SURAT

મિલોનો જોબચાર્જ વધતાં વેપારીઓ પોલિએસ્ટર ફેબ્રિક્સની કિંમતમાં 10 થી 25 ટકા વધારો કરવાના મૂડમાં

સુરત: (Surat) સુરતની મિલોએ કાપડ પ્રોસેસના જોબચાર્જમાં બે વાર વધારો કર્યો હોવાથી કાપડનું ઉત્પાદન (Textile production) મોંઘુ થયું છે. મિલ માલિકોએ રો-મટિરિયલનો ભાવ વધારો વેપારીઓનાં જોબ વર્ક પર પાસઓન કરી વધારીને બિલ મોકલતા આજે સુરત મર્કન્ટાઈલ એસોસિએશનની બેઠકમાં પોલિએસ્ટર ફેબ્રિક્સની (Polyester fabrics) કિંમતમાં 10 થી 25 ટકા વધારો કરી માલ વેચવા સૂચન કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેર પહેલાં બહારગામ જે કાપડનો જથ્થો મોકલવામાં આવ્યો હતો તેનું પેમેન્ટ હજી મળ્યું નથી. 600 કરોડથી વધુનું પેમેન્ટ સ્થાનિક અને બહારગામના વેપારીઓમાં ફસાયેલું છે તે જોતાં એડવાન્સડ ચેક અથવા રોકડથી વેપાર કરવા સૂચન કરવામાં આવ્યું છે.

સુરત મર્કન્ટાઈલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે કાપડ બજારની સ્થિતિ વિકટ બની છે ત્યારે હવે રેફરન્સથી વેપાર કરવાને બદલે એડવાન્સ ચેક અથવા રોકડથી વેપાર કરવાના દિવસો આવ્યા છે. જો વેપારીઓ સાવચેત નહીં રહે તો કમાણી કરવાને બદલે નાણાં ગુમાવવાનો વારો આવશે. સંગઠનને વેપારીઓ લાંબા સમયથી પેમેન્ટ નહીં કરતા હોવાની 245 થી વધુ ફરિયાદો મળી છે. જેમાં 18માં સમાધાન કરવામાં આવ્યું છે.

માલના વેચાણ વખતે 3 શરતો રાખવી જોઈએ. જેમાં પેમેન્ટ 60 દિવસમાં મળી જવું જોઈએ. જે ટ્રાન્સપોર્ટથી વેપારી માલ મંગાવે છે. તેની જવાબદારી મંગાવનારની રહેશે. રિટર્ન ગુડ્સ માટે માલ મોકલતાં પહેલાજ સ્પષ્ટતા કરી લેવી 10 દિવસની અંદરજ રિટર્ન ગુડ્સ સ્વીકારવું જોઈએ. જો સ્ટોક પૈકીનો 10 ટકા માલ રોજ વેચાતો ન હોય તો કોઈપણ નવો સ્ટોક કરવાનું ટાળવું જોઈએ.

રો-મટિરિયલની અછત જોતાં ડિલરો દ્વારા એડવાન્સ પેમેન્ટની સિસ્ટમ લાગું કરાતાં ક્રેડિટ બેઈઝ પર ચાલતી 20% થી વધુ મિલો સંકટમાં

સુરત : ચાઈના ક્રાઈસિસની અસર સુરતના ડાઈંગ પ્રોસેસિંગ એકમોમાં ઉપયોગમાં લેવાતાં રો-મટિરિયલ પર પડી છે. કોલસા અને કેમિકલ સહિતના મહત્વના રો-મટિરિયલના ભાવ અનેક ગણા વધી ગયા છે. તેને લઈને પ્રોસેસર્સને મિલો ચાલુ રાખવા બે વાર 20 – 20% નો જોબ ચાર્જ વધારો કરવો પડયો છે. રો-મટિરિયલની અછત જોતાં ડિલરો દ્વારા એડવાન્સ પેમેન્ટની સિસ્ટમ લાગું કરાતાં ક્રેડિટ બેઈઝ પર ચાલતી 20% થી વધુ મિલો સંકટમાં મૂકાઇ છે.

ઉદ્યોગની સ્થિતિ સામી દિવાળીએ ખરાબ છે ત્યાં ડોમેસ્ટિક ડાઈઝ એન્ડ કેમિકલના સાત જેટલા ઉત્પાદકોએ સિન્ડિકેટ બનાવી ચીન અને વિયેતનામથી ઈમ્પોર્ટ થતાં રેંગોલાઈટ અને સેફોલાઈટ જેવા પ્રોસેસિંગ કેમિકલ પર એન્ટી ડમ્પિંગ ડયુટી લાગુ કરવા માટે ઓથોરિટી સમક્ષ પિટિશન ફાઈલ કરતાં ઓથોરિટીએ યુઝર્સ અને પ્રોસેસર્સ સંગઠનોને વિશ્વાસમાં લીધા વિના એક તરફી ભલામણ નાણાં મંત્રાલયને મોકલતા મિલ માલિકોમાં ફફડાટ ફેલાયો છે. સાઉથ ગુજરાત ટેકસટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, રેંગોલાઈટ અને સેફો લાઈટ સહિતના કેમિકલ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીમાં કિ-રો-મટિરિયલ ગણાય છે. તેના પર એન્ટી ડમ્પિંગ ડયુટી લાગુ થશે તો ડોમેસ્ટિક માર્કેટમાં રો-મટિરિયલના ભાવો અત્યારે ત્રણ થી ચાર ગણા વધી ગયા છે. તેમાં કાર્ટેલ થી હજી વધારો થશે આ મામલે કેન્દ્રના નાણાં મંત્રીને રજુઆત કરતાં પહેલા સુરતના સાંસદો અને ટેકસટાઈલ રાજ્યમંત્રીને રજુઆત કરવામાં આવશે.

Most Popular

To Top