સુરત: (Surat) કેન્દ્ર સરકાર દ્વારા 4800 કરોડના ખર્ચે દેશમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક (Textile Park) બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્ક (મિત્રા) માટે જે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે તેમાં એક શરત આ પ્રકારનો પાર્ક પોર્ટ, એરપોર્ટ અને હાઇવેની (Airport And High Way) નજીક હોવો જોઇએ. તે જોતાં સુરત શહેરને આ યોજના માટે 1 હજાર એકર જમીન મળી શકે તેમ નથી. તેના લીધે ઓલપાડ-સાયણ રોડ, માંગરોળ અને નવસારી જિલ્લાના ઉભરાટમાં 1 હજાર એકર દરિયા નજીકની જમીનની શોધખોળ થઇ હતી. પરંતુ હવે રાજ્ય સરકારે જીઆઇડીસી હસ્તકની ભરૂચ જિલ્લામાં જંબુસરમાં આવેલી જમીનનો વિચાર કરવા સૂચન કર્યું છે.
આ યોજનામાં કામદારોની આવાસ યોજના પ્રોજેક્ટનો જ એક ભાગ હોવાથી કારીગરોને પાર્કમાં જ વસાવી શકાશે. તેથી લેબર લાવવા લઇ જવાની સમસ્યા નડી શકે નહીં. જો મેગા ટેક્સટાઇલ પાર્ક જંબુસરમાં બનાવવામાં આવે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને ચોક્કસ લાભ થશે. પરંતુ સ્થાનિક લોકોને રોજગારીમાં કોઇ સીધો લાભ થશે નહીં. સરકારની શરત એ છે કે, જ્યાં ટેક્સટાઇલની ઇકો ચેઇન સ્થાપવામાં આવી હોય તેની નજીક પાર્ક બનાવવો જોઇએ. જંબુસરમાં ગારમેન્ટ પાર્કનું કામ ચાલી રહ્યું છે. ઉપરાંત કેમિકલ ઝોન અને અન્ય ઝોન પણ આવેલા છે. સરકારનું આયોજન 3 વર્ષમાં 7 પાર્ક બનાવવાનું છે. જો કે, ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીનું કહેવું છે કે, સુરત અને નવસારી ટ્વીન્સ સિટીની વચ્ચે ઉભરાટમાં મેગા ટેક્સટાઇલ પાર્ક માટે જમીન મળી શકે તેવી શક્યતા તંત્રએ વ્યક્ત કરી છે. સુરત જિલ્લાના માંગરોળનો વિકલ્પ પણ ખુલ્લો છે. જીઆઇડીસી સંભાવના ચકાસી રહી છે કે પાર્ક ક્યાં બનશે.