટરમાં બનાવવામાં આવશે. જે ઉદ્યોગકારો ખાસ કરીને નાના અને મધ્યમ હરોળના મેન્યુફેક્ચર્સ જો કોઇ નવી ક્વોલિટીનું કાપડ તૈયાર કરવા માંગે છે તો તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આ ઉપરાંત આ વિભાગમાં નિટિંગનું કામ પણ કરવામાં આવશે.
તે ઉપરાંત નિકાસ કરવા ઇચ્છતા ઉદ્યોગકારોને વિદેશમાં સુરતમાં જ કાપડ તૈયાર કરીને વિદેશમાં એક્સપોર્ટ કરવું હોય તો તેમને જે-તે દેશની ડિમાન્ડ પ્રમાણે કાપડનું ટેસ્ટિંગ કરીને તેનું સર્ટિફિકેટ અનિવાર્ય છે. ચેમ્બરના કોમન ફેસિલિટી સેન્ટરમાં સર્ટિફિકેટ અને ટેસ્ટિંગ માટે લેબ ઈન્ટરનેશનલ લેવલની લેબ તૈયાર કરવામાં આવશે. સર્ટિફિકેટની સુવિધા સુરતમાંથી જ મળતી થશે તો વેપારીઓને લાભ થશે.
આ વિભાગમાં ટેક્સટાઈલને લગતી અલગ અલગ મશીનરી મુકવામાં આવશે. જેમાં ટ્રેનિંગ પણ આપવામાં આવશે. સાથે સાથે આંત્રપ્રિન્યોરશિપના કોર્સ પણ કરાવવામાં આવશે. આ ઉપરાંત સિલાઈનો અભ્યાસક્રમ પણ શીખવવામાં આવશે. ચેમ્બર દ્વારા આ યોજનાનો રિપોર્ટ રાજ્ય સરકારને આગામી સપ્તાહે મોકલવામાં આવશે